Sunday, May 07, 2006

સલામના સાથીદારો

વરસો પહેલાં શ્રી બકુલભાઇ ત્રિપાઠી પાસે થી એક વાત સાંભળેલી. યાદ્શકિતના આધારે તેમના જ શબ્દોમાં લખું છું.

"કોલેજમાં મારા દેખાવના કારણે અવારનવાર મારે ભાગે વિધ્યાર્થીઓ માટે મજાક્નું સાધન બનવાનું આવતું. મે નક્કી કર્યું કે કોલેજ બંધ થવાના સમયે ચોકીદારની સાથે જ બહાર નીકળવું. છતાં ક્યારેક ક્યારેક રસ્તામાં કોલેજનો કોઇ વિધ્યાર્થી કે વિધ્યાર્થીની મળી જાય ત્યારે મારા નવા નવા નામ અચુક મારા કાને પડતાં ! જોકે સમય જતાં હું આ બધાંથી ટેવાઇ ગયો હતો. એક દિવસ સાંજે કોલેજમાંથી નિક્ળ્યો. દરવાજાથી થોડે જ દૂર એક વિધ્યાર્થી મળ્યો. આઘાતજનક રીતે તેણે મને 'ગુડ ઇવનીંગ સર' કહ્યું. આમ તો આવો એકાદ આંચકો તો હું પચાવી શકું છું. થોડે આગળ જતાં જ બીજો વિધ્યાર્થી સામે મળ્યો મારા કાન તૈયાર હતાં બબુચક કે ઠિંગુજી કે ગટુમારજ કે એવું કશુંક ઉપનામ સાંભળવા માટે. પણ વળી એક આઘાત...તેણે મને 'સર નમસ્તે' કહ્યું ! થોડે આગળ જ પાનની કેબિનની ફૂટપાથ પર ઉભેલી અમારી કોલેજની તોફાની ટોળકી દેખાઇ. તેમાનાં ઘણાં વિષે હું આચાર્યને ફરિયાદ કરી ચુક્યો છું એટલે તે લોકો મારા વિષે કોઇ ઉંચો અભિપ્રાય તો નહી જ ધરાવતાં હોય તેની મને ખાત્રી હતી તેથી હું માનસિક રીતે તૈયાર જ હતો. પણ અહો આશ્ચર્યમ ! તે દરેકે મને 'હેલો સર કહ્યું ! મનમાં ને મનમાં ક્શુંક અમંગળ થવાની દહેશત આકાર લેવા માંડી. રોજ રોજ મને ચિડવનાર અને જાત જાતના ટિખળથી મને પરેશાન કરનાર આ બારકસો આજે આટલી સલામો કાં કરે ? થોડો ગભરાટ થવા લાગ્યો અને હું પરસેવાથી રેબઝેબ થઈ ગયો. ચલવાનુ બંધ કરી ઉભો રહી ગયો ત્યાંજ મારી નજર મારી પાછળ જ આવી રહેલાં અમારી કોલેજના આચાર્ય પર પડી..અને આજે થયેલાં અનુભવોનું કારણ જડી ગયું. જીવનનું એક મહાન સત્ય મને એ ક્ષણે લાધ્યું......"બકુલભાઇ તો દરેક પરિસ્થિતિમાંથી હાસ્ય નિષ્પન્ન કરી હળવેથી જીવનની ફિલોસોફી સમજાવવાંમાં નિષ્ણાંત છે. તેમને થયેલો અનુભવ આપણને પણ ક્યાં નથી થતો ? મજાક, અપમાન, અવહેલના, ટિકાઓ વગેરેથી આપણે પણ અનેકવાર પરેશાન થયાં છીએ. એવી જ રીતે ઘણીવાર અણધારી કે આકસ્મીક રીતે જ આપણને કોઇએ સલામ કરી હોય કે નવાજ્યા હોય તેવું પણ અનેક વાર બનતું હોય છે. છતાં સામન્યત: તેમાથી જીવનની કોઇ તાત્વિક શિખામણ આપણે તારવતાં નથી હોતાં. આ લેખમાં આગળ જે વાત છે તે આપણને સૌને સ્પર્શે છે."તે દિવસે મને જે કંઇ સલામ, હેલ્લો કે નમસ્તે મળ્યા એ મળ્યાં તો હતાં મને પણ તેનુ કારણ માત્ર હું ન હતો. પાછળ પાછળ જ આવતાં અમારાં આચાર્ય પણ હતાં. જીવનમાં મળતી સલામો સફળતાઓ કે સન્માનો માટે આપણી પાછળ પાછળ આવતાં કેટલાંક લોકો પણ સહભાગી હોય છે." આપણને મળેલી સલામો માટે આપણી પાછળ આવતાં આપણા પરિવારના સભ્યો, સહકર્મીઓ, શુભેચ્છકો કેટ્કેટલાં લોકો જવાબદાર હોય છે તે વિષે આપણે ક્યારેય વિચાર્યું છે ? કસ્તુરબા વગરના ગાંધીજી કે કૃષ્ણ વગરના અર્જુન કે સમર્થ સ્વામી રામદાસ વગરના શિવાજી કે પછી રાજા ભોજ વગરના કવિ કાલિદાસની કલ્પના થઈ શકે ખરી? બરાબર આ જ વાત કોઇ સંસ્થાને પણ એટલી જ લાગૂ પડે છે. કોઇ પણ સંસ્થા કે સંગઠન ત્યારે જ સફળ થઈ શકે અને સાબૂત રહી શકે જ્યારે તેની સાથે અનેક લોકો હ્રદયપૂર્વક સંકળાયેલા હોય. સન્માન હંમેશા સંસ્થા કે ઓફિસના વડાંનું જ થાય, જીત તો હંમેશા રાજાની જ થાય પણ જીતના કારણમાં તો પેલા સૈનિકો જ હોય છે. એ સૈનિકોને યશ આપવો એજ સાચુ રાજાપણું છે. આપણે ક્યારેક રાજાની તો ક્યારેક સૈનિકની ભૂમિકામાં હોઇએ એવું બને. પહેલી ભૂમિકામાં જેના કારણે સલામો મળી હોય તેના પ્રત્યે આદર અને બીજી ભૂમિકામાં કોઇને મળતી સલામમાં નિરપેક્ષ ભાવે સહભાગી બનવું તે જ સાચું સૌજન્ય છે.

-પ્રણવ ત્રિવેદી

3 comments:

Jayantibhai Patel said...

Thank you for your entry in my guestbook of pustakalay.com. I tried to send email but the email address didn't work.
You have a good blog and knowledgible articles. Good work. Keep it up.

વણઝારો said...

જીવનમાં મળતી સલામો સફળતાઓ કે સન્માનો માટે આપણી પાછળ પાછળ આવતાં કેટલાંક લોકો પણ સહભાગી હોય છે." આપણને મળેલી સલામો માટે આપણી પાછળ આવતાં આપણા પરિવારના સભ્યો, સહકર્મીઓ, શુભેચ્છકો કેટ્કેટલાં લોકો જવાબદાર હોય છે તે વિષે આપણે ક્યારેય વિચાર્યું છે ?

100 % સત્ય . ને વિચારવા જેવી વાત .

સરસ લખો છો.

manvant said...

આમેય આપણે અન્યના પડછાયામાં જ
જીવતા હોઇએ છીએ ને ?જાણ્યે-અજાણ્યે ?
વાત સારી ને ઉપદેશાત્મક છે !આનંદ !