મનોમંથન

મનોમંથન આજથી સો-સવાસો વર્ષ પહેલાં દક્ષિણ આફ્રીકાના એક રેલ્વે સ્ટેશને એક હિન્દુસ્તાની માણસને માત્ર અને માત્ર રંગભેદના કારણે ગાડીમાંથી અપમાનીત કરી સામાન સહીત પ્લેટ્ફોર્મ પર ફેંકી દેવામાં આવ્યો. વિચારો તો ખરાં કે સાવ અજણ્યા મુલ્કમાં, સાવ અજાણ્યા માણસો વચ્ચે એ માણસે એક રાત પ્લેટ્ફોર્મ પર પસાર કરી. કેવું જબરદસ્ત મનોમંથન અનુભવ્યું હશે એ માણસે? એ મંથનની ક્ષણો તેને બળવાખોર બનાવી શકી હોત કે પછી અપમાનમાંથી પ્રગટેલાં વિષાદે આત્મહત્યા પણ નોતરી હોત. જોકે નિયતિની યોજના કંઈક અલગ જ હતી. મનોમંથનમાંથી જીવનદર્શન પ્રગટે એ પળ સાક્ષાત્કારની પળ કરતાં જરાં પણ ઉતરતી નથી હોતી. મંથનમાંથી પ્રગટેલ જીવનદર્શને જ મોહનદાસ કરમચંદ ગાંધીને વિશ્વવિભૂતિની કક્ષાએ લાવી મુક્યા. યાંત્રીકરણના આજના યુગમાં મનોરંજનની દોડમાં આપણે મનોમંથન કરવાનું ભુલી ગયા છીએ. ખરેખર તો આપણે દર વરસે એક દિવસ માત્ર જાત સાથે સંવાદ માટે "મંથન દિવસ" તરીકે ઉજવવાનુ આયોજન કરવુ જોઇએ. અને વિચાર વલોણું ચલાવી કેટલાંક સવાલોના જવાબ શોધવા જોઇએ. - આ જગતમાં વસતા દરેક સજીવો પોતાના માટે ખોરાક પાણી અને આશરો મેળવવા માટે મથે છે. તમે તમારી જાત માટે આથી વિશેષ શું કર્યું છે? - પરિવારના વરિષ્ઠ સદસ્ય તરિકે દરેક વ્યક્તિ પોતાના પરિવારને ભરણપોષણ, કપડાં અને મોજશોખના સાધનો પૂરા પાડે જ છે. તમે તમારા પરિવાર માટે આથી વિશેષ શું કર્યું છે? -તમારી જીંદગીનો, તમારા સમયનો અને સંપતિનો કેટલો હિસ્સો એવા કામમાં વાપરો છો જેમાં તમારો બિલકુલ સ્વાર્થ ન સમાયો હોય? -એવો કોઇ પ્રસંગ તમારા જીવનમાં બન્યો છે જ્યારે તમે વળતો જવાબ આપવા સક્ષમ હોવા છતાંયે તમારી ઉપેક્ષા કરનારને કે તમારું અપમાન કરનારને માફ કર્યા હોય? -તમારા વર્તન કે શબ્દોથી સામેની વ્યક્તિના મનને ઠેસ પહોંચી હોય તેવું લાગ્યા પછી ભલે મનોમન પણ તમે તેની માફી માગી શકો છો ? -તમારી હયાતિ નહી હોય ત્યારે લોકો તમને ક્યા સંદર્ભે યાદ કરે તેવું તમે ઇચ્છો છો? તે માટેના તમારા કોઇ પ્રયત્નો ખરાં? આ અને આવા અન્ય સવાલોના સારા નહી પણ સાચ્ચા જવાબ આપવા પ્રમાણિક પ્રયત્ન કરો જેથી વિચારવાની ટેવ પડશે કારણકે વિચારો આવવા અને વિચારો કરવા એ બન્ને અલગ બાબત છે. - પ્રણવ ત્રિવેદી

Comments

Your post does not appear well in firefox browser. You need to left align your post instead of "justify" or "center" it.

Siddharth
http://drsiddharth.blogspot.com
Anonymous said…
સવાલો બહુ ઉમદા અને વ્યાજબી છે... એના જવાબો એટલા જ કઠીન છે. વિચારો આવવા અને વિચારો કરવા એ બન્ને અલગ બાબત છે... એ વાત મનમાં વસી ગઈ !