સુખ એટલે......

સુખ એટલે...... સુખ જેવું કંઇ નથી જગમાં, જે કંઇ છે તે આજ છે સુખ એ તો અમારા દુ:ખનો બદલાયેલો મિજાજ છે. આ પંક્તિઓ વાંચતા જ સુખની સાદી વ્યાખ્યા શોધવાની મથામણ શરૂં થઈ. દુ:ખી માણસોના સુખનો અને સુખી માણસોના દુ:ખનો અભ્યાસ કરતાં જે વ્યાખ્યા જડી આવી તે આમ છે. જમ્ય હોઇએ તે સમયસર પચી જાય અને પથારીમાં પડતાં જ ઉંઘ આવી જાય તે સુખની નિશાની. ખોરાક્ની સત્વશીલતાને અને પાચનને જેમ સીધો સંબંધ છે તેવી જ રીતે ખોરાકની તમારી થાળી સુધીની યાત્રાને પણ સીધો સંબંધ છે. આપણે ત્યાં "હરામનો પૈસો" તેવો શબ્દ વારંવાર સંભળાય છે પણ જે ભોજનની તૈયારીમાં આંસુ વપરાયા હોય તેને "હરામનો ખોરાક" ગણવાનો આપણે ત્યાં રિવાજ નથી. રોજી-રોટીની તલાશમાં આવેલો રેસ્ટોરન્ટનો કૂક મનોમન તો દુર દેશાવરમાં રહેતાં પોતાના પરિવાર માટે ઝૂરતો હોય છે. માટે જ તેણે બનાવેલાં ખોરાકમાં સ્વાદની બોલબાલા હોય પણ સત્વ ગેરહાજર હોય તેવું બનતું હોય છે. આ વાત સાસરે મન મારીને જીવતી સ્ત્રીના હાથથી બનેલી રસોઇને પણ એટલી જ લાગું પડે છે. કોઇ વાનગીમાં જ્યાં સુધી ઉમળકાનું રસાયણ ન ભળે ત્યાં સુધી તેમાં સ્વાદ,સત્વ અને માધુર્યનો સમન્વય રચાતો નથી. ક્યાંક વાંચ્યાનુ યાદ આવે છે કે આ સમાજ બે વર્ગમાં વહેંચાયેલો છે: એક વર્ગ એવો કે જેને શું કરીએ તો ભુખ લાગે તેની ચિંતા સતાવે છે. અખાડાંઓ, જીમ ક્લબ અને જોગીંગ પાર્ક આ વર્ગ માટે સર્જાયા છે. જ્યારે બીજો વર્ગ એવો છે જેને ભુખ લાગી છે તો શું કરવુ તેની ચિંતા સતાવે છે. જે સમાજમાં આ બીજા પ્રકારના વર્ગની સંખ્યા વધારે હોય તે સમાજની તંદુરસ્તી માટે હંમેશા શંકા રહે છે. ઉંઘ એ માણસની આહાર પછીની બીજી પ્રાથમિક જરૂરિયાત તો છે જ પણ સાથે સાથે સુખીપણાની પારાશીશી પણ છે. ઓશીકું એ આપણી ઉંઘને નજરે જોનાર એક માત્ર સાક્ષી છે. ઘસઘસાટ ઉંઘ એ તો શ્રમનારાયણની કથાની મીઠી પ્રસાદી છે. શ્રમ કર્યા પછીનો પ્રસ્વેદ એ એવો વેદ છે જેની આગળ તો બાકીના ચારેય વેદ પાણી ભરે! એટલે જ કોઇ શ્રમજીવીના પ્રસ્વેદની ગંધ અત્તરની સુગંધથી જરાય ઉતરતી નથી હોતી. અને કોઇ ધનવાન માણસના ઘરે ઇન્કમટેક્ષના દરોડા વખતે તેના કપાળે વળતો પરસેવો વિશ્વની સૌથી ખરાબ ગંધ ધરાવતો હોય છે. કમનસીબે આપણે દિનચર્યામાં શ્રમને બહુ પાછળનું સ્થાન આપ્યું છે. તેથી જ તો ઉંઘની ટિકડીઓ બનાવનાર કંપનીઓ તગડો નફો કમાય છે. દરેક પરિવારના વડાંની પણ ફરજ બને છે કે પરિવારના મોંમાં મુકાતો પ્રત્યેક કોળિયો સત્વસભર અને પ્રેમસભર બને અને દરેક સભ્ય ઉચાટ વગરની ઉંઘ લઈ શકે. આવા પરિવારનો સભ્ય અવસાદ,અનિંદ્રા અને અસંતોષના ત્રિવિધ દોષથી અવશ્ય બચી જશે. અને વિશ્વ આરોગ્ય સંસ્થા જો જાહેર કરે તો સ્વસ્થતાનુ નોબલ પારિતોષક પણ આવા જ કોઇ પરિવારને એનાયત થાય તો નવાઇ નહી ! સૌને સ્વસ્થ આહાર-વિહારની શુભકામનાઓ.......

Comments

pragnaji said…

ખુબ સરસ લેખ

આપના લેખને અમારા બ્લોગ પર વાંચવા મુકું છો ,આપની રજા છે એમ સમજીને આપ અમારા બ્લોગ પર પધારશો



http://shabdonusarjan.wordpress.com/