એક ચિંતન

એક ચિંતન…………………. તાજેતરમાં કેટલીક સંસ્થાઓ, સંગઠનો અને પ્રવૃત્તિઓ વિષે અનેક પ્રકારની વાતો આપણા સુધી પહોંચી રહી છે. વિચારશીલ માણસોને આવી વાતો અવશ્ય ખલેલ પહોંચાડી શકે. વમળો પેદા કરી શકે. પણ કોઇ વિપરીત પરિસ્થિતિની ચિંતા કરવાથી સમસ્યા હલ ન થઈ શકે. ચિંતામાંથી ચિંતન અને મુલ્યાંકન પ્રગટે તો જ રસ્તો મળી આવે. કોઇપણ પ્રવૃત્તિ કે સંગઠન હેતુપ્રધાનતા ગુમાવી વ્યક્તિપ્રધાન બની જાય ત્યારે તેની પડતીની શરૂઆત થાય છે. આ સમયે તેમાં જોડાયેલાં લોકોના "બીઇંગ"ની બદલે "બીકમીંગ"ની બોલબાલા શરૂ થઈ જતી જોવા મળે છે. કોઇપણ પ્રવૃત્તિ કે સંગઠનના ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ માત્ર લોકસંમતિથી ત્યાં પહોંચે તો તે માત્ર નેતા બની શકે નાયક નહી. મુખ્ય સુત્રધાર પાસે લોક્સંમતિ ઉપરાંત લોકાદર અને લોક્પ્રેમ પણ હોવો જ જોઇએ. જે નેતૃત્વ પાસે આ ત્રિફળા ન હોય તે સંસ્થાનું આરોગ્ય હંમેશા ખતરામાં રહે છે. તમે જે માગો છો તે નહી પણ તમારૂં જેમાં કલ્યાણ હોય તે તમને અપાવવા માટે તત્પર હોય તે જ સાચું નેતૃત્વ. કોઇપણ પ્રવૃત્તિ કે સંગઠન પાસે જો આ ન હોય તો તેનું આયુષ્ય અલ્પજીવી જ રહેવાનું પછી તે કોઇ સંપ્રદાય હોય,રાજકિય પક્ષ હોય કે મજૂર મહાજન હોય. એક બીજી વાત પણ ઉડીને આંખે વળગે છે. કોઇપણ પ્રવૃત્તિ કે સંગઠનના સુત્રધારને કે નેતાને સૌ માનવિય મર્યાદાથી મુક્ત માનવા લાગે છે. તે પણ હાડચામનો બનેલો આપણા જેવો માણસ છે, તેને પણ પરિવાર છે(જેને તેની વધારે જરૂર છે), તેને પણ લાગણીઓ અને સંવેદનાઓ અનુભવતું એક હૈયું છે તે વાત તદ્દન વિસરાય જાય છે. તેના અંગત જીવનને પણ જાહેર જીવન માનનારો એક વર્ગ તૈયાર થાય છે. કોઇપણ પ્રવૃત્તિ કે સંગઠનનું નેતૃત્વ લેનારના મનમાં તેણે ભજવવા પડતાં અનેક પાત્રો વચ્ચે લગાતાર યુધ્ધ ચાલતું જ રહે છે. આ યુધ્ધ જ ગાંધીજીને સફળ રાષ્ટ્રપિતા પણ બનાવી શકે અને નિષ્ફળ પિતા પણ બનાવી શકે. આ યુધ્ધ્માંથી પ્રગટતો વિષાદ કાયમી ન બની જાય તે જોવાની જવાબદારી તે પ્રવૃત્તિ કે સંગઠનના સૌની સહિયારી છે. એક વધું વાત આ સંદર્ભે ન વિચારીએ તો અધૂરૂં ગણાય. સોક્રેટિસ હંમેશા કહેતાં કે જે પ્રજા જેને લાયક હોય તેવો રાજા તેને મળી જ રહે છે. વિચાર માગી લે તેવી વાત છે. પ્રજા જાગૃત તો રાજા સતર્ક અને રાજા સતર્ક તો રાજ્ય સમૃધ્ધ. માટે કોઇપણ પ્રવૃત્તિ કે સંગઠનની પડતી માટે માત્ર અને માત્ર નેતૃત્વને જ દોષ ન દઈ શકાય. તેમાં રહેલાં સજ્જ્નોની નિષ્ક્રિયતા પણ એટલી જ જવાબદાર ગણાય. એટલે જ કહ્યું છે ને કે “Bad officials are elected by those who do not vote.” -પ્રણવ ત્રિવેદી

Comments