અષાઢની વાત

નિયતિએ આપણને બે કામ સોંપ્યા છે : "કાં વરસ્યા કરો કાં તરસ્યા કરો !" આ જ નિયતિએ તરસવાનું કામ ધરતીને અને વરસવાનું કામ આકાશને વહેંચી આપ્યુ છે. અત્યારે આકાશે તેનું અવતારકૃત્ય બરાબર શરું કરી દીધું છે.આકાશ વાદળોના ભારથી નીચે આવી ગયું હોય, સૂર્યની ગેરહાજરી વરતાતી હોય, ધરતી પરની વનસ્પતિ શંકરની જટાને માફક આકાશી સ્નેહ વર્ષાને ઝિલી લેવાં તત્પર હોય, આ સમગ્ર વાતાવરણ જાણે કન્યાવિદાયની-આનંદમઢ્યા ગાંભિર્યથી ભરપૂર-ક્ષણો હોય તેવું લાગે છે. અને એ તો એવું જ લાગે ને? કારણકે અંતે તો મેઘરાજાની પુત્રી વર્ષાને અવનિ પરિવારમાં જ વળાવાતી જ હોય છે ને? ધોધમાર વરસવાનું પણ આપણા સૌના ભાગ્યમાં ક્યાં હોય છે. ભીનીભીની લાગણીઓથી કોઇના મન પ્રદેશને નિસ્વાર્થ ભાવે તરબતર કરી દેવાનો પણ એક આનંદ હોય છે. અત્યારે વરસેલાં અષાઢના પહેલાં વરસાદ પછી માટીમાંથી પ્રગટતી સંતૃપ્તિ-સભર સુગંધથી વધારે નશીલી ચિજ દુનિયામાં હોવા વિષે મને શંકા છે. આધુનિકતાની વરવી દોડમાં પ્રકૃતિથી વિમુખ થઈને આપણે શું શું ગુમવ્યું છે તેનાથી કદાચ આપણે અજાણ છીએ. એક ક્ષણ માટે વિચારી તો જુઓ કે આપણી પહેલી આંગળી અને અંગુઠા વચ્ચે વરસો પહેલાં પતંગિયું પકડતી વેળાએ અનુભવેલો રોમાંચ આજે ચલણી નોટનું બંડલ પકડતી વખતે અનુભવાય છે ? પથ્થર મારીને તોડેલાં ફળોની મિઠાશ રંગબેરંગી પ્લેટમાં પિરસાયેલાં 'ફાસ્ટ ફૂડ'માં માણી શકાય છે? ચોમાસાના પહેલાં વરસાદમાં નહી પલળનારાઓથી જ રિસાઇને વરસાદે વરસવાનું ઓછું કરી નાખ્યું હશે. આંગણે આવેલાં મોંઘેરા મહેમાન સાથે આવો વ્યવહાર થોડો જ કરાય ? ચાલો પહેલા વરસાદના એકાદ અઠવાડિયામાં જ ડામરની સડકની બન્ને બાજુએ ઉગી નિકળેલાં લીલાછમ તૃણાંકુરોની માફી માગી લઈએ અને શ્રી ગુણવંત શાહ જેને 'પર્જન્ય ૠષી' કહે છે તેવાં વરસાદી દેડકાના વૃંદગાનની માણી લઈએ.

Comments

Anonymous said…
શ્રી પ્રણવભાઇ ,
આપના બ્લોગ ની લીંક મે મારા બ્લોગ પર ગુજરાતી બ્લોગ જગત મા રાખી છે,
સલાહ સુચન આપશો જી,

અમિત પિસાવાડિયા
http://amitpisavadiya.wordpress.com