Tuesday, September 26, 2006

મહાન હોવું એટલે……….

મહાન હોવું એટલે……….

ઘણાં સમય પહેલાં ભાવનગરમાં બ્લડ બેંકના ઉદઘાટ્ન પ્રસંગે હાજર રહેવાનું બનેલું. વિખ્યાત સંત શ્રી મોરારીબાપુના હસ્તે ઉદઘાટ્ન સંપન્ન થયેલું. તેમણે રક્તદાન કરીને જ બ્લડ બેંકને ખુલ્લી મુકવાનો આગ્રહ રાખેલો તે વાત હજું યાદ આવે છે. આમેય નાની વાતોમાં વ્યક્ત થતી મહાનતા જ એક મહાન વ્યક્તિત્વને આપણી સમક્ષ મુકે છે. આજે વાત કરવી છે એક એવાં જ વ્યક્તિના પત્રની.

રક્તદાનની પ્રવૃત્તિ સાથે જોડાવાનું સદભાગ્ય સાંપડ્યું છે. નાનપણથી જ આ કાર્યને અવતારકૃત્યની માફક જીવનમાં વણી લેનાર ભાવનગરના શ્રી માનભાઇ ભટ્ટ પ્રત્યે મનોમન આદર સેવ્યો છે. જ્યારે એક તાલુકા કક્ષાની રક્તદાન સમિતિમાં સ્થાન લીધું ત્યારે એ આદરથી પ્રેરાઇને તેમના આશિર્વાદ માગતો પત્ર તેમને લખેલો. અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત એવાં એ વ્યક્તિત્વનો જવાબ આવશે તેવી સહેજેય અપેક્ષા હતી જ નહી. તેથી જ્યારે તેમનો પત્ર આવ્યો ત્યારે સાનંદ આશ્ચર્ય થયેલું. આમ તો સામાન્ય અને અસામાન્ય માણસો વચ્ચે આટલો જ ફરક હોય છે. મહાત્મા ગાંધી પણ તેમને મળનારા તમામ પત્રોનો જવાબ આપવા માટે વિખ્યાત છે. મને મળેલાં શ્રી માનભાઇના પત્રમાંની બે વાતો મને જીવન પાથેય સમી લાગી છે તેથી એ પત્ર આજે પણ જતનથી જાળવી રાખ્યો છે.

તેમના આશિર્વાદ માગ્યા હતા તેના માટે તેમણે લખ્યું હતું કે “આશિર્વાદ તો ક્યારેય કોઇના માગવાં જ નહી ! તેનાથી મન અને હૈયું નિર્બળ બને છે.” ક્ષણભર માટે વાંચતા વાંચતા ક્શુંક ખુંચ્યુ તેવું અવશ્ય લાગ્યું પણ વિચારતાં વિચારતાં આ વાક્ય કોઇ ઋષિમુખેથી પ્રગટેલાં વેદ વાક્ય સમુ લાગ્યું. પુજન, અર્ચન, મંદિરો અને પ્રણામ પધ્ધતિની આપણી પરંપરામાં આ વાત કંઇક જુદી લાગતી હતી. પણ અનેક પ્રસંગોએ આ વાત ખરી ઉતરતી જણાઇ છે. આશિર્વાદથી કશુંક મેળવવાની ખેવના આપણા પરિશ્રમને, આપણા આત્મવિશ્વાસને પરાવલંબી બનાવે છે અને ક્યાક તેનો અતિરેક અંધશ્રધ્ધાને પોષે તેવું પણ બની શકે. વાત કોઇના આશિર્વાદના વિરોધની નથી પણ તેની આડ અસરોની છે. ક્યા ગુરૂના આશિર્વાદ તેના શિષ્યને સાથે ન હોય ? ક્યા માબાપની દુઆઓ તેના સંતાનો સાથે ન હોય ? ઇશ્વરના સંતાનો તરીકે જગતનિયંતાની કૃપા સૌની સાથે હોવાની જ પણ એ માટે યાચના કરવાથી મનોબળના કિલ્લામાં કેવાં કેવાં ગાબડાં પડી શકે ? સમજણનું ઉંડાણ માગી લે તેવી વાત છે.

બીજી એક વાત તેમણે લખેલી કે “જે કોઇ સદ્પ્રવૃત્તિ કરવી તે ઇશ્વરના કાસદિયા બનીને કરવી.” મોટાભાગના માણસો જીવનના અંત સુધી પોતાના કરોડો શ્વાસોનો હેતુ સમજવામાં નિષ્ફળ જતાં હોય છે. અને અંત પેલાં કબુતરોનું ઘુઘુઘુ વાળા કાવ્ય જેવો આવે. કાસદિયો એટલે કે આજનો ટપાલી તેને મળેલાં ટપાલના થોક્ડાંને વાંચવા બેસતો નથી. તેનું કામ તો જે તે ટપાલ તે જેના માટે લખાયેલી છે તેને પહોંચાડવાનું જ છે. ટપાલમાં ધમકી હોય કે નિમંત્રણ, શોક હોય કે ઉમંગ તેને તેની સાથે કોઇ સંબંધ નથી હોતો. ઇશ્વરે આપણને આપેલી ટપાલ એ પછી સમજણ સ્વરૂપે હોય કે ધન સ્વરૂપે કે પછી વિચાર વૈભવ હોય એ આપણું માની લેવાની ભુલ હરગિઝ ન કરાય. ગાંધીજી એટલે જ કહેતાં કે સત્ય અને અહિંસા તો અનાદિકાળથી ચાલ્યા આવે છે. કાસદિયા હોવાનો આ વિચાર માત્ર આપણા કબજામાં રહેલી ટપાલોને તેના ગંતવ્ય સુધી પહોંચતી કરવા માટે જાગ્રત રાખી શકે તેમ છે.
-પ્રણવ ત્રિવેદી

1 comment:

અમિત said...

સુંદર લેખ ,