વનપ્રવેશે

વન પ્રવેશની વેળાએ પીડે વય વધ્યાની વેદના
આથમતા જાય ઉન્માદો ને શમતી જાય સંવેદના

જાણવાની ખુટતી જણસ ને વિસ્મય તો વિસરાયું
શૈશવ તો ક્ષિતિજે જૈ બેઠું ને યૌવન લાગે પરાયું 

માણ્યો એકલપંથ ને માણ્યા મનપાંચમના મેળા
ચાહ્યા એવાંયે લોકોને જે આવ્યા કદી ન ભેળાં

પ્રેત અધુરી ઇચ્છાઓના જાણે મનમહેલમાં ભટકે 
મનગમતાં કૈંક શમણાંઓની કરચ આંખમાં ખટકે

સંગાથી મારગે બે મળ્યાં,સમજણ ને સંવેદના 
વન પ્રવેશની વેળાએ પીડે વય વધ્યાની વેદના 

 (આમ તો વન પ્રવેશને હજું એકાદ દશકની વાર છે પણ સરેરાશ આયુષ્ય પ્રમાણે ચાલીસી શરૂં થતાં જ અર્ધે પહોંચી ગયા એવું લાગવા લાગે છે ! ચાર દશક સુધી સ્વ-ક્ષમતા પર મુસ્તાક હોઇએ પણ ચાલીશ શરૂ થતાંજ "ચાલ ઇશ" કહી ઇશ્વરને કે નિયતિને શરણે જવાનું વલણ આકાર લેવા લાગે છે તેની વાત એટલે આ રચના !)

Comments

Anonymous said…
પ્રેત અધુરી ઇચ્છાઓના જાણે મનમહેલમાં ભટકે
મનગમતાં કૈંક શમણાંઓની કરચ આંખમાં ખટકે


બહુ જ સરસ શબ્દ રચના .
વન શબ્દ જેવો 'ચાલીસી' માટે કોઇ શબ્દ શોધવો જોઇએ. મને મારી તે ઉમ્મરની મનોદશા યાદ આવી ગઇ. પચ્ચીસીમાં મનમાં કેટકેટલાં ઉમંગો ભરેલાં હોય છે. પણ જીવનની વાસ્તવિકતાના પંદર વર્ષ પછી એ સપનાં ચૂર થતાં જોવાની વ્યથાની વાત તમે કહી.
પણ ખરી જિંદગી તો સાઠ પછીની. આ અંગે હું મારા વિચારો 'કાવ્ય સૂર' પર મૂકીશ.
આ કાવ્યે મને આમ કરવા પ્રેર્યો છે. આભાર !