મિત્ર

(એક મિત્ર માગી માગીને કેટલું માગે? દરેક સુદામાને પોતપોતાના કૃષ્ણ પાસે બસ આટલું જ અપેક્ષિત હોય ને?) 

દોસ્ત અત્યારે તો સશક્ત છું,દોડી શકું છું 
પણ આ બધું જ ન હોય ત્યારે 
મારા ચરણને તારૂં આંગણું 
વિસામો તો આપશે ને? 

 અત્યારે તો સંવેદનાસભર છું 
પણ જ્યારે તમામ સંવેદનાઓ 
વેદનામાં ફેરવાઇ જાય ત્યારે 
એ વેદનાને તારા ખભા પર માથુ ટેકવી 
વહેતી મુકવા તો દઈશ ને? 

અત્યારે તો જબરદસ્ત ઉપયોગિતા મુલ્ય 
ધરાવું છું 
પણ સૌને માટે જ્યારે 
હું તદ્દન બીનઊપયોગી હોઈશ ત્યારે 
કશીયે અપેક્ષા વગર 
મારૂં ખોવાયેલું સન્માન 
શોધી આપીશ ને? 
 અત્યારે તો સભર છું, તૃપ્ત છું પણ 
ખાલીપાના સમયે, ખરી પડવાના સમયે 
તારા ખોળે 
મારા અંતિમ શ્વાસના સુરો શમી જાય
 તેટલી મૈત્રી તો નિભાવીશ ને?

Comments

Anonymous said…
સુખી થવું હોય તો -
આ મિત્ર જો દુન્યવી હોય તો આવી કોઇ અપેક્ષા ન રાખવી સારી !
અને ઉપરવાળાને સંબોધીને હોય તો - તેનો સાથ છે ત્યારે તો આટલું પણ કરી શકાય છે!
માટે જ આ ક્ષણમાં જ જીવવું ....
તો જ જીવ્યા.