રોકે છે મને

અશ્રુભીની કોઈ પાંપણ રોકે છે મને
એટલે કે પારકી થાપણ રોકે છે મને

તારાથી દૂર જતા રસ્તે ચાલ્યો હતો
રસ્તામાં તારા સ્મરણ રોકે છે મને

એમ તો હું યે ક્યાં જવા રાજી હતો
તું આવજો કહીને પણ રોકે છે મને

એકલા પસાર થઈ જાત યુગો પણ
તને મળ્યાની એક ક્ષણ રોકે છે મને

આવજો કહેતા કૈંક ચહેરાઓ વચ્ચે
ખૂણે ઉભું એકાદ જણ રોકે છે મને

ગ્રંથ છુટ્યાં ને છોડી ગ્રંથીઓ પણ
શી ખબર ક્યું વળગણ રોકે છે મને

રક્તથીયે મજબુત એ સાબિત થયું
શબ્દ સાથેનું સગપણ રોકે છે મને

હાથ મિલાવ્યા એ કોઈ રોકાયા નહી
બસ એક તૂટેલું દર્પણ રોકે છે મને

અહંના પહાડો તો ઓગાળીયે શકાય 
બસ એક પ્રેમાળ ઝરણ રોકે છે મને

Comments