શું ચીજ છે

આ ખીલવું, મહોરવું, ખરી પડવું શું ચીજ છે?
ને પછી વાયરાની સંગાથે ખખડવું શું ચીજ છે?

આ નિર્લેપ આકાશને કોઇ તો સમજાવો આ વાત
મળવાનો અર્થ શું અને બીછડવું શું ચીજ છે?

ને તે છતાંય કામ એનું કાબિલે તારિફ નીકળ્યું
બાકી ટેરવાંને શી ખબર કે રડવું શું ચીજ છે?

જ્યાં સુધી એક ટહુકાને પોતાનામાં કેદ ન કર્યો
પિંજરને નહોતી ખબર કે ફફડવું શું ચીજ છે?

એક રાધાને ભિતર પ્રગટાવી શકો તો જ સમજાશે
બાવરી આંખોને મોરપિચ્છનું જડવું શું ચીજ છે?

વ્યવહારૂ થઈ જીવ્યા તો નહી જાણી શકો કદી
ઝુરવું તે શું અને એકલાં બબડવું શું ચીજ છે?

Comments

કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

આભાર,

હિમાંશુ