પરિવાર...

આદિમાનવ તરીકે જીવતો માણસ સુસંસ્કૃત અવસ્થા સુધી પહોંચ્યો એ પ્રક્રિયા દરમિયાન પરિવારની કલ્પના સાકાર થઈ. આદિવાસી તરીકે જીવતો માણસ પોતાના સાથી-સમૂહના રક્ષણ અને પોષણ માટે સામુહિક પ્રયાસો કરતો હશે પરંતુ એ સમૂહ પણ કાળક્રમે નાના નાના સમુહોમાં વિભાજીત થતો થતો આજે આપણે જેને પરિવાર કહીયે છીએ એ રૂપમાં આકાર પામ્યો હશે. “વસુદૈવ કુટુંબકમ” એ સૂત્ર સાથે પરિવારની સંકલ્પનાને ‘પૃથ્વી પર વસતો બૃહદ પરિવાર’ એવા અર્થમાં ઋષિએ પણ નોંધી છે. આપણા સૂર્યને પણ નવ ગ્રહોનો પોતાનો પરિવાર છે જ ને?

માનવ પરિવાર નામની સંસ્થા અસ્તિત્ત્વમાં આવ્યા ને હજુ થોડા હજાર વર્ષ જ થયા છે પરંતુ અનેક ચડાવ-ઉતાર બાદ પણ પરિવારનો વિચાર હજુ ટકી રહ્યો છે. આ પરિવારનું મહત્વ સમજાવતો એક સરસ શેર મારા મિત્ર કવિ શ્રી હરીશ જસદણવાળાએ લખ્યો છે.

સૂર્યથી વહેતા કિરણ રોકાય તો રોકી જુઓ
ઘર તરફ વળતા ચરણ રોકાય તો રોકી જુઓ

 પરિવાર તરફ જઈ રહેલા ચરણોમાં જે ઉર્જા સંચાર થતો હોય છે એ ઉર્જા પરિવાર પ્રત્યેના મમત્વમાંથી આવે છે અને પરિવારનું સર્જન જ મમત્વના પાયા પર થયેલું છે. પરિવાર સલામતી આપે છે, હૂંફ આપે છે. પરિવાર એટ્લે કુટુંબ થાકેલા માટે વિસામો છે અને ભાંગી પડેલા માનવીના પુન:નિર્માણની જગ્યા છે. સાચો પરિવાર એક છત નીચે ન પણ રહેતો હોય છતાં આદર્શ પરિવાર બની શકે છે. એકબીજાના ગમા-અણગમા, ગુણો-અવગુણો, અને સારા-નરસા પાસાઓને સ્વીકારીને જીવનની યાત્રામાં હમસફર બનવાનો વણલખ્યો દસ્તાવેજ એટલે પરિવાર. કોઈ પણ પરિવારની ગુણવત્તાનું માપ સાથે ભોજન લઈ રહેલા પરિવારના સભ્યો વચ્ચે થતી ચર્ચા પરથી જ નીકળે. જો કે પરિવારના સભ્યોના સુખની સાબિતી તો શયનખંડના ઓશીકાં જ આપી શકે. કારણકે ઓશીકાં જ ગાઢ નીંદ્રાના અને છુપા ડૂસકાંના સાક્ષી હોય છે.

પરિવાર શબ્દ આવે એટલે સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, સંઘ પરિવાર અને ગાંધી નહેરુ પરિવારથી લઈ ને અનેક સંસ્થાકીય પરિવારોનો વિચાર પણ આવે જ. પરિવાર સલામતી માટે છે પણ પરિવારવાદ એક દૂષણ છે. મહાભારતના સંગ્રામ માટે ધુતરાષ્ટ્રનો પરિવારવાદ જ જવાબદાર હતો ને? પરિવાર એ સામાજિક તાણાવાણાનું ભરતકામ છે અને એટલે જ પરિવાર નો ત્યાગ કરનાર જો વિશ્વને પરિવાર બનાવવા નીકળી પડે તો એને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે.

આમ, સમાજ એટલે રચાતા, તૂટતાં, સંધાતા, ખોડંગાતા, વિસ્તરતા અને વિખેરાતા પરિવારો થકી સર્જાયેલી એક ફૂલદાનીથી વિશેષ છે પણ શું? ચાલો રાહ જોઇયે કે સંયુક્ત પરિવાર, ‘ન્યૂક્લીયર’ પરિવાર પછી શું આવે છે સમયના પ્રવાહમાં..!                                                 -પ્રણવ ત્રિવેદી

Comments