વિચાર વલોણું


વિચારો આવવા અને વિચારો કરવા બંને અલગ બાબત છે હમણાં હમણાં કેટલીક ઘટનાઓ વિચાર કરવાની ફરજ પાડે છે. એક તો ગુજરાતની ચૂંટણીના અનુસંધાને ચાલતું શબ્દ-યુધ્ધ સાથે સાથે ધાર્મિક તહેવારોના આ દિવસોમાં જોવા મળતા શ્રધ્ધાવિહીન દ્રશ્યો પણ પીડા આપે છે.

ઘટનાઓ આપણી આસપાસની જ છે. ગુજરાતની ચૂંટણીઓના અનુસંધાને ‘વિકાસ’ અને ‘અન્યાય’ એ બે શબ્દો નાનાનાના બાળકો પણ બોલવા લાગ્યા છે એ કદાચ આ પ્રચાર-યુધ્ધની મોટી ઉપલબ્ધિ છે. ભારતમાં લોકશાહી હજુ પરીપકવ થઈ નથી એવું સતત લાગ્યા જ કરે છે. સમાચાર માધ્યમો વચ્ચેની ગળાકાપ હરીફાઈ અને વિવાદમાં રહેવાની નાદાન નેતાઓની ખાસિયતથી મતદારોનું અરણ્યરૂદન કોઈ સાંભળતું નથી અને સાંભળવા માગતું પણ નથી એ વરવું સત્ય છે. વર્તમાન રાજકારણમાં કોઈ રાજ્યકર્તાની ઉપલબ્ધિનો ખેલદિલ સ્વીકાર અને સત્તાના દુરૂપયોગ થયો હોય તો એ માટે દિલગીરી બંને પરિસ્થિતી દુર્લભ બની ગઈ છે. આ વાત નીકળે ત્યારે હમેશા શિક્ષણના અભાવ પર વાત કેન્દ્રીત થતી હોય છે પરતું કેટલા શિક્ષિત મતદારો નીષ્ઠાપૂર્વક મતદાન કરે છે? મતદાનની ઓછી ટકાવારી આપણા કહેવાતા શિક્ષિત લોકોની નિષ્ક્રિયતા જ બતાવે છે. પહેલા ધનિક વર્ગ મતદાનથી અળગો રહેતો હતો પણ હવે ઉચ્ચ મધ્યમવર્ગમાં પણ મતદાન નહી કરવાની વૃત્તિ વધી રહી છે. આ ઉદાસીનતા જ લોકશાહીની તંદુરસ્તી માટે ખતરનાક સાબિત થશે. કોઈ આપણાં મત માટે લાયક નથી એમ કહી મતદાન ના કરવું એ પણ ખોટું છે. મતદાન મથક પર જઈ જે છે એમાથી સાપેક્ષ રીતે જે વધુ લાયક છે એમને મત આપવો એ જરૂરી છે. અન્યથા પ્રવર્તમાન સીસ્ટમ વિષે બોલવાનો નૈતિક અધિકાર આપણે ધરાવી શકીએ જ નહી. અમેરીકામાં અત્યારે ચૂંટણીની મોસમ ચાલે છે ત્યાની સરકાર ગઠનની પ્રક્રિયા આપણા કરતાં અલગ છે અને પ્રમુખ પધ્ધતિ છે. પ્રમુખ માટે દરેક નાગરીક મતદાન કરે છે અને દ્વિપક્ષી પ્રથા અસ્તિત્વમાં છે. પણ પ્રચારની જે વ્યવસ્થા છે એ વધુ અસરકારક છે. આટલા શક્તિશાળી રાષ્ટ્રના ઉચ્ચતમ પદ માટેના ઉમેદવારો પ્રજાની વચ્ચે પહોંચે છે અને જાહેરમાં એક મંચ પરથી વાકયુધ્ધ પણ કરે છે. સ્વતંત્રતાનો સાચો અર્થ જાણવો હોય તો એ દેશનું ઉદાહરણ આપવું પડે. એ પરિસ્થિતી આપણે ત્યાં ક્યારે આવશે એની આગાહી અઘરી છે પણ આશા તો રાખી શકીએને ?


ત્રીજું દ્રશ્ય લોકોમાં આવતા શ્રધ્ધાના જુવાળનું છે. શ્રાવણ મહિનામાં મંદિરોમાં પૂજા સામગ્રી અને પાણીનો એટલો દુરૂપયોગ થાય છે કે ગંદકીનું સામ્રાજ્ય વધી જાય છે. એ પછી ગણેશપૂજાના દિવસોમાં વિસર્જનના નામે પાણીમાં પ્રદૂષણ વધારાય છે. નવરાત્રીના દૂષણો અંગે તો બહુ જ લખાયું છે અને યુવાનોને વ્યભિચાર અને આછકલાઈ માટેનો જાણે પરવાનો જ આ દિવસોમા મળી જાય છે. મહાદેવ એક મહિનો, ગણેશજી એકાદ સપ્તાહ, માતાજી નવ દિવસ આપના ઘરમાં કે મહોલ્લામાં રહે એવું શા માટે? એ સિવાયના દિવસોનું શું? એવું લાગે છે કે તહેવારો દરમિયાન સાચો ધર્મ અને સાચી શ્રધ્ધા સિવાય બધુ જ હોય છે. ધર્મ બિલકુલ અંગત બાબત છે અને વ્યક્તિગત બાબત છે. ધર્મ ક્યારેય કોઈ ટીલા ટપકા, વિધિ વિધાનો કે કર્મકાંડનો ઓશિયાળો હોય શકે જ નહી. ઓફિસમાં અનિયમિતતા અને મંદિરમાં નિયમિત હાજરી એક સાથે ચાલતા રહે છે. માણસનો જે હાથ ટેબલ નીચેથી પૈસા લે એ જ હાથ છૂટટે હાથે દાન કરે અને વાહવાહ કમાય એ દ્રશ્ય નવું નથી. પરિવારમાં બીમાર વ્યક્તિની અવગણના કરનાર જ્યારે ભગવાનની મૂર્તિનું લાલનપાલન કરે ત્યારે એ ઈશ્વરને મંજૂર હોઈ શકે? કાશ, અસુરોને હણનારો ઈશ્વર વિચારોમાં ઘૂસી ગયેલા અસુરોને હણે અને સાચા અર્થમાં ધર્મને સમજનારા લોકો ધર્મના નામે ચાલતી દુકાનો બંધ કરાવે. પ્રાર્થના સિવાય કોઈ વિકલ્પ છે? ( લ.તા. 31-08-12)

Comments

gujaratilexicon said…
નમસ્કાર!
આપનો બ્લોગ ”પ્રણવ ત્રિવેદી” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫