Tuesday, May 26, 2015

સીમાઓનું ઉલ્લંઘન 
થોડાં દિવસ પહેલાં ડો કૈલાશ સત્યાર્થી અને કુ. મલાલા યુસુફઝાઈને નોબલ પરિતોષક વિતરણનું જીવંત પ્રસારણ જોયું. બંને એ પોતાના પ્રવચનમાં જે વાતો કહી એ સીધી એમના દિલમાથી આવતી હોઇ એમાં સચ્ચાઈનો રણકો અને આત્મવિશ્વાસ ભારોભાર જોવા મળ્યા. એમની વાતોમાં ન હતો કોઈ આડંબર કે ન હતી સારા સારા શબ્દોની ગૂંથણી. એ લોકોએ જે વિપરીત સંજોગોનો સામનો કર્યો એ ક્ષણે એમની મનોસ્થિતિ કેવી હશે એ વિષે વિચાર્યું. સામે મતિભ્રષ્ટ માણસો મશીનગન લઈને ઊભા હોય અને એ ક્ષણે જેણે હજુ દુનિયા જોઈ નથી એવી એક નિર્દોષ કન્યા શું જવાબ આપે? મલાલા એ કહ્યું કે એ ક્ષણે મને વિચાર આવ્યો કે હવે મરવાનું જ છે તો શા માટે સાચી વાત કહી ને ન મરવું? કલ્પના તો કરો કે સામે મોત હોય અને એ સમયે સત્યનિષ્ઠા વિષે ક્ષણાર્ધ માટે પણ વિચારવું? બસ એ ક્ષણ જ હોય છે સત્યના સાક્ષાત્કારની ક્ષણ. અપહરણ કરાયેલા કે ગુલામીમાં જોતરાયેલા કુમળા બાળકોને મુક્ત કરાવવા સામે ચાલીને જોખમો વહોરી લેતા સત્યાર્થીજીને મંદિરે જવાની ક્યાં જરૂર જ પડે? એમણે કહ્યું કે એક બાળાને અપહરણકારો પાસેથી છોડાવીને જઈ રહ્યા હતા ત્યારે એ બાળાએ પૂછેલા પ્રશ્નથી હું હચમચી ગયેલો. એ બાળાએ એટલું પૂછ્યું કે તમે વહેલા કેમ ન આવ્યા? આ પ્રશ્ન કેવળ કૈલાશ સત્યાર્થીને જ નહોતો પૂછાયો પણ સમગ્ર માનવજાતને પૂછાયો હતો. અનેક ધમકીઓ અને હુમલાઓ સહન કરીને પણ સત્યાર્થીજી અનેક બાળકોને એનું બાળપણ પાછું અપાવી રહ્યા છે. એમણે બીજી પણ સરસ વાત કહી કે કોઈ બાળકને હું છોડાવું ત્યારે તેના વેદના ભર્યા ચહેરા પર જે સ્મિત આવે એમાં મને ઈશ્વર દેખાય છે. 
વિચાર કરતાં એવું લાગે છે કે ભયની એક અદ્રશ્ય સરહદ હશે જે ઓળંગી ગયા પછી માણસને અને મહાનતાને બહુ અંતર નહી રહેતું હોય. દરેક માણસના જીવનમાં એક ક્ષણ તો એવી આવે જ કે જ્યારે એની પાસે આ સરહદ ઓળંગવાનો વિકલ્પ ખૂલે છે. એ ક્ષણ જ માનસિક તણાવની ક્ષણ હોય છે. ભયની સરહદની વાત આપણાં રોજીંદા જીવનમાં પણ ડગલે ને પગલે આવે જ છે. “સંસાર કા સબસે બડા રોગ: ક્યાં કહેંગે લોગ?” સત્યના આગ્રહી લોકો માટે આ રોગને અતિક્રમી જવું એ બહુ જરૂરી હોય છે.  
દરેક વખતે મોતનો જ ભય સામે આવે એવું નથી એ ભય નિષ્ફળતાનો પણ હોય શકે, એ ભય તેજોવધનો પણ હોઈ શકે, એ ભય અવહેલનાનો પણ હોઈ શકે, એ ભય એકલતાનો પણ હોઈ શકે અને એ ભય ક્યારેક ખુદની જ નજરમાંથી ઉતરી જવાનો પણ હોઈ શકે. પણ એક વખત આ સરહદ ઓળંગ્યા પછી જીવન અણધાર્યા વળાક પર લાવીને મુકે છે માણસને. જીંદગીમાં પ્રથમ વખત કોઈ ગેરકાયદેસર કામ કરતી વખતે કે પ્રથમ વખત ગુનો કરતી વખતે પણ માણસ પળ બે પળ માટે અટકી તો જાય જ. ભયની અદ્રશ્ય સરહદ ઓળંગ્યા પછી માણસ આતંકવાદી પણ બની શકે અને પરમવીર યોધ્ધો પણ બની શકે, સમાજ સુધારક પણ બની શકે અને ભયાનક ગુનેગાર પણ બની શકે. ભયની સીમાનું ઉલ્લંઘન કર્યા પછીનું અસ્તિત્વ ક્યો આકાર લેશે એનો આધાર તો આંતરીક સમજણ અને સજ્જતા પર જ છે ? 
બીજી રીતે જોઇએ તો ભય એ શું છે? આવનારી ક્ષણો વિષેની નકારાત્મક કલ્પના જ ને? સમજણની યાત્રાનો એક અર્થ આ પણ છે. બાળપણમાં પડછાયાનો ભય લાગે પણ સમજણ આવતા એ ભય જતો રહે છે એમ મલાલા કે સત્યાર્થીજી સમજણની યાત્રાના એ મુકામને હાંસલ કરે છે જ્યાં તીવ્રત્તમ ભયની ક્ષણો પણ એ લોકો ઓળંગી ચૂક્યા છે. ભયની વાત આવે છે ત્યારે અભય અને નિર્ભય એ બંને શબ્દો યાદ આવે જ છે. નિર્ભય એટલે જેને કોઈનો ભય નથી એ અને અભય એટલે જેનાથી કોઈને ભય નથી એ ! બહુ ઓછા માણસો આ બંને પદ પ્રાપ્ત કરી શકે છે. 

No comments: