Thursday, May 04, 2006

આજના ઝડપી યુગની કોઇ સામાન્ય ફરિયાદ જો હોય તો એ છે સતત તણાવનો અનુભવ. શિક્ષક કે વિધ્યાર્થી, નોકરિયાત હોય કે વેપારી,ઘરરખ્ખુ ગૃહિણી કે નોકરી કરતી સ્ત્રી દરેક વ્યક્તિ વધતે ઓછે અંશે તણાવગ્રસ્ત છે અને પોતપોતાની ક્ષમતા અનુસાર આ સમસ્યાનો સામનો કરે છે. તણાવથી દૂર કેવી રીતે રહેવાય તેની શિખામણો,સલાહો કે પ્રવચનો આપનારો વર્ગ તેમજ તેને લગતુ વિવિધ સાહિત્ય પ્રગટ કરનારો વર્ગ બહોળાં પ્રમાણમાં છે. આ તણાવ જ આપણા મનમાં વિષાદ(ડીપ્રેશન)ને જન્મ આપે છે. આજે થોડું ચિંતન દરેકના જીવનમાં અણગમતાં અતિથિની માફક પાછલાં બારણેથી પ્રવેશી જતાં વિષાદ વિશે......જીવનમાં જે તબક્કે નાવિન્ય લાવવાની હોંશ ખતમ થતી જાય છે ત્યારે વિષાદને મન પ્રદેશમાં પુરતી જગ્યા મળી જાય છે. બીજી પીડાઓ કે ઊપાધિઓ કે મુશ્કેલીઓને જો કૌરવ સાથે સરખાવીએ તો વિષાદ કર્ણ કહેવાય. આનંદનો સહોદર હોવાં છતાં તેનુ સ્થાન આનંદની વિરોધી છાવણીમાં હોય છે. પાછું અનૌરસ સંતાન ! અગણિત અપેક્ષાઓ અને મર્યાદિત પ્રાપ્તિનું અનૌરસ સંતાન ! સંજોગો સાથે કરવા પડતાં અનેક સમધાનો અને શરીર-મનની વણવપરાયેલી ઉર્જાનું તાંડવનૃત્ય એટલે આ વિષાદ. એ આવે છે મહેમાન તરિકે અને પછી મનપ્રદેશમાં ઇસ્ટ ઇન્ડીયા કંપની સ્થાપી સત્તા કબજે કરી લે છે ! કદાચ જીવનના પાંચમા દશક દરમિયાન તો મન સંપૂર્ણત: તેને હવાલે થઈ જતું હશે.આવો વિષાદ તો ઈતિહાસના પને પાને છે. અર્જુનના હિંસા-વિરોધી વિષાદે આપણને ગીતા આપી તો શાહજહાંના પ્રણય વિષાદે આપ્યો તાજ મહેલ. વિષાદનો ત્રીજો દાખલો તો હજી હમણાંનો જ છે. સાતમી નવેમ્બર ૧૮૯૩નો દિવસ. એક માણસને અપમાનિત કરી આફ્રિકાના એક રેલ્વે સ્ટેશને ગાડીમાંથી ફેંકી દેવામાં આવે છે. આજે આપણે જ્યારે નાના નાના કારણોસર ઉદાસ થઈ જઈએ છીએ ત્યારે વિચારો તો ખરાં એ માણસની મન:સ્થિતિ વિષે. સાવ અજાણ્યો પ્રદેશ,અજાણ્યા લોકો અને અવહેલના,તિરસ્કાર તથા અપમાનની ચરમસીમા. આ બધાંમાંથી જન્મેલાં વિષાદની ચરમસીમાએ, કલાકો સુધી અનુભવેલાં મનોમંથને એક મામુલી માણસને મહાત્મા બનવાના રાજમાર્ગ પર લાવી મુક્યો.વિષાદનું આવું ઉર્ધ્વીકરણ દરેકના જીવનમાં શક્ય છે? ચોક્કસ છે. એના માટે અલિપ્તતા કેળવવી પડે. જળમાં રહીને કોરાં રહી જવું પડે. વમળમાં રહીને તરતાં રહેવુ પડે. મનનું સતત ઓડિટ કરતાં રહેવું પડે. સમજણ નામની જણસને જાળવતાં રહેવુ પડે. સત્વશીલતાની વાટ્ને સતત સંકોરતા રહેવુ પડે. આપણાં મનના અદભૂત કોમ્પુટર પાસે તો આ વિષાદ તો સાવ નાનકડો વાયરસ છે. જરૂર છે માત્ર થોડાં પ્રોગ્રામીંગની,થોડી દ્રઢતાની અને વાંચન,કલા કે બીજી કોઈ પણ મનગમતી પ્રવૃત્તિ માટે પુરતો સમય ફાળવવાની. ખરેખર તો જીવનની પ્રવૃત્તિઓને બે ભાગમાં વહેંચી નાખવી જોઈએ. એક ભાગ "મની" માટે અને બીજો ભાગ "મન" માટે. ધીમે ધીમે બીજા ભાગની પ્રવૃત્તિ વધતી રહેશે તો વિષાદનુ વિષ તત્વ અવશ્ય ઓગળતુ ં રહેશે.-પ્રણવ ત્રિવેદી

3 comments:

Suresh said...

ભાઇ પ્રણવ ,
મારા મનની વાત તેં કહી. મને ઇમેઇલ કરીશ તો આ આ 63 વર્ષનો બુડ્ઢો પોતાને કીડ કેમ કહે છે તેનું રહસ્ય જાણવા મળશે.-
sbjani2004@yahoo.com

g.m.rathod said...

bhai shri pranavbhai, kharekhar tamaru a sahitya khubaj unchu chhe. Aa vat pakdi chhe to videsh ma raheta aapana gujarati bhai ne web par pan koik gujarati tamara jevo mali jay to maja aavi jay ho.

S.B. Ganatra said...

Pranavbhai,
I am from RAJKOT, at present in USA. I am retired Ex. Engineer of GEB. Your work is fine . I must congratulate for this. I think we have met somewhere I do not remember.
Shashikant Ganatra