Posts

Showing posts from March, 2007

લખ

હરણ આંખમાં આંજી પછી ઝાંઝવાની વાત લખ  ને એમ એક અપ્રાપ્યને પણ ચાહવાની વાત લખ   ધારો કે એક સાંજે આપણે મળીએ ને હળીએ  ધારણાનો ન હોય વિકલ્પ તો ધારવાની વાત લખ   બધા જંગ હોતા નથી જીતવા માટે જીંદગીમાં  લાગણીઓની કોઇ લડાઈમાં હારવાની વાત લખ   ભાગતા સમયને કરી જો સ્થિર હથેળીમાં પછી  ભાગ્યરેખામાં શું લખ્યું તે વાંચવાની વાત લખ    કિનારાના રેતાળ સંબંધો તો સરી જશે દોસ્ત  મઝધાર જઈ પેલા ઉંડાણને માપવાની વાત કર

વાંચ

કદી નહી લખાયેલો એવો તું કાગળ વાંચ  સંબોધને અટક્યા વગર જ તું આગળ વાંચ   લાગણીની લિપી જો પ્રકૃતિમાં પણ પ્રગટી  વૈશાખે ગુલમહોર, અષાઢે તું વાદળ વાંચ  દિવસભર વહેતા વાયરાના અક્ષર ઉકેલજે  મધરાતે આકાશ ને મળસ્કે તું ઝાકળ વાંચ   સુની ડેલી,સુનુ ફળિયું ને ખાટ આ ઉદાસ  કોઇએ કદી ન ખખડાવી તે તું સાંકળ વાંચ વિરહની અંધારી રાતનો ભેદ સમજાઇ જશે  રાધાના આંસુ સાથે વહ્યું તે તું કાજળ વાંચ