Posts

Showing posts from June, 2008

નિકળ્યો'તો

અપ્રાપ્યને એક દિ' પામવા નિકળ્યો'તો એટલે કે એ તમને ચાહવા  નિકળ્યો'તો ક્ષિતિજના ખાલીપણાની ખબર પડી ગઈ આકાશને એક વાર માપવા  નિકળ્યો'તો અશ્રુની એક નદી મળી આવી અચાનક હસ્તરેખાને જ્યારે વાંચવા  નિકળ્યો'તો સૂર્ય જેવો સૂર્ય પણ લ્યો, થાકી ગયો અંધકારનો ભેદ એ પામવા  નિકળ્યો'તો નહોતી ખબર કે રણ પણ સાથે આવશે લૈ મુઠ્ઠીમાં બેચાર ઝાંઝવા,  નિકળ્યો'તો

આવીશ

તારી સુંદર આંખો માટે શમણું લઈને આવીશ હું ઓછું પડે તો કે'જે,ખુદ શમણું થઈને આવીશ હું ફિક્કા પડે જો રંગ જીવનમાં, સાદ કરજે દોસ્ત, તારી પાસે પગલું કુમકુમવરણું થઈને આવીશ હું વનવગડાની જો પીડે એકલતા કદીય જીવનમાં બનવા સાથી, ફૂલ એક નમણું થઈને આવીશ હું તારી મનની ભૂમિ રહે હંમેશા હરિયાળા એ માટે નદી, દરિયો, વાદળ કે ઝરણું થઈને આવીશ હું

ગઝલ

ચાહે છે એ હસીને,ધિક્કારે છે પણ સ્મિતથી  ઇશ્વર પણ પરેશાન છે માણસની આ રીતથી   શ્વાસે શ્વાસે ખેલાતું રહે છે યુધ્ધ અસ્ત્તિત્વનું  જીતી જવાય છે એ કોઇકની મબલખ પ્રિતથી   'હું' નામના લયમાં 'તું' નામનો તાલ ભળે છે  ખરી પડે છે ભેદ સઘળાં એ દિવ્ય સંગીતથી   હે ભવિષ્ય, તું મને સમાવી લે તારી ગોદમાં  હું તોડીને આવ્યો છું તાર સઘળાં અતિતથી