Posts

Showing posts from November, 2008

રોકે છે મને

અશ્રુભીની કોઈ પાંપણ રોકે છે મને એટલે કે પારકી થાપણ રોકે છે મને તારાથી દૂર જતા રસ્તે ચાલ્યો હતો રસ્તામાં તારા સ્મરણ રોકે છે મને એમ તો હું યે ક્યાં જવા રાજી હતો તું આવજો કહીને પણ રોકે છે મને એકલા પસાર થઈ જાત યુગો પણ તને મળ્યાની એક ક્ષણ રોકે છે મને આવજો કહેતા કૈંક ચહેરાઓ વચ્ચે ખૂણે ઉભું એકાદ જણ રોકે છે મને ગ્રંથ છુટ્યાં ને છોડી ગ્રંથીઓ પણ શી ખબર ક્યું વળગણ રોકે છે મને રક્તથીયે મજબુત એ સાબિત થયું શબ્દ સાથેનું સગપણ રોકે છે મને હાથ મિલાવ્યા એ કોઈ રોકાયા નહી બસ એક તૂટેલું દર્પણ રોકે છે મને અહંના પહાડો તો ઓગાળીયે શકાય  બસ એક પ્રેમાળ ઝરણ રોકે છે મને

માણસ

થઈ ગયો રેતી સિમેન્ટ ને સળિયાનો માણસ હતો જે નેવાં, મોભ અને નળિયાંનો માણસ સ્ક્વેર ફૂટના આટાપાટામાં જઈને અટવાયો ઠીબ, ચબુતરો, ડેલી અને ફળિયાનો માણસ એની ઇચ્છાઓનો દેશ વસ્યો નભને પેલે પાર ટોચે પહોંચીનેય ન જંપ્યો તળિયાનો માણસ ભાવ વિહોણી દુનિયામાં અભાવને આસ્વાદે પેટભરીને પસ્તાયો ગંગાજળિયાનો* માણસ શ્વાસે શ્વાસે બીજ વાવી લાગણીઓના પછી ખાલીપો થઈને ખુટ્યો ઝળઝળિયાનો માણસ  (*ગંગાજળિયા=ભાવનગરના મધ્યમાં આવેલું તળાવ)