પત્રો

પત્રો એ ખરેખર શું છે? એ શું માત્ર પ્રત્યાયન છે? ના, પત્રો તો વિચારો અને સ્પંદનોને લઈને ઉડેલી પવન પાવડી છે. આપણે નાના હતા ત્યારે વાર્તાઓમાં વાંચતા કે એક રાજકુમાર પાસે પવનપાવડી હતી તેના પર બેસીની તે સાત સમંદર પાર કે સાત આસમાનની પેલે પાર એક અજાણ્યા પ્રદેશમાં જઈને એક રાજકુમારીને રાક્ષસની કેદમાંથી છોડાવી લાવે છે. બાળસહજ મનમાં વાર્તાના એ નાયક પ્રત્યે ભારોભાર આદર ત્યારે મનમાં છલકાતો એ હજુયે યાદ છે. આ રાજકુમાર કોણ? હવે સમજાય છે એ વાર્તાનો મર્મ. આ રાજકુમાર એટલે આપણા ચિંતનના જરકસી જામા અને અર્થનો સાફો પહેરી પત્રોની પવનપાવડી પર ઉડતો વિચારોનો રાજકુમાર ! આ વિચારકુમાર જ તો મનના અનેક બંધનો તોડીને સમજણની રાજકુમારીને બચાવે છે. પત્રો લખવા એતો કળા છે. ના, કળા જ નહી ઉપાસના પણ છે. ગાંધી નહેરુ કે સરદારના પત્રો વાંચીએ તો વિદ્વતા ટપકતી દેખાય અને જિબ્રાનના પત્રોમાં લાલિત્ય પૂર્ણ દર્શનની ઝલક માણવા મળે. કોઇ પણ પત્ર એના લખનારની કક્ષા અને વાંચનારની ભુમિકા સ્પષ્ટ કરે છે. ક્યારેક મુસાફરી વેળાએ વાહનમાં જગ્યાના અભાવે ટપાલોના થેલાઓ પર બેસવાના પ્રસંગો બન્યા છે ત્યારે વિચાર આવતા. સામાન્ય માનવીના પત્રોમાં પણ કેવી અવનવી રંગછટાઓ જોવા મળે છે. ક્યાંક લાગણીનો રંગ, ક્યાંક દંભની કાલિમા, ક્યાંક ઉર્મીનો રસથાળ, ક્યાંક વેદનાનું વર્ણન તો ક્યાંક સહાનૂભુતિની હુંફ. હજુ ક્યારેક દરિયા કાંઠે બેઠા બેઠા વિચાર આવે છે કે દરિયામાં તરતી તરતી એક કાચની શીશી મળી આવે અને તેમાંથી કોઇ નાવિકે વરસો પહેલાં વહેતી મુકેલી લાગણીઓ વાંચવા મળે. ક્યારેક એમ લાગે છે કે એક બીજાને પત્રથી મળવાની વ્યવસ્થા જ નહી અમલી બની હોય ત્યારે માનવી એ વિયોગની કેવી વેદના વેઠી હશે? પત્રો તો જીવન પાથેય પણ બની શકે અને પત્રો અદાલતી પુરાવા પણ બની શકે. લખાયેલો એક પત્ર અનેક શક્યતાઓને પોતાનામાં સમાવીને બેઠો હોય છે. પ્રેમીજનોના સંવેદનોથી ભરપૂર પત્રોમાં તો નહી લખાયેલી વાતોનો સમંદર ઘુઘવતો હોય છે ને? આવા પત્રો વ્યાકરણના બંધનોથી પર અને શબ્દબ્રહ્મના ઉપાસકો જેવા હોય છે. આવા પત્રો એટલે અક્ષરસ્થ થયેલો સંવાદ અને શબ્દસ્થ થયેલાં સ્પંદનો. ઘણીવાર તો પત્રમાં લખેલી વાતો ગૌણ બની જાય અને માત્ર પ્રિયજનના અક્ષર જ ભાવવિભોર કરી દેવા માટે પુરતા થઈ રહે છે. ઇમેઇલના આજના યુગમાં આપણે પત્રો લ્ખવાનો વૈભવ ગુમાવ્યો છે. જો કે દેશના અંતરિયાળ પ્રદેશોમાં અને ખાસ તો લશ્કરમાં પત્રો હજુય જનજીવનનો ધબકાર છે જ. પત્રમાં લખાયેલો શબ્દ સશક્ત બનીને સામે આવતો હોય છે. વિશ્વના દરેક મહાપુરુષનું જીવન તપાસી જુઓ. પત્ર વ્યવહારની તેમની ચીવટ અને નિયમિતતા એ જ એમને લોકાદરના અધિકારી બનાવ્યા હોય તેમ લાગ્યા વગર રહેશે નહી. આપણા સાહિત્યમાં પણ પત્ર સાહિત્ય હંમેશા અભ્યાસનુ ક્ષેત્ર બન્યું છે. કલાપી ના પત્રો, ગાંધીજીના યરવડાના પત્રો, સરદારે તેમની પુત્રીને લખેલા પત્રો, નહેરુ એ ઇંદીરાને લખેલા પત્રો, લિંકનના મેરી ટોડને લખેલાં પત્રો, જિબ્રાને તેની પ્રિયતમા ને લખેલા પત્રો વગેરેથી જે તે ભાષાનું સાહિત્ય સમૃધ્ધ બન્યું જ છે. એટલે જ તો મારા મતે હ્રદયપૂર્વક લખાયેલો કોઇ પત્ર કોઇ ધર્મગ્રંથ કરતા જરાય ઉતરતો હોતો નથી.

Comments

Anonymous said…
સરસ વાત...

રાજકોટમાં આપનો કોઇ સંપર્ક ?