વિકાસ અને સંતુલન

વિકાસ અને સંતુલન

હમણાં હમણાં આ શબ્દ સમાચાર માધ્યમોનો માનીતો શબ્દ બની ગયો છે. નવી પેઢીને આકર્ષવાની તાકાત “વિકાસ” શબ્દમાં છે અને એ સત્ય તમામ રાજકીય વ્યક્તિઓને સમજાઈ ગયું છે. આમ તો માનવજાતની વિકાસ માટેની અભિપ્સામાથી જ નવી નવી શોધખોળો થતી રહી છે. હજુ કઈક વધુ સુવિધા એટ્લે વિકાસ એવી સ્થૂળ વ્યાખ્યા પ્રચલિત બની ગઈ છે. પણ અભ્યાસુઓએ સંશોધકોએ વિકાસની સંવાદિતાનો નવો આયામ, નવી સમાજ, નવી વ્યાખ્યા અને નવો દ્રષ્ટિકોણ આપવા પ્રયાસ કર્યા છે. સુવિધાઓ વધે પણ એ સુવિધાઓ આસપાસના વાતાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ ન બેસાડી શકે તો જે સંવાદિતા ખોરવાય એના પર વિચાર કરાય એ જરૂરી છે. સાદી ભાષામાં કહીએ તો બાળક મોટું થાય એટ્લે એનો વિકાસ થયો કહેવાય પણ જો બાળકના બંને હાથની લંબાઈ સરખી માત્રામાં ન વધે તો એ વિકાસ ખરો પણ અસંતુલિત વિકાસ કહેવાય છે. ઉમર વધે પણ સમજણ ન વધે એવી વ્યક્તિઓને સામાન્ય ગણવામાં નથી આવતી. એ જ વાત મોટા ફલક પર પણ લાગુ પડે છે. રસ્તાઓની ગુણવત્તા સુધરે, નવા નવા ધંધારોજગાર વિકસે, પરિવહન વ્યવસ્થા વધુ સારી બને આ બધી માળખાગત વિકાસની નિશાની છે પરંતુ આ બધાનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે ન કરવામાં આવે તો? ટેક્નોલોજીના વિકાસમાં હરણફાળ ભર્યા પછી એના વિવેકહીન રીતે ઉપયોગ થયાના કિસ્સા આપણી નજર સામે છે. તો ક્યાં શું ખૂટે છે? એવો પ્રશ્ન પણ થાય કે આજે સમગ્ર પૃથ્વી જે રીતે વિવિધ કુદરતી આફતોનો સામનો કરી રહી છે એના મુળમા પાછલી એકાદ સદીમાં માનવજાતે વિકાસ કર્યો પણ પ્રકૃતિ સાથેની સંવાદિતા પર ધ્યાન નથી આપ્યું એ તો નહી હોય ને?



આજ વાત બીજા એક સંદર્ભમાં પણ સમજવા જેવી છે. વિકાસ એક પ્રકારનું કોમ્યુનિકેશન પણ છે. કોમ્યુનિકેશન એટ્લે કે સંવાદ. અને સંવાદ હોય ત્યાં સંવાદિતા હોય. વિકાસ એ આપણાં બાહ્ય જગત અને આંતરીક જગત વચ્ચેનો સંવાદ છે. બાહ્ય જગતમાં ઉપલબ્ધ સુવિધાઓ અને એ માટેની માનસિક તૈયારી આ બે વચ્ચે સંવાદિતા ન સ્થપાય તો વિકાસ અસંતુલિત જ રહેવાનો. કોઈ માણસ પહેલી વાર હવાઈ જહાજમાં બેસે ત્યારે એની મનોસ્થિતિ શું હોય? એ સતત એ જ પ્રયત્નમાં હોય કે એનું મન આ નવા અનુભવ સાથે અનુકૂલન સાધે. એનો અર્થ એ જ થયો કે બહારના જગત સાથે આંતરીક જગત તાલમેલ કેળવે તો જ વિકાસ સાર્થક બને. જો આ માણસનું મન કોઈ પણ રીતે હવાઈ જહાજને સ્વીકારે જ નહીં તો બાહ્ય જગત અને આંતરીક જગત વચ્ચેનો સંવાદ-કોમ્યુનિકેશન ખોરવાય જાય અને પરિણામે વિકાસ તો થયો પણ જેના માટે થયો એના સુધી એના ફળ ન પહોંચ્યા. એક બંદૂક સૈનિકના હાથમાં હોય ત્યારે તીરકામઠાથી બંધુક સુધીની વિકાસ યાત્રા સંતુલિત લાગે પણ એ જ બંધુક વાંદરાના હાથમાં આવી જાય તો?



આ જ વાત આંતરીક વિકાસને ધ્યાનમાં રાખીને પણ વિચારી શકાય. અંદરથી કોઈ માણસ અહિંસાનો સમર્થક હોય તો એ વાત વાતમાં ગુસ્સે થઈ શકે ખરો? ક્રોધ એ પણ માનસિક હિંસા જ છે ને? મહાત્મા ગાંધી હમેંશા બાહ્ય જગત અને આંતરીક વિશ્વ વચ્ચે સંતુલન સાધી શક્યા હતા અને એ એમને સહજ હતું. એમણે કુદરત સાથે તાલમેલ જાળવીને કારખાનાઓ ઊભા કરવાની વાત કહી હતી. એ વાત નહી માનીને આપણે પૃથ્વીને અનેક ગણું નુકસાન કરી ચૂક્યા છીએ. એમણે દુશ્મનાવટ કર્યા સિવાય અંગ્રેજોને લડત આપી હતી. એમની એ સંતુલિત વિચારધારા એટ્લે જ આજે પણ એટલી જ પ્રસ્તુત છે.



વાત ભૌતિક વિકાસની હોય કે આંતરીક વિકાસની હોય એ દિશામાં વિચાર્યા વગર ચાલશે જ નહી. અને યાદ રહે કે આ વાત વિકાસ માટે મત બદલવાની નથી પણ વિકાસ સાથે સાથે મતિ બદલવાની છે .

Comments