Posts

Showing posts from December, 2006

મિત્ર

(એક મિત્ર માગી માગીને કેટલું માગે? દરેક સુદામાને પોતપોતાના કૃષ્ણ પાસે બસ આટલું જ અપેક્ષિત હોય ને?)  દોસ્ત અત્યારે તો સશક્ત છું,દોડી શકું છું  પણ આ બધું જ ન હોય ત્યારે  મારા ચરણને તારૂં આંગણું  વિસામો તો આપશે ને?   અત્યારે તો સંવેદનાસભર છું  પણ જ્યારે તમામ સંવેદનાઓ  વેદનામાં ફેરવાઇ જાય ત્યારે  એ વેદનાને તારા ખભા પર માથુ ટેકવી  વહેતી મુકવા તો દઈશ ને?  અત્યારે તો જબરદસ્ત ઉપયોગિતા મુલ્ય  ધરાવું છું  પણ સૌને માટે જ્યારે  હું તદ્દન બીનઊપયોગી હોઈશ ત્યારે  કશીયે અપેક્ષા વગર  મારૂં ખોવાયેલું સન્માન  શોધી આપીશ ને?   અત્યારે તો સભર છું, તૃપ્ત છું પણ  ખાલીપાના સમયે, ખરી પડવાના સમયે  તારા ખોળે  મારા અંતિમ શ્વાસના સુરો શમી જાય  તેટલી મૈત્રી તો નિભાવીશ ને?

રજકણ

એક હતો સુરજ ને એક હતું રજકણ કહો આ બે વચ્ચે કેવું હશે સગપણ તિવ્રતાથી ઝબકે જ્યારે તારૂં સ્મરણ  ભિતર કશુંક સર્જાયાની હશે એ ક્ષણ   માંડેલી વાર્તા એમ અધુરી રહી ગઈ  વાતના છેડે કોઇ લખી ગયું છે પણ  લૈ આટલું જ ખોવાઇ ગયું એક જણ એક નગર,એક ગલી ને એક આંગણ  સામ્ય એક જ પીડા ને આનંદ વચ્ચે કોઇ પણ હો ભિંજાય તો માત્ર પાંપણ

વનપ્રવેશે

વન પ્રવેશની વેળાએ પીડે વય વધ્યાની વેદના આથમતા જાય ઉન્માદો ને શમતી જાય સંવેદના જાણવાની ખુટતી જણસ ને વિસ્મય તો વિસરાયું શૈશવ તો ક્ષિતિજે જૈ બેઠું ને યૌવન લાગે પરાયું  માણ્યો એકલપંથ ને માણ્યા મનપાંચમના મેળા ચાહ્યા એવાંયે લોકોને જે આવ્યા કદી ન ભેળાં પ્રેત અધુરી ઇચ્છાઓના જાણે મનમહેલમાં ભટકે  મનગમતાં કૈંક શમણાંઓની કરચ આંખમાં ખટકે સંગાથી મારગે બે મળ્યાં,સમજણ ને સંવેદના  વન પ્રવેશની વેળાએ પીડે વય વધ્યાની વેદના   (આમ તો વન પ્રવેશને હજું એકાદ દશકની વાર છે પણ સરેરાશ આયુષ્ય પ્રમાણે ચાલીસી શરૂં થતાં જ અર્ધે પહોંચી ગયા એવું લાગવા લાગે છે ! ચાર દશક સુધી સ્વ-ક્ષમતા પર મુસ્તાક હોઇએ પણ ચાલીશ શરૂ થતાંજ "ચાલ ઇશ" કહી ઇશ્વરને કે નિયતિને શરણે જવાનું વલણ આકાર લેવા લાગે છે તેની વાત એટલે આ રચના !)