Posts

Showing posts from February, 2007

ખબર નથી

અંતરે ઉમટ્યો અવસાદ પછી શું થયું ખબર નથી. સંભળાયો'તો શંખનાદ પછી શું થયું ખબર નથી. એક દિવસ લખવા બેઠો હતો હું કાગળ હરિવરને અક્ષર પાડ્યો'તો એકાદ પછી શું થયું ખબર નથી. ઇચ્છ્યુ હતું એમ કે નીકળી પડું હું જ મારામાંથી ભિતરે ઉઠ્યો એક સાદ પછી શું થયું ખબર નથી. કહેવાય છે કે થયો હતો એક વિસ્ફોટ મારી અંદર કોઇની આવી હતી યાદ પછી શું થયું ખબર નથી. આમ તો નિ:શબ્દ હતું એક આકાશ આપણી વચ્ચે આંખોથી રચાયો સંવાદ પછી શું થયું ખબર નથી. -પ્રણવ ત્રિવેદી

અંદરની કથા

સુરજ થવાને મથતું રજકણ છે મારી અંદર ખુદથીય અજાણ્યું એક જણ છે મારી અંદર રણની પોકળતા મને શું સમજાવીશ દોસ્ત? મૃગજળને ચાહતું એક હરણ છે મારી અંદર શ્વાસને બંદી બનાવીને ધાર્યુ કરાવે છે રોજ વિસ્ફોટકોથી સભર એક ક્ષણ છે મારી અંદર તમે ચાહો તો પળમાં રૂઝાવી દઈ શકો એને સદીઓથી સાચવેલા કૈંક વ્રણ છે મારી અંદર કાગળની નહી આંખોની લિપી ઉકેલે છે સતત સાવ અબુધ એવું કોઈ અભણ છે મારી અંદર