ગુરુત્વાકર્ષણ
ગુરુત્વાકર્ષણ
પૃથ્વી પરની તમામ ઘટનાઓ એક યા બીજી રીતે ગુરુત્વાકર્ષણના નિયમને આધિન હોય છે. આપણું અત્યારનું જીવન ગુરુત્વાકર્ષણ વગર આપણે કલ્પી જ ન શકીએ. કોઇ વસ્તુ કે વ્યક્તિ જમીન અને આકાશ વચ્ચે સ્થિર રહી શકે તેનો અર્થ જ એ કે તેણે જણ્યે અજાણ્યે પણ ગુરુત્વાકર્ષણના મધ્યબિંદુ પર સમતોલન મેળવ્યું છે. બાળક નાનુ હોય અને ચાલતાં શીખે ત્યારે વાસ્તવમા તે ચાલતાં નહી પણ ગુરુત્વાકર્ષણના આવાં મધ્યબિંદુ પર સંતુલન કેળવતાં શીખે છે. એ બાળક સાયકલ શીખશે ત્યારે પણ આ જ સિધ્ધાંત સાથે તેને પનારો પાડવાનો છે.બાળપણમાં આપણે જે શિખ્યા તે ગુરુત્વાકર્ષણનો આ સિધ્ધાંત છે શું ? પૃથ્વી પરની દરેક ચિજ કદમાં તો સ્વભાવિક જ પૃથ્વીથી નાની જ હોવાની. કોઇ પણ નાનો પદાર્થ તેનાથી મોટા પદાર્થ તરફ આકર્ષાય તે પ્રકૃતિનો નિયમ તે જ ગુરુત્વાકર્ષણ. પણ આપણે ક્યાં ખગોળશાસ્ત્રના કોઇ નિયમની વાત કરવી છે, આપણે તો આ નિયમનું ચિંતન કરવુ છે જીવન દર્શનના સંદર્ભમાં.જીવનમાં હું અને તમે પણ આપણે માની લીધેલી અનેક ગુરૂતા તરફ અનાવશ્યક પણે આકર્ષાતા હોઇએ છીએ. કોઇ ઘટના કે કોઇ વ્યક્તિને મહત્વના માની લઈને આપણી વૈચારિક ક્ષમતાને અને જીવનના વહેણને તેના સંદર્ભમાં વિચારવા લાગીએ છીએ. પરિણામે પેલું ગુરુત્વાકર્ષણનુ મધ્યબિંદુ ખોઇ બેસીએ છીએ. અને જીવનની સમતુલા પ્રત્યે બેધ્યાન બની જઈએ છીએ. અચાનક જ જેને મહત્વના અને અસામાન્ય માન્યા હતાં તે વ્યક્તિ કે ઘટનાના સામાન્ય સ્વરૂપની ખબર પડતાં જ આપણી સમતુલા છિન્નભિન્ન થાય છે.બીજી રીતે પણ જીવનમાં આપણે સતત ગુરુત્વાકર્ષણનું મધ્યબિંદુ જળવતાં જ હોઇએ છીએ. સમાજ પાસેથી લેવામાં કે આપવામાં કે પછી પરિવાર પ્રત્યે પ્રેમ અને લાગણી રાખવામાં આપણાં હક્કો અને ફરજોની વાતમાં કે પછી ક્રોધ,લાગણી અને મમત્વની વાતમાં આપણે સતત જગૃત રહી નાનું બાળક જેમ ચાલતી વેળાંએ સંતુલન જાળવે છે એજ રીતે સમતુલા જાળવતા હોઇએ છીએ. મમત્વની અસમતુલાના પ્રતિક તરીકે ધુર્તરાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની ફરજોમાં સમતુલા ન જાળવી શકનાર અપરાધીઓ આના જીવંત ઉદાહરણો છે. રોજીંદા જીવનમાં પણ સારા અને ખરાબ કે શ્રેય અને પ્રેય વચ્ચે સમતુલા જાળવવાની મથામણ એ જીવનસાધનાનો એક ભાગ જ છે. કોઇ પણ નેતા કે શાસક પણ ત્યારે જ અસરકારક બની શકે જ્યારે ક્યાંય વધુ ન ઝુકી જવાય તે માટે તે સતત જાગૃત હોય. જો ચુંટણીઓમાં પણ વ્યક્તિની પસંદગી તેની ગુરુત્વાકર્ષણના મધ્યબિંદુને જાળવી લેવાની ક્ષમતાના આધારે કરવામાં આવે તો લોકશાહીના પાયાને મજબુત બનતાં કોઇ રોકી ન શકે.સમતુલા જાળવવાની આ વાતને ગીતાકાર પણ સમતા એજ યોગ છે તેમ કહી નવાજે છે. યુક્ત આહાર અને વિહારની વાત પણ અંતે તો આજ છે ને? જીવનના દરેક ક્ષેત્રે સમતોલ રહી જનારને તણાવનો પરિચય કરાવવો પણ મુશ્કેલ બની જાય તેવુ બને.-પ્રણવ ત્રિવેદી
Comments