રાષ્ટ્રપ્રેમ અને પ્રેમરાષ્ટ્ર સાથે સાથે...
વીસમી સદી ની કોઇ અદભૂત ભેટ હોય તો એ છે વર્તમાનપત્રની ભેટ. આપણી રોજીંદી જીંદગી સાથે આ વર્ત્રમાન પત્ર એટલી હદે જોડાઇ ગયું છે કે આપણે તેના વ્યસની બની ગયા છીએ. જો કે તેમાં આવતા સમાચારોની ગુણવત્તા કે સારાસારનો વિવેક કે જાહેરાતોનો અતિરેક એ આખો અલગ વિષય છે. આપણે જ્યારે ટેલિવિઝનના દુષણોની વાત કરીએ ત્યારે એક વાત તો હકિકત છે કે તેનું રીમોટ તો આપણા જ હાથમાં હોય છે. તેવી જ રીતે અખબારોમાં છપાતી દરેક વાત વાંચવી કે નહી તે પણ આપણા જ હાથની વાત છે. આપણી આંખના પંખીને ક્યા કોલમ પર બેસવા દેવું તે તો આપણે નક્કી કરી શકીએ ને? જોકે આ વિષય વિવાદ પણ સર્જી શકે પણ મારે તો વાત કરવી છે તાજેતરમાં બધા અખબારોમાં છપાયેલા એક સમાચાર વિષે.
મહાત્મા ગાંધીના એક વંશજશ્રી એ લખેલાં એક પુસ્તકથી વહેતી થયેલી વાતો વિશે આજે વાત કરવી છે. ગાંધીજી 'લગે રહો મુન્નાભાઇ' પછી સતત સમાચારોમાં છવાયેલા રહ્યા છે. નવી પેઢીની માનસિકતાને અનૂરૂપ એવો 'ગાંધીગીરી' શબ્દ ચલણી બન્યો છે. એજ સમયે 'ગાંધીજી પણ કોઇકના પ્રેમમાં હતાં' એવા શિર્ષક સાથે સમાચારો બોક્સ આઇટેમ તરીકે પ્રકાશિત થયાં.આમ તો આમાં કશુ નવું છે જ નહી. એ માણસ તો સૌને પ્રેમ કરતો જ હતો ને? એનો સત્યપ્રેમ તો જગજાહેર છે તો પછી તેમના પ્રેમસત્યથી ચોંકવાની જરૂર નથી.પ્રેમમાં પડવાનું ન હોય પણ ઉન્નત થવાનું હોય એ વાત તો આવા મહામાનવોના પ્રેમ પ્રસંગો પરથી જ શીખી શકાય.
આપણા સમૃધ્ધ વિચારક શ્રી ગુણવંત શાહ અવારનવાર આ વાત પર ભાર મુકે છે કે જે સમાજ બલાત્કારીઓને વેઠી લે અને કોઇ સાચુકલા લગ્નમુક્ત કે વ્યાખ્યાઓથી પર લાગણીસંબંધને સ્વીકારી ન શકે એ સમાજ ગમે તેટલો સમૃધ્ધ હોય તો પણ પછાત જાણવો. ગાંધીજીના આ પ્રસંગને અખબારોએ લોકો સમક્ષ મુકીને આપણા સમાજની માનસિકતા માપવાની પારાશીશી આપણા હાથમાં મુકી છે.પેલી અંધ પાત્રો અને હાથી વાળી વાતમાં આવે છે તેમ કોઇ એકાદ ઘટનાના આધારે એક મહામાનવની હાંસી ઊડાવનારી એક આખી પેઢી તૈયાર થઈ ગઈ છે અને તેમાં આવા સમાચારો વાંદરાના હાથમાં તલવાર જેવું કામ ન કરે તો જ નવાઈ.
અમદાવાદ દૂરદર્શન પર પ્રસારિત થયેલ એક ગુજરાતી ધારાવાહિક 'પાવક જ્વાળા'માં આઝાદીના આંદોલનમાં જોડાયેલા ખાદીધારી યુવક યુવતિ વચ્ચે પાંગરતા અને સ્વતંત્રતા માટેની અદમ્ય ઝંખનામાં આથમી જતા પ્રણયની સુપેરે ગુંથણી થઈ છે.એ સમય જ એવો હતો કે જ્યારે આઝાદીની પ્રાપ્તિ સિવાય બીજુ બધું ગૌણ હતું. આપણે સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓની શહિદી વિષે જાણીએ છીએ પણ એ સમયના પ્રેમ સ્પંદનોના બલિદાન વિશે ક્યાં કશુ વિચારીએ છીએ?
સાચુ પુછો તો આટલાં વર્ષો પછી બહાર આવેલી આ વાત પરથી નવી પેઢી એ એટલો તો બોધપાઠ લેવો જ જોઇએ કે પ્રેમ એ કંઇ જાહેરમાં ઢંઢેરો પીટવાની વાત નથી પણ હ્રદયના એક ખુણે સાચવી રાખવાની અમિરાત છે.
-પ્રણવ ત્રિવેદી
Comments