નવી દુનિયા: બટનયુગ
સાવધાન ! બટનયુગ શરૂ થઈ ગયો છે......
માનવનો જીવનકાળ પથ્થરયુગથી શરૂ થયો છે અને હજારો વર્ષની સફર પછી માનવ આજે ટેકનોલોજીના ઉંબર પર ઉભો છે. ઉંબર પર ઉભો છે એમ એટલે કહી શકાય કે હજુ ટેક્નોલોજીની મદદથી શું શું થવાનું છે તેની આપણને ખબર નથી. આજે જીવનમાં દરેક ક્ષેત્રે ટેકનોલોજીની બોલબાલા છે. આજ ગતિ ચાલુ રહી તો ટેકનોલોજીની મદદથી તેના સર્જકો અને તેને જાણનારાઓ સમગ્ર વિશ્વને બાનમાં લઈ લે એ દિવસો દૂર નથી.
આપણા વ્યવસાયના કાર્યો ટેકનોલોજીના હવાલે થાય તેનાથી સમય અને ઉર્જાની બચત થય એ વાત સાચી પણ આપણા અનેક રોજીંદા કામો કે જેની સાથે જીવનની અભિવ્યક્તિ જોડાયેલી હોય તે પણ ટેકનોલોજીના હવાલે થતાં જાય છે. હજારો માઈલ દૂર રહેતા સંતાનો સાથે માબાપ વાત કરે ત્યારે ટેલિફોન કે મોબાઈલની વ્યવસ્થા આશિર્વાદ લાગે પણ એ જ વ્યવસ્થા ગુનાખોરીનો પ્રશ્ન જટિલ બનાવે ત્યારે ટેકનોલોજી અભિશાપ બની રહે છે.
આજનો માનવી બટન, સ્વિચ અને માઉસની ક્લિકનો ઓશિયાળો બનતો જાય છે. અંહી બટન દબાવતા જ મનોરંજનનો ખજાનો ટેલિવિઝન પર ખુલ્લો થઈ જાય છે. સ્વિચ ચાલુ કરતાં જ ભરઊનાળે પોષ માસનું સામ્રાજ્ય અનુભવી શકાય છે. માઉસની એક ક્લિકથી જ કરોડો રૂપિયાના વ્યવહારો પણ કરી શકાય છે અને મેસેન્જરની સુવિધા થકી પ્રિયજનને નિકટ અનુભવી શકાય છે. ધીમે ધીમે 'રિયાલિટી'ના સ્થાને 'વર્ચ્યુઆલિટી'નુ આધિપત્ય વધતું જાય છે. માણસ પ્રેમ પણ કરે તો વર્ચ્યુલી !
હજુ હમણા સુધી તો આપણે સુથારને અસ્ત્રા વડે લાકડાને સમથળ કરતા જોતા હતા. હજુ હમણા સુધી તો આપણે એક કડિયાને દિવસભર દિવાલ ચણતા જોતા હતા. હજુ હમણા સુધી તો આપણે સ્મશાનમાં વિષાદપુર્વક ગોઠવાતી લાકડાની ચિતા જોતા હતા. હજુ હમણા સુધી તો આપણે 'લાલ પીળો ને વાદળી, એ ત્રણ મુખ્ય રંગ કહેવાય, બાકી બધા તો મેળવણીથી થાય' એવુ ગોખીને સાત રંગના નામ યાદ રાખતા હતાં.હજુ હમણા સુધી તો આપણે લખેલી ટપાલનો જવાબ ન આવે ત્યાં સુધી આપણે ટપાલીની ઘંટડી વાગે તેની રહ જોતાં હતાં. આજે ટેકનોલોજીએ આવા અનેક પ્રસંગોને ધરમુળથી ફેરવી નાખ્યા છે.
આજે સુથારની ચિવટનુ સ્થાન આર્ટિફિસયલ વૂડે લઈ લીધુ છે.
જામનગર નજીક રિલાયન્સની રિફાઈનરીના કર્મચારી માટેના આવાસો કારખાનાઓમાં મિકેનિકલી તૈયાર થયેલી દિવાલોથી બની રહ્યા છે. આજે ગણત્રીની મિનિટોમાં માત્ર એક સ્વિચ દાબીને અગ્નિસંસ્કાર થઈ શકે છે. આજે રંગારાની દુકાને ( સોરી ! દુકાન નહી પણ શો રૂમ !!) કોમ્પ્યુટરની સ્ક્રીન પર હજારો રંગોમાંથી પસંદગી કરી ખરીદી કરી શકાય છે. આજે ટપાલનું સ્થાન ઇમેઈલે લઈ લીધુ છે અને દરેક ક્રિયાની આગળ "ઈ" લગાડી તેને બટનસ્થ કરનારો એક વાઈરસ આ પૃથ્વીને વધુને વધુ નાની બનાવી રહ્યો છે. અલબત્ત વર્ચ્યુલી !!
એક રીતે જોઇએ તો આ પ્રક્રિયા આપણા ભાવજગતને ધીરે ધીરે નષ્ટ કરનારી સાબિત થશે. માનવિય સંબંધોમાં ઉષ્માની ગેરહાજરી વધતી જશે. પ્રિયજન માટે લીધેલા ગુલાબ કે ચોકલેટ ભુલાતા જશે, દેશી ઘોડિયાના લય સાથે ગવાતા હાલરડાંનું સ્થાન યાંત્રિક પારણા લઈ લેશે. અત્યાર સુધી નશો કરનારી વ્યક્તિ જ નશામાં રહેતી પણ આવનારા સમયમાં સૌ કોઇ આ ટેક્નોલોજીકલ નશામાં જીવતા હશે.
આ દિશાવિહિન દોડ ક્યાં જઈ અટકશે? કલ્પના શક્તિની મર્યાદા આવી જાય એવું બને. ઓલ્વીન ટોફલર નામના મહાશયે કરેલી આગાહીઓ પણ ઓછી પડે એવા આશ્ચર્યો દૂર નથી. માની લઈએ કે ઇ-ગાંઠિયા કે ઈ-ખિચડી પણ એકાદ બે પેઢી જ દૂર છે !
Comments
પણ આમ ભુતકાળને યાદ કરી રડવાનું કોઈ પ્રયોજન નથી.
આ જીંદગીમાંય એક ખુણો આપણા પોતાના નીજાનંદ માટે અલાયદો રાખીએ તો એટલી પળ આપણી જરુર બની શકે છે.
અમેરીકામાં ચાલતી અસંખ્ય 'હોબી ક્લબો' , હોબી માટેની ઘણી બધી દુકાનો, એ વાતની પ્રતીતી કરાવે છે કે, ગમે તેટલી સમૃદ્ધી આવે, માણસ હસતો, રમતો, કીલ્લોલ કરતો રહેવાનો જ છે.
સ્વરુપ બદલાય, પણ માંહ્યલા જણના આનંદને કોઈ રોકી, રોળી ન શકે.
હા, આપણે આ ક્ષણમાં જીવવાનું ભુલી જઈએ, તો તે માટે આપણે જ જવાબદાર છીએ.
[/url].