માણસ

થઈ ગયો રેતી સિમેન્ટ ને સળિયાનો માણસ
હતો જે નેવાં, મોભ અને નળિયાંનો માણસ

સ્ક્વેર ફૂટના આટાપાટામાં જઈને અટવાયો
ઠીબ, ચબુતરો, ડેલી અને ફળિયાનો માણસ

એની ઇચ્છાઓનો દેશ વસ્યો નભને પેલે પાર
ટોચે પહોંચીનેય ન જંપ્યો તળિયાનો માણસ

ભાવ વિહોણી દુનિયામાં અભાવને આસ્વાદે
પેટભરીને પસ્તાયો ગંગાજળિયાનો* માણસ

શ્વાસે શ્વાસે બીજ વાવી લાગણીઓના પછી
ખાલીપો થઈને ખુટ્યો ઝળઝળિયાનો માણસ

 (*ગંગાજળિયા=ભાવનગરના મધ્યમાં આવેલું તળાવ)

Comments