અમારા પટેલસાહેબ...

માર્ચ ૧૯૮૨માં બારમાં ધોરણમાં પરીક્ષા આપી અને શાળાજીવનનો અંત આવ્યો. મુગ્ધાવસ્થાના સ્થાને ઘટમાં યૌવનના ઘોડા થનગનવા લાગ્યા અને ભાવનગરની શ્રી ભોગીલાલ મગનલાલ કોમર્સ હાઈસ્કૂલ સ્મરણમંજૂષાનું ઘરેણું બની ગઈ. એ પછીના પસાર થયેલાં ત્રણ દાયકામાં સાહિત્યિક રૂચિ જળવાઈ રહી અને સાહિત્યને માણતા રહ્યા એનું શ્રેય શાળાજીવનના અંતિમ વર્ષે જે વર્ગશિક્ષક હતા એ શ્રી પટેલસાહેબને જાય છે. અન્ય શિક્ષકો પ્રત્યે પણ પૂરતો આદર પણ પટેલસાહેબ તો મનના એક ખુણે પૂજ્યભાવે બિરાજયા. 

આમ તો કોઈ દેખીતું કારણ ન હોવા છતાં ભાવનગર જવાનું થતું તો પણ એમને મળવાનું શક્ય બનતું જ નહી. કામનું ભારણ હોય કે સમયનો અભાવ મનના એક ખુણે થી ઉઠતી ઈચ્છા પાછી ઊંડે ધરબાઈ જતી. ૨૦૧૨ની ૧૮મી માર્ચે શાળા છોડયાના બરાબર ત્રીસ વર્ષ પછી પેલો અકબંધ રહેલો પૂજ્યભાવ સપાટી પર આવી ગયો અને મારા મિત્ર અને બેંક અધિકારી શ્રી એમ એ સરવૈયા સાથે પહોંચ્યો શ્રી પટેલસાહેબના ઘરે. મનમાં થોડી અવઢવ હતી કે તેઓ આજે આટલા વર્ષે મળશે કે કેમ? મળશે તો ઓળખી શકશે કે કેમ ? સરસ વિશાળ ફળિયામાંથી પસાર થઈ એક નાનકડા ઓરડા પાસે પહોંચ્યા તો એક કૃશકાય વૃધ્ધ કશુક લુહારી કામ કરવામાં વ્યસ્ત હતાં. ઓરડામાં બેસેલા એક આધેડ વયના ભાઈને પૂછ્યું કે પટેલસાહેબ મળશે ? એમણે સ્મિત સાથે આવકાર્યા એ ક્ષણાર્ધમાં તો વર્ષોથી જાળવી રાખેલી એક આસન જેવી બેઠક પર પેલા વૃદ્ધ વ્યક્તિ એ સ્થાન લઈ લીધું હતું. 

 વર્ગમાં ખુરશી પર નહી પણ ટેબલ પર બંને પગની આંટી લગાવી સફેદ ખાદીના વસ્ત્રોમાં જેમણે અમને ધૂમકેતુની વાર્તાઓનો રસાસ્વાદ કરાવ્યો હતો, રાવજી પટેલના “મારી આંખે કંકુના સુરજ” કાવ્ય સમજાવી ને મૃત્યુની કરૂણામાં ડૂબકી ખવડાવી હતી કે પન્નાલાલ પટેલના અમરતકાકી અને અર્ધ પાગલ મંગુની પાત્ર સૃષ્ટિ વર્ગમાં ઊભી કરી હતી, એ પટેલસાહેબ અવાજની એજ બુલંદી અને એજ લહેકા સાથે કૃશ થયેલાં સ્વરૂપે અમારી સામે બેઠા હતા. ગાંધી વિચારને નખશીખ જીવી ગયેલો એક યોધ્ધો જાણે અમારી સામે હાજર હતો જેમણે ખુમારી અને ખુદ્દારીથી અવિરત જીવનસંઘર્ષ કર્યો હતો. બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવીને ધનની ગરીબી પણ મનની અમીરી ધરાવનાર માતાના એક સંતાન તરીકે જે લડાઈ શરૂ કરી હતી એ આજે સત્યાશીમાં વર્ષે પણ ચાલુ જ હતી. 

એક મિત્રએ ભેટ આપેલા આશરે એક હજાર ચોરસવારના જમીનના ટુકડામાં જાતમહેનતથી બનાવેલું બે ઓરડાનું મકાન એમના જીવનની સંઘર્ષ કથાની મૂક સાક્ષી તરીકે ઊભું છે. ભાવનગરમાં આવેલી કાપડની એક મિલ જે માસ્ટરમિલ તરીકે ઓળખાતી એમાં કાપડના તાકાઓની ઘડી કરનાર ‘ઘડીદાર”ની બાળવયે નોકરી અને મનમાં અભ્યાસની તાલાવેલી. મિલમાલિકને કાને વાત નાખી જોઈ ને શરૂ થઈ અભ્યાસ યાત્રા. બી.એ. અને પછી એમ॰એ. પછી બી.એડ. અને પછી એ જ મિલમાલિકની શાળામાં નોકરી. મનમાં તો ઇચ્છા ડોકટર બનવાની અને પછી ગ્રામીણ પ્રદેશે સેવા આપવાની હતી પણ આર્થિક પરિસ્થિતીએ, એ માર્ગે જવાની ક્યારેય છૂટ ન આપી. આજે સત્યાશીમે વર્ષે પણ અડીખમ રહેલી બત્રીસી સાથે સ્મિત આપતા એમણે તો બીજી પણ એક અતૃપ્ત ઈચ્છાની વાત કરી. “એમ હતું કે હાથમાં ચોક હોય અને શાળામાં જ જીવનની અંતિમ પળ આવે ....!” ના, આ વિધાનમાં ક્યાંય ન હતો પલાયનવાદ કે ન હતો ખોખલો આદર્શવાદ. પણ એક સમર્પિત શિક્ષકનો, શિક્ષણની ખેવનામાં કાયમ ચિંતિત રહેતા એક અર્વાચીન ચાણક્યનો, રણકાર હતો. 

 ગમે તે માણસ ભાંગી પડે એવી આર્થિક તંગીમાં વરસો વિતાવ્યા છતાં પણ આ વ્યક્તિને ક્યારેય પૈસો મહત્વનો લાગ્યો જ નથી। આજે પણ મારી પાસે કોઈ બેંક બેલેન્સ નથી અને મારે એની જરૂર પણ નથી એમ ખુમારીથી કહેનારનો પરિવાર પણ આજે એમની માટે ગૌરવ અનુભવે છે અને કોઈ કર્મશીલને છાજે એ રીતે સમગ્ર પરીવાર કાગળના પરબીડિયાં બનાવવાના ગૃહ ઉધ્યોગમાં પ્રવૃત્ત છે। આપણાં મનમાં સહજ એ પ્રશ્ન હજુ તો જન્મે કે તમે ઈશ્વર ભજન ક્યારે કરો છો ? એ પહેલા તો એમણે જ વાત માંડી। “મંદિરે પહેલાય નહોતો જતો અને આજે પણ નથી જતો। મારી મહેનત એજ મારા માટે ઈશ્વર છે.” બાગાયતનો શોખ યુવાનીના દિવસોમાં એવો તો લાગેલો કે દુનિયાભરના ગુલાબ એમના આંગણામાં ખીલતા. અવારનવાર યોજાતા “રોઝ શો“માં અનેક વર્ષો સુધી પ્રથમ સ્થાન જાળવી રાખ્યા પછી પાણીની સમસ્યાને લીધે ગુલાબ ઉછેરની પ્રવૃત્તિ બંધ થઈ તો પણ ઓછા પાણીથી થતાં શાકભાજી આજે પણ તેમના ફળિયામાં જોવા મળે છે. 

 સાહિત્યને પ્રીત કરનારા તો ઘણા થયા છે અને થશે પણ સાહિત્યને તેના શ્રેષ્ઠ અર્થમાં સમજનારા અને એનો સદુપયોગ કરનાર બહુ ઓછા જોવા મળે છે ત્યારે એમણે કહેલો એક કિસ્સો બહુ જ રોચક રહ્યો। “એક પરિચિતને જીથરી(અમરગઢ)ની ક્ષય રોગની હોસ્પીટલમાં દાખલ કર્યા અને એ વ્યક્તિ મનથી ભાંગી ન પડે એવી શુભભાવનાથી હું રોજ એક પુસ્તક લઈ ને એ હોસ્પીટલના સાર્વજનીક વોર્ડમાં વચ્ચે જઈ બેસતો અને મોટા અવાજે નવલકથાના પાનાઓ વાંચતો। એક વખત શ્રી પન્નાલાલ પટેલની ‘લોહીની સગાઈ’ ના થોડા પ્રકરણ વાંચી રહ્યા પછી ખૂણાના એક ખાટલા પરના દર્દીએ પાસે બોલાવ્યો। તેઓ ઓછું સાંભળતા હતા એટલે એમણે પૂછ્યું કે તું શું વાંચતો હતો? મે કહ્યું કે સિધ્ધહસ્ત નવલકથાકાર અને લેખક શ્રી પન્નાલાલ પટેલની “લોહીની સગાઈ” તે દર્દી કહે ભાઈ એ પન્નાલાલ પટેલ એ જ હું !” 

 ગાંધીજીના ચરખાયુગમાં સ્વરોજગારીના મહાન યંત્ર તરીકે અનેક પરિવારોની ભૂખ ભાંગનાર રેંટિયો એમના સંઘર્ષના દિવસોનો સાથીદાર। એમના માતા જેઓ ૧૦૧માં વર્ષે પરમ-ધામમાં ગયા એ અંતિમ ક્ષણોએ પણ એટલા જ સક્રિય હતા. રાષ્ટ્રકક્ષાની કાંતણ સ્પર્ધામાં આ મા-દીકરાએ જ્યારે પ્રથમ અને દ્વિતીય સ્થાન પર કબજો કર્યો ત્યારે હે ઈતિહાસકારો, તમે ક્યાં હતા? પોતે જ કાંતીને વણેલા ખાદીના વસ્ત્રો હજુ આજે પણ પહેરનાર આ ખાદી-ઋષિની જગતે ભલે નોંધ લીધી હોય કે નહી, પરંતું એમના વર્ગમાં ભણનાર દરેક વિધ્યાર્થીના બાળમાનસમાં એમની પ્રતિમા અકબંધ છે અને રહેશે. 

 -પ્રણવ ત્રિવેદી

Comments

ANANT TRIVEDI said…
Shri Pranavbhai,

Shri Patel Saheb vishe khubaj saras maji vat kari ane mane pan 35 varsh juni yado ne fari yad karavi didhi. Hu Bhavnagar noj chhu ane me pan B M Commerce maj 1972 to 75 abhyas karelo chhe. Std 8 to 11 (old ssc). 1980 thSBI ma chhu. Atyare Vijapur chhu. Tamari greenleaf pan hu hamesh vachhu chhu. Fari ekvar khub khub abhinandan and shubechhao.

Anant Trivedi.
7600056201
Anonymous said…
Dhanya ho ava sixak ane ena vidyarthio!! Saras. Abhinandan
Bhavna Maniar (Mehta) said…
Khubaj saras tarike thi aadarniy Patel saheb nu jivan vrutant nu chitran karel che.Patel sir aaje pan yad che temana jivan na Siddhanto tatha temano prakruti prem ane tema pan khas temanu gulab ane Thor (cactus) prem.Temani nursari me bahu var joyel che.Khub mahenat karavavala Patel sir ne koti koti Pranam 🙏🌹🙏. Patelsir nu sundar rite aalekhan karava badal tamane pan Abhinandan.
Bhavna Maniar (Now Mehta)
👌👌🌹👌👌
Unknown said…
1975 માં મેં એમના જ વર્ગ માંથી SSC પાસ કરી. Preliminary પરીક્ષા પછી અમને વાંચવાની રજા મળેલી અને શાળા માં છેલ્લો દિવસ હતો ત્યારે અમને ખૂબ જ ભાવુક થઈને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપેલા અને રડી પડેલા.પોતાના વિદ્યાર્થી સાથે આટલા લાગણીથી બહુ ઓછા શિક્ષકો જોડાયા હશે.
Unknown said…
1975 માં મેં એમના જ વર્ગ માંથી SSC પાસ કરી. Preliminary પરીક્ષા પછી અમને વાંચવાની રજા મળેલી અને શાળા માં છેલ્લો દિવસ હતો ત્યારે અમને ખૂબ જ ભાવુક થઈને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપેલા અને રડી પડેલા.પોતાના વિદ્યાર્થી સાથે આટલા લાગણીથી બહુ ઓછા શિક્ષકો જોડાયા હશે.
Unknown said…
Utmost respect and highest regards for Patel Sir.

He is an institution.
Unknown said…
આભાર પ્રણવ ભાઇ🙏🙏🙏🙏 સમીર પટેલ પટેલ સાહેબ નો સૌથી નાનો પુત્ર 🙏