લોકશાહીની પરિપકવતા
લોકશાહીની પરિપકવતા
આપણાં દેશમાં લોકશાહીની સ્થાપનાને છ
દાયકાથી પણ વધુ સમય થયો. આમ તો કોઈ પણ રાજ્યવ્યવસ્થાના મૂલ્યાંકન માટે આ બહુ ઓછો
સમયગાળો કહેવાય તો પણ આટલા વર્ષોમાં લોકશાહી યુવાન અને પરિપકવ થઈ છે કે કેમ એ
ચકાસવું જ જોઈએ. બહુ જ પ્રચલિત વ્યાખ્યા
અનુસાર “ લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા અને લોકો વતી ચાલતી વ્યવસ્થા” પણ હકીકતમાં
એવું થયું છે ખરૂ ? ક્યાંક ચૂક રહી ગઈ છે એ ચોક્કસ !
એક બહુ સરસ વાક્ય અંહી યાદ આવે જ. “ Bad Officials
are elected by those who do not vote.“
પણ રોગના મૂળ અંહી જ છુપાયેલા છે. પંચાયતીરાજનો ખ્યાલ એ પ્રથમ પ્રધાન
મંત્રી શ્રી નહેરુનું સપનું હતું. પંચાયતી વ્યવસ્થા દ્વારા પ્રજાની સત્તાની
ભાગીદારીનો એમનો ઉમદા ખ્યાલ હતો અને ચૂંટણી એ લોકશાહીના મંદિરની પુજાવિધિ હતી.
લોકશાહીની વાત હોય કે પંચાયતીરાજની વાત હોય, છ
દાયકાઓ પછી આજે ચૂંટણી એ લોકશાહીના ચાલક-બળની બદલે મારક-બળ તરીકે વરવા દ્રશ્યો
સર્જી રહી છે. લોકમતની પારાશીશી તરીકે યોજાતી ચૂંટણીઓ અંતે તો વિભાજન અને
વૈમનસ્યનું કારણ બની ગઈ. જેને કારણે વિકાસની ગાડી ધીમી પડી ગઈ કે રોકાઈ ગઈ કે પછી
સાવ ફંટાઈ જ ગઈ..!! આ તો લગામ જ ચાબુક બની ગઈ એવો ઘાટ થયો જેણે અનેક અનર્થો
સરજ્યા. પરિણામે જેમના માટે આ બધુ થઈ રહ્યું હતું એ સામાન્ય નાગરીક આ પ્રક્રિયાથી
વિમુખ થતો ગયો.
અને જે ઘટના સરકારી સંસ્થાનો-પંચાયતો
કે પાલિકાઓમાં સર્જાઈ એ જ ઘટના અનેક સંસ્થાઓ કે સંગઠનોમાં પણ ભજવાતી રહી. સંગઠનો
કે સંસ્થાઓ જે તેના સભ્યોના ભલા માટે, “વેલફેર”
માટે અસ્તિત્વમાં આવી હતી એમાં આ ચૂંટણી
નામના અનિષ્ટથી જે કેન્દ્ર સ્થાને હોવો જોઈએ એ સામાન્ય સભ્ય હાંસિયામાં ધકેલાતો
ગયો. કોઈ પણ સંસ્થા કે સંગઠન માટે ચૂંટણી જો વિભાજનનું કે વૈમનસ્યનું કારણ બને તો
એને ટાળવી એ સૌથી ડહાપણ ભર્યો ઉપાય છે અને એ સૌના હિતમાં પણ છે. આ ત્યારે જ શક્ય
બને કે જ્યારે એ પ્રક્રિયામાં ભાગીદાર સૌના મનમાં સંસ્થા કે સંગઠન જ સર્વોચ્ચ
પ્રાથમિકતા ધરાવતું હોય. અને અંહી જ સજજનોએ સક્રિય થવાની હાકલ પડે છે. આ ક્ષણ જ
સત્યની ક્ષણ હોય છે જે Moment of Truth તરીકે ઈતિહાસમાં નોંધાઈ જાય છે અને
વ્યક્તિગત હિતો પર મુસ્તાક લોકોને ઇતિહાસ ક્યારેય માફ નથી કરતો એના તો અનેક
દ્રષ્ટાંતો મોજૂદ છે.
આમ લોકશાહીને તેના મૂળ સ્વરૂપે જાળવી
રાખવાની જવાબદારી એ દરેક નાગરીકની ફરજ છે અને એ ફરજ રાષ્ટ્રપ્રેમની ઝળહળતી મિસાલ પણ છે.
–પ્રણવ ત્રિવેદી
Comments