લાચારી


હમણાં એક સરસ વાક્ય નજરે પડ્યું.  ના પાડવી ન ગમે એવી વ્યક્તિ કઈક માગે અને એ ન આપી શકાય ત્યારની લાચારી બહુ જ ખરાબ અનુભવ છે.  જીવનમાં જાતજાતની લાચારી આપણે સૌ અનુભવી હોય છે. મરીઝની એક ગઝલમાં પણ લાચારી અંગે એક શેર છે કે એવો કોઈ દિલદાર નજર આવે નહી , આપી દે જે કિન્તુ લાચાર બનાવે નહી આપણી સામે બનતી કોઈ ઘટના અંગે કશુક કરવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં કશું જ કરી ન શકીએ એવા પ્રસંગો સૌના જીવનમાં બનતા જ હોય છે. મને બે-ત્રણ દાયકા પૂર્વેની એક ઘટના યાદ આવે છે જેનો હું સાક્ષી છું. ગુજરાતી ભાષાના એક મૂર્ધન્ય કવિ ભાવનગર આવ્યા હતા. એમના વકતવ્ય બાદ એક કિશોરે પોતાની શાળાની નોટ-બુકમાં એ વિદ્વાન કવિના હસ્તાક્ષર માટે વિનંતી કરી. બહુ જ લાપરવાહી સાથે એ કવિએ કહી દીધું કે હૉલની બહાર મારા પુસ્તકો વેચાય છે એ ખરીદ કરીને આવો એમાં હસ્તાક્ષર કરી આપીશ. પુસ્તકોના પ્રચાર અને પ્રસાર માટેના એક વિચાર તરીકે આ વાતનો વિરોધ ન કરી શકાય પણ પેલો કિશોર કદાચ મોંઘા ભાવનું ખરીદી શકે તેમ ન હતો અને પોતાને જેમના પ્રત્યે આદર છે એવા વ્યક્તિત્વને મળ્યાની ક્ષણ એ જીવનભર સાચવી લેવા માગતો હતો પણ કવિશ્રીના જવાબથી તેના ચહેરા પર જે લાચારીના ભાવ પ્રગટ્યા એ આજે પણ ભુલાયા નથી. કાશ, કવિએ એ લાચારી વાંચી હોત તો ?

સામાન્ય અર્થમાં એમ પણ કહી શકાય કે દાન લેનાર લાચાર હોય છે પણ તો પછી કન્યાદાન સ્વીકારનારની લાચારી વિષે અલગ વ્યંગ લેખ લખવો પડે ! અને હા, લાચારી કંઈ ગરીબનો જ ઇજારો નથી. એરપોર્ટ પર કોઈ ફ્લાઈટ રદ થયાની જાહેરાત સાંભળી લાચારી અનુભવતા ધનવાનો પણ દયાપાત્ર દેખાતા હોય છે. અને ધનશ્રેષ્ઠીઓના મેળાવડામાં પોતાના કરતાં વધુ કિમતી ઘરેણાં કે વસ્ત્રો પહેરનારને જોતાવેંત જ કોઈક આંખોમાં ક્ષણેક લાચારી પ્રગટી અને પછી ઈર્ષાનું રૂપ લઈ લેતી હોય છે.
માનવજાતનો ઇતિહાસ તપાસી જુઓ તો જણાશે કે માણસ જેની સામે લાચાર થયો એને નમ્યો છે. પંચમહાભુતની સંકલ્પના આ અર્થમાં પણ જોઈ શકાય. આ પાંચે તત્વોના ક્રોધ સામે માનવી લાચાર જ સાબિત થાય છે. એ ક્રોધ ભુકંપ સ્વરૂપે હોય કે અતિવૃષ્ટિ રૂપે, અગ્નિતાંડવ રૂપે હોય કે વાવાઝોડા રૂપે, માનવી હજુ લાચાર જ રહ્યો છે. અને એટલે જ અગ્નિદેવ, વાયુદેવ, વરૂણદેવ અને ધરતીમાતાની કલ્પના કરી નમતો રહ્યો છે.

લાચારી ગમે તેની હોય, ગમે તે સ્વરૂપે હોય, એ દૂર ન કરી શકીએ તો પણ એમાંથી લાભ લેવાનો કે એની અવહેલના કરવાનો પ્રયાસ જ પશુતા છે. આવી વૃત્તિ હિંસાનો જ એક પ્રકાર છે. પીંજરમાં રહેલા પક્ષી અને શિશુ સહજ બચપણનો આનંદ છોડી શાળાએ જતા બાળકની લાચારીમાં બહુ તફાવત હોતો નથી. ખુમારી ભર્યા સમાજનું નિર્માણ આવા લાચારીસભર પાયા પર ન જ થઈ શકે એ સત્ય સમજવા માટે આપણે હજુ કેટલી પેઢીનું બલિદાન આપવાનું છે ? વિચાર કરતાં કરી મુકે એવો યક્ષ પ્રશ્ન છે આપણે જવાબ આપી ન શકીએ એટલા લાચાર છીએ.
                                                                                        -પ્રણવ ત્રિવેદી

Comments

Unknown said…
Sir,
True Lines,
Anonymous said…
Where are you?

Please contact
Dushyant Dave
Lazor Jamnagar
7878322663