લાઈફ ઑફ પાઈ


લાઈફ ઑફ પાઈ – પ્રણવ ત્રિવેદી
હમણાં રજૂઆત પામેલ આ ચલચિત્ર લગભગ સૌએ જોયું હશે. પ્રાથમિક દ્રષ્ટિ એ એક કથાનક અને ત્રિ-પરિમાણીય રજૂઆતથી એક મનોરંજક ફિલ્મ લાગે પરંતુ ઈશ્વર અંગે થતાં પ્રશ્નો અને અલગ અલગ ધર્મમાં અલગ અલગ માન્યતાઓ વચ્ચે ઉભરતું એક સનાતન સત્ય એ આ સમગ્ર વાર્તાનું હાર્દ લાગે છે. વિચાર કરતાં એવું લાગે કે કેટલી બધી વાતો આ બે કલાક ની વાર્તામાં સમાવી લેવાઈ છે !
વાસ્તવમાં મને તો એ ચલચિત્ર ‘લાઈફ ઓફ આઈ’ (Life of ‘I’) લાગ્યું છે. આ પૃથ્વી પર જન્મતું દરેક માનવ બાળ જે રીતે જીવનના પ્રવાહમાં વહે છે એનું નિરૂપણ હોય એવું પણ લાગે છે. શરૂઆતમાં માતાપિતાની માન્યતાઓ અને અનુભવોના આધાર પર ઘડતર અને પછી પરિવારનું છુટી જવું, દુનિયાના અફાટ સમંદરમાં મર્યાદિત સાધનો વડે ટકી રહેવું એની જ આ વાર્તા નથી શું ? અને એ ટકી રહેવાની મથામણમાં ભય(વાઘ) અને ભય આપનારનું અનાયાસે પોષણ એ આપણો સૌનો અનુભવ છે. જીવનની આ અફાટ જલરાશીમાં સફર કરતાં કરતાં આપણે પણ અનેકાનેક સૂર્યોદય અને સુર્યાસ્ત આપણી આસપાસ જોતા જ આવ્યા છીએ ને ? સમય પસાર થતાં થતાં ચહેરો-મહોરો બદલાય જાય છે અને ગુમાવેલી અનેક ચીજો સામે નવી નવી ઉપલબ્ધીઓ જીવવાનું કારણ બનતી જાય છે. ક્યાંક કોઈક ટાપુ જેવું ઠેકાણું મળી આવે છે તો પણ એના જોખમોને કારણે જિંદગી ત્યાં અટકવા દેતી નથી. અને જીવનની બલિહારી તો જુઓ કે જે ભયને સતત સામે રાખી તમે જીવતા રહ્યાં, સંજોગો સામે લડતા રહ્યા એ ભય પ્રત્યે જ આસક્તિ પણ અનુભવી બેસો છો ! એ એકાંત (Solitude) તમે માણો છો અને એ ભય સાથે જ ખડખડાટ હસી પણ લો છો. અને એક દિવસ અનાયાસે અંત આવે છે એ દિશા વિહીન સફરનો. પેલો ભય ગાયબ થઈ જાય છે અને આપણું અસ્તિત્વ સમયની રેતી પર નિઃસહાય બની રહે છે.
અને વાર્તાના અંતે પણ કેવું સરસ સત્ય સાંપડે છે. દુનિયા તમારી સફરની યાતનાઓ જાણવા ઉત્સુક નથી કે નથી કોઈને રસ તમારી સફરની પ્રાપ્તિમાં. તમે કઈ રીતે લડ્યાં અને કેટલું લડ્યાં એના કરતાં કોનો નાશ થયો એ જાણવામાં લોકોને રસ છે. પેલા પ્રખ્યાત વાક્યનું જાણે તાદશ ચિત્રણ : War does not determine who is right – only who is left.
સમગ્ર ચલચિત્ર કેવો સરસ નિઃશબ્દ સંદેશ આપી જાય છે કે આનંદનો હોય કે ભયનો અનુભવ હોય, તમારો અનુભવ માત્ર તમારો છે. તમારી આસપાસના વિશ્વને કે આસપાસના લોકોને એમાં મનોરંજનથી વિશેષ કોઈ જ દિલચસ્પી હોતી નથી. સરળ અને સાવ નાની વાર્તામાં વિવિધ રૂપકો પ્રયોજીને અધ્યાત્મિકતાની વાતને વણી લેવાના કાબિલે દાદ પ્રયત્ન માટે દિગ્દર્શક અભિનંદનના અધિકારી છે.

Comments