પળનો સંગ્રામ....





આજે મારી મનગમતી પંક્તિઓ પર વાત કરવી છે. સ્વ. કવિ શ્રી સુરેશ દલાલની એક કવિતામાં કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે જેનો અર્થ જ્યારે વાંચું ત્યારે અલગ અલગ મળે છે.

તું પાંડવ, તું કૌરવ મનવા, તું રાવણ, તું રામ,
હૈયાના આ કુરુક્ષેત્ર પર, પળ પળનો સંગ્રામ

લખનાર કવિ તો શબ્દોના સોદાગર હતા અને એમને ક્યાં અર્થમાં આ પંક્તિઓને જન્મ આપ્યો હશે એ તો એ જ જાણે પણ સાચી કવિતાની મજા જ આ છે. તમે જ્યારે જ્યારે વાંચો ત્યારે ત્યારે એ નવા અર્થ રૂપ સજી ને તમારી સામે પ્રગટે. માણસ હંમેશા દ્વિધા સામે લડતો આવ્યો છે. આ પસંદ કરૂ કે પેલું? આ સત્ય કે બીજું કઈંક? આ માનવીની સનાતન મૂંઝવણ છે ! સાચો સર્જક હંમેશા સરહદો ઓળંગીને અને ભૂગોળથી ઉપર ઉઠીને જ વાત કરે. ગીતાકાર કહે કે ‘કવિઓમાં સૂર્ય હું છું.’ એનો અર્થ એટલો કે કવિત્વ સૂર્યપ્રકાશની સાથે સરખાવી શકાય એવું તત્ત્વ છે અને સૂર્યપ્રકાશ તો પોષક છે તો કાવ્ય પણ પોષક જ હોવું ઘટે. સૂર્ય પણ સીમાડાઓથી પર છે એમ સાચો કવિ પણ સરહદની નહી પણ અનહદની જ ઉપાસના કરે. આપણે વાત કરતાં હતા દ્વિધાની.. શેક્સ્પીયર પણ તેના પાત્ર થકી દ્વિધા જ રજૂ કરે છે ને ? “ To be or not to be “ નો સંવાદ કોઈ પાત્રનો નહી પણ સમગ્ર માનવ જાતનો છે. જીવન વ્યવસ્થા જ એક એવું આંદોલન છે જે જન્મથી મૃત્યુ સુધીના બે આંતિમો વચ્ચે દ્વિધા-રાગ વગાડ્યા કરે છે.

આપણી વાત હતી પેલી પંક્તિઓની. આપણે આ પંક્તિઓ મુજબ અનેક વાર હૈયાના મેદાન પર કુરૂક્ષેત્રનો અનુભવ કરીયે જ છીયે ને? કોઈ ક્ષણે આપણે રામ હોઈએ છીએ તો રાવણ વૃત્તિ પણ ક્યારેક પ્રગટે છે આપણાં સૌમાં. અને પાંચ સદવૃત્તિઓ એટલે પાંડવ જે આપણાં સૌની અંદર મોજૂદ જ હોય છે. અરે માત્ર આ મુખ્ય પાત્રો જ શા માટે આપણી અંદર તો મારીચ અને જટાયું જેવા રામાયણના નાના નાના પાત્રો પણ છે અને ધુતરાષ્ટ્ર કે દ્રોણ કે ભીષ્મ જેવા લક્ષણો સાથે પણ આપણે વર્તતા હોઈએ છીએ. ઓફિસમાં થતી કામચોરી અને ચારે તરફ ચાલતી ગેરવ્યવસ્થા પર આંખો બંધ કરી જનારા અને છતાં પોતાના અહમ માટે યુયુત્સુ (યુધ્ધની ઇચ્છા માટે સદા તત્પર) બની રહેનારા આપણે એ ક્ષણે ધુતરાષ્ટ્ર બની રહીએ છીએ. બીજાને હકકનું પણ ન આપવાની દલીલો કરતી વખતે આપણી અંદર દુર્યોધન આળસ મરડે છે અને રહસ્યો જાણીને પણ અજાણ બની રહેનારા આપણે સહદેવના વારસ બની રહીએ છીએ. ખોટા કામમાં પણ મિત્ર ની સાથે રહીએ ત્યારે આપણે કર્ણ હોઈએ અને કપરા સમયે મિત્રને મદદ કરતી વેળાએ આપણી અંદર કૃષ્ણતત્ત્વ પ્રગટે છે. સત્તા કે સંપતિ માટે કોઈને છેતરતી વખતે આપણી અંદર કૈકેયી કાર્યરત હોય છે અને અકારણ જ કોઈના જીવનમાં અસ્થિરતા ઊભી કરી આનંદ મેળવતી વખતે શકુનીનું પાત્ર જીવંત થાય છે આપણામાં..!! લક્ષ્યવેધી ધગશ પ્રગટે ત્યારે અર્જુન અને અન્યોના ઝગડામાં સ્થિરતાપૂર્વક અને તટસ્થતા સાથે મધ્યસ્થી કરતી વખતે યુધ્ધમાં પણ સ્થિર રહેનાર યુધિષ્ઠિર પણ આપણી અંદર પ્રગટતા આપણે સૌએ અનુભવ્યા છે. રસ્તે જતી વેળાએ કોઈને મદદ કરવાની ઇચ્છા હોવા છતાં મદદ ન કરી શકાય ત્યારે જે ક્ષણિક અફસોસ અનુભવીએ એ દુર્યોધનની “જાનામી ધર્મમ, નચમેવ પ્રવૃત્તિ” થી જરાય ઉતરતી વ્યથા નથી. એટ્લે જ કહેવાય છે કે ‘ જે પીંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. ને બસ એટ્લે જ હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળ નો સંગ્રામ......

Comments

Anonymous said…
વાહ, સુંદર વિવેચન!
Anonymous said…
સુંદર ચિંતન!