એક યાદગાર સાંજ




એક યાદગાર સાંજ......

આમ તો લોકડાઉન નો સમય એટલે મળવા હળવા પર પાબંદીનો સમય. કોઈએ એવી સલાહ પણ આપેલી કે આ સમયમાં કોઈ વયસ્ક વ્યક્તિ પાસે જવાનું ટાળવું. પણ ચાલીસ વર્ષથી જે ઇચ્છાને સાચવી રાખી હોય એ સાકાર થવાના સંજોગો સર્જાય ત્યારે ઊર્મિઓ તો બુધ્ધિનું કશું ઉપજવા દે જ નહીં ને?  

બેન્કના કામકાજ અર્થે ચોટીલા અને સુરેન્દ્રનગરની વચ્ચે સ્થિત થાનગઢ ગામે જવાનું થયું અને ફરી પેલી સુષુપ્ત ઈચ્છા સપાટી પર આવી ગઈ. તળપદી શૈલીની જેમની વાતોથી આનંદ આવતો અને એ જ વ્યક્તિની વાતોમાં આજે છલકતું તત્વજ્ઞાન પ્રભાવિત કરતું હોય તો મળ્યા વગર કેમ રહેવાય? પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત શ્રી શાહબુદ્દીન રાઠોડ, હળવી શૈલીમાં ભારે વાતો કરનાર, એક એવું વ્યક્તિત્વ જેમણે હાસ્યને દિવાનખાનામાં એ કક્ષાએ સ્થાપ્યું જેને સૌ સપરિવાર માણી શકે. એક નિવૃત્ત આચાર્ય તરીકે થાનગઢ શિક્ષણજગતમા આદરપૂર્વક લેવાતું નામ એટલે શ્રી શાહબુદ્દીન રાઠોડ. ખડખડાટ હસતાં શ્રોતાગણનું પ્રતિક એટલે શ્રી શાહબુદ્દીન રાઠોડ. “વનેચંદનો વરઘોડો” નામના કથાનકથી જગ વિખ્યાત બનેલા સરળ વક્તા એટલે શ્રી શાહુબુદ્દીન રાઠોડ. અને સમય જતાં જેમણે હાસ્યની વાતો થકી ફિલોસોફીના અઘરા પાઠ પણ સરળ બનાવી આપ્યા એ નામ એટલે શ્રી શાહબુદ્દીન રાઠોડ. અનેક લોકોને વ્યક્તિગત જીવનમાં જ્યારે તાણ કે વ્યથાનો સામનો કરવાનો આવ્યો ત્યારે શ્રી શાહબુદ્દીનભાઈની વાતોએ ટકી રહેવાનું બળ આપ્યું છે એ હકીકત છે. 

તા.૧૭મી જુલાઈએ સાંજે પાંચ વાગે હું એમના નિવાસસ્થાન “આશિયાના” માં પ્રવેશ્યો. પ્રથમ મજલા પર એક વિશાળ ઓરડામાં હું એમના આવવાની રાહમાં ઊભો રહ્યો ત્યારે મારી સામે એ દીવાલો હતી જેના પર અનેક સન્માન પત્રો, પ્રમાણપત્રો, સ્મૃતિચિન્હો અને પ્રશસ્તિપત્રોનું ભરચક વિશ્વ હતું. એમના અંગત ઓરડામાથી તેઓ આવ્યા અને અમારી વાતો શરૂ થઈ. પ્રાથમિક પરિચય બાદ એમણે જે વાત કરી એ મારા માટે સાનંદ આશ્ચર્ય હતું. ત્યાં દ્રશ્યમાન અનેક ચિત્રો એમણે સ્વયં દોરેલા છે એ વાતે એમના પ્રત્યેના મારા આદરમાં અનેક ગણો વધારો થયો. એ ઉપરાંત એક હાર્મોનિયમ પણ ત્યાં જોયું એટલે પુછી જ લીધું કે આનો પણ આપ ઉપયોગ કરો છો? અને મારા મનમાં એમની છબીમાં એક નવું પરિમાણ પણ ઉમેરાયું. હવે હું હાસ્ય લેખક, વક્તા, ચિત્રકાર અને સંગીત મર્મજ્ઞ શ્રી શાહબુદ્દીન રાઠોડને મળી રહ્યો હતો. વધુમાં તેઓ હસ્તાક્ષર કળામાં (calligraphy) પણ નૈપુણ્ય સાધી ચૂક્યા છે. આજે પણ અંગ્રેજી અને ગુજરાતી બંને લિપિમાં એમના હસ્તાક્ષરો પ્રભાવક છે. મને એ વાતે પણ આશ્ચર્ય થયું કે રોજની પ્રવૃત્તિઓ બાબતે રોજનીશી પણ તેઓ લખે છે. જીવનની પળેપળને ભરપૂર જીવી લેવી એ સંકલ્પ એમની વાતોમાં છલકાતો હતો. એમની વાતોએ મારા અસ્તિત્વને પિતૃવત્સલ ક્ષણોનો અનુભવ કરાવ્યો. સર્જનશીલતા બાબતે એમણે સરસ વાત કરી કે માણસનું શરીર ભલે વર્તમાનમાં જીવે છે પણ માનવીનું મન કાં તો ભુતકાળમાં જીવે છે કાં ભવિષ્યકાળમાં. માત્ર સર્જનની ક્ષણોમાં જ માનવીનું મન વર્તમાનમાં જીવતું હોય છે.

સૌરાષ્ટ્રમાં લોકસાહિત્ય અને ભજનોની એક આગવી પરંપરા છે જે  “ડાયરો” સ્વરૂપે યોજાતો એક એવો પ્રસંગ છે જેણે ટેલીવિઝન પૂર્વેના સમયમાં ગ્રામીણ મનોરંજન, જ્ઞાન વર્ધન અને લોકસાહિત્યની જાળવણીમાં અનેરું યોગદાન આપ્યું છે. આવા ડાયરાના કાર્યક્રમોમાં પોતાના જીવનમાં જ આસપાસ બનેલી ઘટનાઓને રમુજ રૂપે પ્રસ્તુત કરવાની શરૂઆત કર્યા બાદ વનેચંદ સહિત કેટલાક સાચુકલા પાત્રોને રમૂજનું માધ્યમ બનાવી લોકોને ખડખડાટ હસાવવાની એમની પ્રવૃત્તિ અર્ધી સદી પૂરી કરી ચૂકી છે. મારે ક્યાં લખવુ’તું એમ કહેતા કહેતા એમના છ પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચૂક્યા છે અને આ વર્ષે તો એમની કદર કરી ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજયા છે. એમની પાસે વિચારો, માહિતી અને જ્ઞાનનો સમૃધ્ધ ખજાનો વિવિધ રૂપે લોકો સુધી પહોંચતો રહે એ માટે પણ એ ખૂબ જ પ્રવૃત્ત છે. ઇન્સ્ટગ્રામ અને યુટ્યુબ પર એમની પોતાની ચેનલો છે અને અનેક લોકો સુધી એમની વિશિષ્ટ શૈલીમાં હળવા શબ્દોમાં વીંટળાયેલ ભારે વાતો પહોંચતી રહે છે. મારી પુસ્તિકા “ચબરખી” ને આશીર્વાદ અને શુભકામનાઓ આપતા એમણે કહ્યું કે અનુભૂતિ પછીની અભિવ્યક્તિ જ કલમને તાકતવર બનાવે છે. 

એમની લાગણીઓમાં ભીંજાયા બાદ જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે આનંદ અને પ્રસન્નતાથી સભાર હ્રદય હતું. ઈશ્વરની કૃપા જેમના પર હોય એમને મળીએ ત્યારે આપણે પણ કૃપાવાંછટ પામતા હોઈએ છીએ એ અનુભૂતિને મેં મારી સ્મરણમંજૂષામાં સાચવી લીધી છે.

-પ્રણવ ત્રિવેદી  
      

Comments

Tejal said…
આવા વિરલ વ્યક્તિત્વ ને મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સર. જીવનભર નું સંભારણું 🙏
Tejal said…
આવા વિરલ વ્યક્તિત્વ ને મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સર જીવનભર નું સંભારણું 🙏