ધરાતલનો સાચુકલો માણસ : પદ્મશ્રી ડો પ્રવીણ દરજીસાહેબ
ધરાતલનો સાચુકલો માણસ : પદ્મશ્રી ડો પ્રવીણ દરજીસાહેબ
જ્યારથી એમના લેખો વાંચવાનું શરૂ કર્યું હતું ત્યારથી એમની પ્રવાહી શૈલી અને પ્રકૃતિનિષ્ઠા ઉપર ઓળઘોળ થયો છુ. મનમાં એમને મળવાની ઇચ્છા સતત ટકોરા માર્યા કરતી હતી. લગભગ જુલાઈ 2016 દરમિયાન મારા પુસ્તકની કાચી પ્રત તૈયાર થઈ ત્યારે પ્રકાશન પૂર્વે એમનો અભિપ્રાય અને આશીર્વાદ મળે એવી ઝંખનાથી પ્રેરાઈ એમને એક નકલ મોકલી. પણ એમનો જવાબ ટપાલખાતાએ મારા સુધી પહોચાડ્યો જ નહી. બીજી તરફ મારા માતા-પિતાની નાદુરસ્ત તબિયત અને અંતિમ પ્રયાણના કારણે હું સમય મેળવી શક્યો નહી. છેક જાન્યુયારી 2019 માં પુ. મોરારીબાપુના વરદ હસ્તે પુસ્તક વિમોચીત થયા બાદ તરત જ એક હેમંતી સવારે*(આ શબ્દ પણ એમની કલમનું જ બાળક!) અમદાવાદથી લુણાવાડાના રસ્તે સપત્ની નીકળી પડ્યો. એક પ્રશ્ન મનમાં ઘોળાયા કરે કે એમને કેવું લાગશે આ રીતે અચાનક એમના ઘરે જઇયે તો? કોઈ પરિચય નહી, કોઈ ઓળખાણ નહી અને કોઈ સંદર્ભ પણ નહી. મન વારે વારે કહ્યા કરે કે શબ્દનું સગપણ ને અક્ષરની ઓળખાણ તો છે જ ને? અને જેમના પ્રત્યે આદરની લાગણી હોય તેમણે ત્યાં જવામાં સંકોચ શાને એવું ખુદને સમજાવતો રહ્યો.
શ્વેત શુભ્ર રંગે સજ્જ અને ચિત્તને પ્રસન્નતાથી ભરી દે એવા એમના નિવાસે પહોચતા જ એમના નિર્મળ, સાલસ, માયાળું વ્યક્તિત્વએ અમારા સંકોચને ઓગાળી દીધો. ઘણા વરસો પછી સાસરેથી પિતૃગૃહે આવેલી પુત્રીના જે ભાવો હોય એવા જ ભાવવિશ્વથી મન હળવાશ અનુભવતું રહ્યું અને એ સાક્ષર દંપતીના પ્રેમાળ આતિથ્યમાં અમે બંને ભીંજાતા રહ્યા. કમરાની દીવાલ પર દેશના રાષ્ટ્રપતિની સહી વાળું પદ્મ પુરસ્કારનું પ્રમાણપત્ર હતું પણ એનો કોઈ જ ભાર શ્રી દરજીસાહેબના ચહેરા, વાણી કે વર્તનમાં ન હતો. અમારી વાતોની યાત્રા વર્તમાન અર્થવ્યવસ્થાથી લઈ બેંકોની પરિસ્થિતી સુધી પણ વિસ્તરતી રહી અને વચ્ચે પ્રાધ્યાપક તરીકેની એમની યાત્રાના પાવન મુકામો પણ આવતા રહ્યા. હાલમાં તેઓ રહે છે એ મકાન એમના પૂર્વમાલિકે તદ્દન નજીવી રકમે એમને આપી દીધું અને પછી એ રકમ પણ કૃષ્ણ ચરણે ધરી દીધી એ વાત થઈ ત્યારે એક સજ્જન વ્યક્તિ પ્રત્યે બતાવાયેલ સૌજન્ય માટે કર્મની થીયરીમાં શ્રધ્ધા વધી ગઈ. રાષ્ટ્રીય રાજકારણથી લઈ સાહિત્ય ક્ષેત્રના રાજકારણ સુધીની વાતો મીઠીમાધુરી ચાની લહેજત સાથે ચાલતી રહી. પોતાના માતુશ્રીની વાત કરતી વેળા એમના ચહેરાને મે વાંચ્યો ત્યારે જીંદગીના પંચોતેરમાં વર્ષે પણ માતાની ગેરહાજરી અંગે પીડાની એક લકીર ઝબકતી જોઈ. એ ક્ષણે અમારી સમાંતર સ્તરે વહેતી સંવેદના મારી આંખોને પણ સજલ બનાવી ગઈ.
લગભગ દોઢેક કલાક અમે ”વાગીષા“ નામના એમના નિવાસે વિતાવ્યો જ્યાંથી સવાસો જેટલા પુસ્તકો દ્વારા શ્રી દરજીસાહેબનો વિચારવૈભવ અને કલમવૈભવ લાખો ભાવકો સુધી પહોંચ્યો છે. મારી અર્ધી સદીની જીવનયાત્રામાં અનેક વ્યક્તિઓના સંપર્કમાં હું આવ્યો છુ પણ નખશિખ સજ્જન, ઈશ્વરને પ્રકૃતિ સ્વરૂપે આરાધી દ્રશ્ય જગતના કણકણમાં વ્યાપ્ત સ્પંદનો અને સંવેદનોના મરમી, ઉપાસક અને સાધક એવા શ્રી દરજીસાહેબ જેવા વ્યક્તિત્વ જૂજ જોવા મળ્યા છે.
સ્મરણ મજૂષામાં સચવાયેલા એક અમર દિવસ માટે સાદર વંદન અને આભાર દરજી સાહેબ....
-પ્રણવ ત્રિવેદી
Comments