સ્મરણ યાત્રા.
વર્ષ ૧૯૮૫નો ફેબ્રુઆરી મહિનો. જીવનયાત્રાનો ઓગણીસમો મુકામ હજુ હમણાં જ વટાવ્યો હતો. ચારેક વર્ષ પહેલા જ હસતા-રમતા સહોદરની કાળજું કંપાવનારી વિદાય જોઈ હતી જેની પીડા હજુ પડઘાતી હતી સંવેદન વિશ્વમાં. વળી કોલેજમાં સહાધ્યાયીનીઓના સ્મિતનો મર્મ પણ હજુ ઉકેલવાનો બાકી હતો. ત્યાં જ ટચલી આંગળી પર નોકરીનો ગોવર્ધન ઊંચકવાની ઘડી આવી ગઈ. તદન બેફિકરાઈથી આપેલી પરિક્ષામાં ઉત્તીર્ણ થઈ સાવ જ હળવાશથી આપેલા ઇન્ટરવ્યુ પછી સિન્ડિકેટ બેન્કની નોકરીનો નિમણૂકપત્ર મળી ગયો. મોરબી મુકામે હાજર થવાનો આદેશ મળ્યો. મોરબીનું નામ માત્ર છએક વર્ષ પહેલા સર્જાયેલી હોનારતને કારણે સ્મૃતિમાં હતું જ. ભાવનગરથી બહાર ક્યારેય જવાનું બન્યું જ ન હતું. સાસરે જનારી કન્યા જેવી એ મનોદશા હજુ આજે પણ સ્મરણપટ પર સચવાયેલી છે.
વીસમી ફેબ્રુઆરીએ પિતાજીની સાથે મોરબી નામના શાપિત જેવા દેખાતા એ ધૂળીયા શહેરમાં પગ મુક્યો.પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાની વ્યવસ્થા મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં થઈ શકી અને નોકરીનું સ્થળ ગામના બીજા છેડે જૂના બસ સ્ટેન્ડ પાસે. પહેલા જ દિવસે જે રૂમમાં રહેવાનુ હતું એની સફાઈ માટે સાવરણીની તેમજ પીવાના પાણી માટે માટલું ખરીદવાનું જરૂરી બન્યું. જૂના બસ સ્ટેન્ડ પાસેથી સાવરણી અને માટલું ખરીદી, ટાવર દરવાજા, ગ્રીન ચોક, ચાંદી બજાર થઈને આખું ગામ વીંધીને રૂમ પર ચાલતા ચાલતા પહોંચવાનું હતું. મનમાં સંકોચ હતો કારણકે નવી નવી નોકરીનો મારો સ્વયં સર્જિત રુઆબ હાથમાં સાવરણી અને માટલું લઈને સરેઆમ ઊભી બજારે ચાલવાની મને ના પાડતો હતો. બેન્કેથી રોજ પાંચ વાગે નીકળી જનારો હું એ દિવસે અંધારું થવાની રાહ જોતો રહ્યો. દિવસ આથમ્યા પછી એક હાથમાં સાવરણી અને એક હાથમાં માટલું લઈ ચાલવાનું શરૂ કર્યું. નજર સતત ફરતી રહેતી કે કોઈ ઉપહાસભરી નજરે જોઈ તો નથી રહ્યું ને? રહેઠાણ પર પહોંચતા સુધીમાં જે જીવન શિક્ષણ પ્રાપ્ત થયું તે આજે પણ મારા વ્યક્તિત્વનો હિસ્સો બની રહ્યું છે. એ દિવસે મને સમજાયું કે આપણે એવુ માનીએ છીએ કે લોકો મને જોઈ રહ્યા છે પણ વાસ્તવમાં કોઈને આપણી સામે જોવાની ફુરસદ નથી હોતી. બીજો પાઠ એ શીખ્યો કે સાવરણી કે માટલું ઘરે લઈ આવવાનું જે કામ મારી માતા કે બહેન નિસંકોચ રીતે કરે છે એ મારા માટે કઈ રીતે સંકોચજનક હોઈ જ શકે? સ્વ-ભ્રમ-નિરસન એ પુખ્તતા પામવાનું પ્રથમ ચરણ હોવું જોઈએ.
પિતાજીએ એમના એક દિવસના મોરબીના રોકાણ દરમિયાન ત્યાની સર્વોદય શાળાના પુસ્તકાલયનું સભ્યપદ અપાવી મને સલાહ આપેલી કે નવરાશનો સમય વાંચીને પસાર કરવો. અને એ સહારે શરૂ થઈ મારી હોમ-સિકનેસ સાથેની લડાઈ.રેલવેની નોકરીમાથી નિવૃત્ત થયેલા શ્રી વિજયભાઇ જોષી તે પુસ્તકાલયમાં લાઇબ્રેરીયન તરીકે સેવા આપતા હતા. થોડા દિવસોમાં મારી રોજની મુલાકાતથી એમણે પૂછપરછ કરી અને પછી એમના પુત્રવત સ્નેહનો લાભ પણ મને મળ્યો. આજે જે કઈં વાચન-લેખન પ્રત્યેની મારી રુચિ છે એનો શ્રેય પિતાશ્રીની સલાહને અને એ પુસ્તકાલયને આપું છું. એક જ વર્ષમાં એ જમાનાના સિધ્ધહસ્ત લેખકો સર્વ શ્રી ર વ દેસાઇ, સારંગ બારોટ, વી સ ખાંડેકર, પન્નાલાલ પટેલ, ગુલાબદાસ બ્રોકર, ગૌતમ શર્મા, ગુણવંતલાલ ઉપાધ્યાય, હરીલાલ ઉપાધ્યાય વગેરેની તમામ નવલકથા વંચાઈ ગઈ. સર્વશ્રી વાડીલાલ ડગલી, ગુણવંત શાહ, સુરેશ જોષી, અનિલ જોષી, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ વગેરેના નિબંધ વિશ્વની લટાર યાદ આવે છે તો આજે પણ ઉર્જાની એક લહેરખી અસ્તિત્વમાથી પસાર થતી અનુભવું છું. સશક્ત શબ્દ તમારા અસ્તિત્વને ચૂર ચૂર કરીને ફરી પુન: તમારુ નવું સ્વરૂપ ઘડી કાઢે છે. અને આ સાહિત્ય સંગતે મારા સ્વ ની સર્જન વિસર્જનની પ્રક્રિયા એટલી નજાકતથી પૂરી કરી કે મારા આંતરતત્વનું પરીવર્તન હું સુપેરે અનુભવી પણ શક્યો અને સમજી કે સ્વીકારી પણ શક્યો.
તા. 20 નવેમ્બર 1985ના રોજ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રનો નિમણૂક પત્ર આવતા જ મોરબીને આવજો કહેવાનું બન્યું ત્યારે મારા મોરબી નિવાસને નવ માસ પૂર્ણ થયા હતા. આ નવ માસ ને હું મારા વ્યક્તિત્વની ગર્ભાવસ્થા માનું છું. વાંચન, મનન અને સ્વ સાથેના સતત સંવાદથી મારુ જે પોત ઘડાયું એણે મારી એ પછીની જિંદગીને નવી દશા અને દિશા આપી. આજે લગભગ પાંત્રીસ વર્ષ બાદ એ દિવસોને યાદ કરું છું ત્યારે એવું લાગે છે કે મોરબીમાં રહેવાનુ બન્યું એ મારી નિયતિના અદ્રશ્ય લખાણનો, સ્ક્રીપ્ટનો એક એવો હિસ્સો હતો જેણે આંતરીક વિકાસની અને સમજણયાત્રાના માર્ગની આગળની સ્ક્રીપ્ટ નિર્ધારીત કરી.
પ્રણવ ત્રિવેદી
Comments