સિસ્ટમ કે માનસિકતા?





વાતની શરૂઆત મારી એક અંગત વાતથી કરૂં છું તે માટે માફ કરશો. વરસો પહેલાં મારી પાસે સ્કૂટર હતું.સ્કૂટર ફેરવનારા સૌને ખબર હશે કે બ્રેક અને એક્સીલેટર બન્નેમાં એક વાયર હોય છે. એકમાં એ વાયર ખેંચાવાથી બ્રેક લાગે અને એક્સીલેટરમાં વાયર ખેંચાવાથી સ્પીડ વધે.એક શેતાની ક્ષણે મને વિચાર આવ્યો કે આ બન્ને છેડાંની અદ્લાબદલી કરી હોય તો ? તો બ્રેક-પેડલ પર પગ દબાવવાથી સ્પીડ વધે અને એક્સીલેટર વધારવાથી બ્રેક લાગે !! ફ્લેટના પાર્કીંગમાં થોડું ચલાવી જોયું અને એક વહેલી સવારે રસ્તા પર નીકળ્યો. થોડે દૂર સુધી તો વાંધો ન આવ્યો પણ ઓચિંતો એક સાયકલ સવારે રસ્તો ક્રોસ કર્યો. પછીની ક્ષણો વિષે કશું નથી કહેવું!

આ વાત પરથી એક બોધ મળ્યો કે માત્ર સિસ્ટમ બદલવાથી નહી ચાલે પણ એ સિસ્ટમ ચલાવનારની માનસિકતા પણ બદલવી અનિવાર્ય છે. આ વાત અત્યારે એટલે યાદ આવી કે વરસના ૩૬૫ દિવસમાંથી લગભગ ૩૦૦ દિવસ જેમનું કામ બોલવાનું છે તે સઘળાં અત્યારે સાંભળવા બેઠાં છે! એક્સીલેટરનું કામ બ્રેકે સંભાળી લીધું છે. અંહી પેલો બોધ જ લાગુ પડે છે. આ સિસ્ટમ બદલાઇ એ સારી વાત છે પણ સાથે સાથે આ સિસ્ટમના ચાલકોના "માઇન્ડ સેટ" બદલવા જોઇએ. અને એ માનસિકતા બદલવાની તાકાત માત્ર અને માત્ર પુસ્તકોમાં જ છે. પલ્લ્વીબહેન અને ભદ્રાયુભાઇ તથા અન્ય મિત્રો આ ભગિરથ કામ કરી રહ્યા છે. ઇશ્વર તેમનો માર્ગ પ્રશસ્ત કરે..

આગળ વાત કરતા પહેલાં મને સ્પર્શી ગયેલું એક વાક્ય કહું. " લખનારા બધું જાણતા નથી હોતાં અને જાણનારાં બધું લખતાં નથી હોતાં." માટે કોઇ એક કે વધુ પુસ્તકોને અલ્ટિમેટ ન ગણી શકાય.

 

હવે થોડી વાત પુસ્તકો વીષે...

 

ટેલિવિઝન જેવા દ્રશ્ય માધ્યમોના યુગમાં વાંચનની વાત રોજની ૧૦ ટિકડીઓ ખાઇને જીવતા માણસને સુદર્શન ચૂર્ણના ફાયદા સમજાવવા જેવું છે. છતાં એક વાત તો નક્કી જ છે કે જે ક્રાંતિ છપાયેલો શબ્દ લાવી શકે તે લાવવાનું ગજું બીજા કોઇનું નથી. મેં વાંચેલા પુસ્તકોમાંથી અત્યાર સુધીમાં જે પુસ્તકો ઊપયોગી લાગ્યા છે તેમાં શ્રી ધ્રુવ ભટ્ટનુ "તત્વમસિ",શ્રી શિવ ખેરાનું "યુ કેન વીન", જાપાનીઝ ત્તોત્તોચાન, દિકરી વ્હાલનો દરિયો, શ્રી સુરેશ જોશીનુ "ઇતિ મે મતિ", સુશ્રી સુધા મૂર્તિનું "મનની વાત", સ્વ અનિરૂધ્ધ બ્રહ્મભટ્ટનું "વાટે ઘાટે",શ્રી હરિન્દ્ર દવેનું "શબ્દ ભિતર સુધી" સુશ્રી કુંદનિકા કાપડિયાનું "પરમ સમિપે" સ્વામિ આનંદના નિબંધો, શ્રી ગુણવંત શાહનું "અસ્તિત્વનો ઉત્સવ" જેવા પુસ્તકોથી યાદીની શરૂઆત કરી શકાય.

 

(સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રધ્યાપકોના એક રિફ્રેશર બેચને કરેલાં સંબોધનના અંશો)

Comments