બીજ ની યાત્રા ,આપણી યાત્રા

 


બીજ ની યાત્રા ,આપણી યાત્રા 

ક્યાંક નજર સામે પળભરમાં ઘટી ગયેલી કોઈ ઘટના કે ભીડમાં અલપઝલપ નજરે ચડી ગયેલો કોઈ ચહેરો, કે પછી એકાદ ક્ષણમાં ક્યાંક વાંચવા મળેલું નાનકડું વાક્ય વર્ષો પછી પણ ઝબકી જાય છે એ આપણા સૌનો અનુભવ છે આવું જ એક વાક્ય હમણાં આસપાસ ઘૂમરાતું અનુભવાય છે 

"તમને જ્યાં પ્રસ્થાપિત કરવામાં આવે 
ત્યાં પુરી ક્ષમતાથી ઊગી નીકળો.." 

આપણા શાસ્ત્રોમાં કેટલાક બીજ મંત્રોની વાત છે પણ મને તો આ વાક્યમાં જ  એક મહાન બીજમંત્રના દર્શન થાય છે. એક નાનકડું બીજ ધરતીમાં ચપટીક જગ્યામાં કબજો જમાવે ત્યારે અનંત શક્યતાઓ ને પોતાનામાં એકાકાર કરીને વિકાસ સાધનાની શરૂઆત કરે છે અને પછી કોમળ તૃણ સ્વરૂપે, જરૂર પડે તો પથ્થર ફાડીને પણ એ બીજ આકાશની દિશામાં પોતાનો ચેતો વિસ્તાર કરે છે. અહીં એક પંક્તિ સ્ફુરે છે 

ઝાકળ કહો છો એ તો આંસુ હશે ફૂલોનું 
પથ્થર ચીરીને ઉગ્યાનો પસ્તાવો હશે 

એક બીજનું હોવું એ તો એનું બિઈંગ છે. એ બીજ માટીની હુંફમાં લપાય અને અન્નનો દાણો બને કે પછી મોટુ વૃક્ષ બને તે એનું બીકમિંગ છે બીજની આ બીઇંગ(being)થી બીકમિંગ (becoming)ની યાત્રા એટલે વવાયાથી ચવાયા સુધીની યાત્રા .

એક ક્ષણ, માત્ર એક જ ક્ષણ માટે વિચારીએ કોઈક સંબંધની કે કોઈ પ્રવૃત્તિની કે પછી નોકરીની કે વ્યવસાયની શરૂઆતમાં આપણે પણ એવા બીજ સ્વરૂપે હતા કે જે પોતાનામાં અનંત શક્યતાઓ ને સમાવીને પોતાના જીવન કાર્યનો પ્રારંભ કરતું હોય. શું આપણે એ સંબંધમાં કે પ્રવૃત્તિમાં કે નોકરી કે વ્યવસાયમાં પુરી ક્ષમતાથી ઉગી નીકળ્યા છીએ ?

સંપૂર્ણ ક્ષમતા એટલે શું ? વૈશાખી બપોર એટલે સૂરજનું પૂર્ણ ક્ષમતાથી તપવું ...શરદ પૂનમની ચાંદની એટલે ચંદ્રનું પૂર્ણ ક્ષમતાથી ચમકવું ધોધમાર વરસાદ પછીનું મેઘ ધનુષ એટલે વાદળો પૂર્ણ ક્ષમતાથી વરસ્યાનું પ્રમાણપત્ર....ગાંધી એટલે પુરી ક્ષમતાથી જીવેલો સત્યનિષ્ઠાનો સાધક ..મીરા એટલે પુરી ક્ષમતાથી ભક્તિમાં જાતને ઓગાળી નાખનાર પાત્ર અને રાધા એટલે પુરી ક્ષમતાથી ચાહતમાં ઓતપ્રોત થઈ જનાર ધારા !

આપણે નૈસર્ગિક વિશાળતાથી કદાચ એટલા બધા વિમુખ થઈ ગયા કે વૈચારિક વિશાળતા થી વંચિત રહી ગયા છીએ.

આપણામાં પૂરી ક્ષમતાથી જીવનને જાણવાની માણવાની અને સમયની અનંત પગદંડી પર અમિટ પર છાપ છોડી જવાની તાકાત છે જ. સવાલ હોય તો એ માત્ર થોડી તૈયારીનો અને થોડી વિચારશીલતા કેળવવાનો છે અને એ જરા પણ અઘરું નથી 

સૌને કણ થી મણ સુધી ની બીજયાત્રા મુબારક ...!

પ્રણવ ત્રિવેદી

Comments