નેતૃત્વ
કોઈપણ પ્રવૃત્તિ કે સંગઠન પોતાની હેતુપ્રધાનતા ગુમાવી વ્યક્તિપ્રધાન બની જાય ત્યારે તેની પડતીની શરૂઆત થાય છે. આ સમયે તેમાં રહેલા લોકોના "બીઇંગ"ની બદલે "બીકમિંગ"ની બોલબાલા શરૂ થતી જોવા મળે છે. કોઈપણ પ્રવૃત્તિ કે સંગઠ્ઠનના ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ માત્ર લોક સંમતિથી જ ત્યાં પહોંચે તો તે માત્ર નેતા બની શકે નાયક નહીં. મુખ્ય સૂત્રધાર પાસે લોક સંમતિ ઉપરાંત લોકાદર અને લોકપ્રેમ પણ હોવો જોઈએ જે નેતૃત્વ પાસે આ ત્રિફળા ન હોય તે સંસ્થાનું આરોગ્ય હંમેશા ખતરામાં રહે છે તમે જે માંગો છો તે નહીં પણ તમારું જેમાં કલ્યાણ હોય તે તમને અપાવવા માટે તત્પર હોય એ જ સાચું નેતૃત્વ. કોઈ પણ પ્રવૃત્તિ પાસે જો આ ન હોય તો તેનું આયુષ્ય અલ્પજીવી જ રહેવાનું પછી તે કોઈ સંપ્રદાય હોય, સંગઠન હોય, રાજકીય પક્ષ હોય કે મજૂર મહાજન હોય.
એક બીજી વાત પણ ઉડીને આંખે વળગે છે કોઈ પણ પ્રવૃત્તિ કે સંગઠ્ઠનના સૂત્રધારને કે નેતાને સૌ માનવીય મર્યાદાથી મુક્ત માનવા લાગે છે. તે પણ હાડચામનો બનેલો આપણા જેવો માણસ છે, તેને પણ પરિવાર છે (જેને તેની વધારે જરૂર છે) તેને પણ લાગણી અને સંવેદનાઓ અનુભવતું એક હૃદય છે એ વાત તદ્દન વિસરાઈ જાય છે. તેના અંગત જીવનને પણ જાહેર જીવન માનનારો એક વર્ગ તૈયાર થાય છે. કોઈ પણ પ્રવૃત્તિ કે સંગઠનનું નેતૃત્વ લેનારના મનમાં, તેણે ભજવવા પડતા અનેક પાત્રો વચ્ચે લગાતાર યુદ્ધ ચાલતું જ રહે છે. આ યુદ્ધ ગાંધીજીને સફળ રાષ્ટ્રપિતા પણ બનાવી શકે અને નિષ્ફળ પિતા પણ બનાવી શકે. આ યુદ્ધમાંથી પ્રગટતો વિષાદ કાયમી ન બની જાય તે જોવાની જવાબદારી તે પ્રવૃત્તિ કે સંગઠ્ઠનના સૌની સહિયારી જવાબદારી છે.
એક વધુ વાત આ સંદર્ભે ન વિચારીએ તો અધૂરું ગણાય. સોક્રેટીસ હંમેશા કહેતા કે જે પ્રજા જેને લાયક હોય તેવો રાજા તેને મળી જ રહે છે. વિચાર માંગી લે એવી વાત છે. પ્રજા જાગૃત તો રાજા સતર્ક અને રાજા સતર્ક તો રાજ્ય સમૃદ્ધ. માટે કોઈપણ પ્રવૃત્તિ કે સંગઠનની પડતી માટે માત્ર અને માત્ર નેતૃત્વને જ દોષ ન દઈ શકાય પણ તેમાં રહેલા સજજનોની નિષ્ક્રિયતા પણ એટલી જ જવાબદાર ગણાય અને એટલે જ કહેવાય છે ને કે Bad officials are elected by those who don't vote..
Comments
-Dhamecha