હરિ તેરે હોને કી નિશાની મિલી....!
હરિ, તેરે હોને કી નિશાની મિલી.....
ઈશ્વર આપણા માટે હમેશા જિજ્ઞાસા, શ્રધ્ધા કે અંધશ્રધ્ધાનો વિષય રહ્યો છે. ઈશ્વરને તમે કે મેં તો જોયા નથી. આપણે શ્રદ્ધાવાન કે આસ્તિક હોઈએ તો કણકણમાં ઈશ્વરનો વાસ હોવાનું સ્વીકારીએ અને જો તર્કના સહારે નાસ્તિકતાના માર્ગે હોઈએ તો સૃષ્ટિની દરેક ઘટનાને વિજ્ઞાનની જ દેણ સમજીએ છીએ. માટીમાં ફેલાયેલા મુળિયાંથી શરૂ થતી જળયાત્રા વૃક્ષની ટોચે રહેલા પર્ણો સુધી પહોંચે તે વિજ્ઞાનની દ્રષ્ટિએ “કેશાકર્ષણ”ની પ્રક્રિયા છે પણ શ્રધ્ધાની દ્રષ્ટિએ તો એ “કેશવાકર્ષણ”ની ઘટના છે.
ઈશ્વરના અસ્તિત્વ વિશેના આવાં બે અંતિમો વચ્ચે સમાન્ય રીતે આપણે મધ્યમમાર્ગી હોઈએ છીએ પણ વિવિધ મુસાફરી સમયે જે દ્રશ્યો મારી નજરે પડ્યા છે એમાં ઈશ્વરના હોવા વિષેની શ્રધ્ધા બળવત્તર બની છે. આપણી ભાષાના સમૃધ્ધ કવિ શ્રી હરિન્દ્ર દવેએ એક જગ્યાએ લખ્યું છે કે ક્યારેક અચાનક જ ચિત્તમાં પ્રસન્નતાની કોઈ લહેરખી વહેતી અનુભવાય તે ક્ષણ મને સાક્ષાત્કારથી જરાય ઊતરતી લાગતી નથી. આજે એવા કેટલાક દ્રશ્યોની વાત કરવી છે જેણે ચિત્તતંત્રમાં આંદોલનો ઉત્પન્ન કર્યા છે અને મન પ્રદેશે શબ્દો પ્રગટ્યા છે : હરિ તેરે હોને કી નિશાની મિલી....!
એકવાર એક ગરીબ માણસ પોતાની આઠદસ વર્ષની દીકરી સાથે બસમાં ચડે છે. સામાન્ય રીતે ચીંથરેહાલ માણસ સાથે સૌ સહજતાથી તુંકારો કરી લેતા હોય છે. એ જ રીતે બસના કંડક્ટરે છૂટા પૈસા બાબતે તુંકાર, તુચ્છકાર અને અપશબ્દો સાથે બેચાર વાક્યો પેલા માણસને કહ્યા. સમયની થાપાટો ખાઈ ચૂકેલા પેલા માણસે જવાબ ન આપ્યો પણ મેલાંઘેલાં વસ્ત્રો અને ગૂંચવાયેલાં વાળવાળી એની દીકરીથી રહેવાયું નહીં. ધારદાર અને આક્રોશભરી નજરે તેણે કંડકટરને સંભળાવ્યું : ‘તું કડકટર ભલે રયો પણ મારા બાપ હારે માણહ થૈ ને વાત કર.“ આ વાક્યમાં પણ તુંકાર હતો પરંતુ એ તુંકારમાં એક પુત્રીનું પિતૃ સન્માન છલક્તું હતું. આ બોલતી વેળાએ એના ચહેરા પર જે તેજ જોયું એને કૃષ્ણના વિશ્વરૂપ દર્શનથી ઓછું આંકવાની ઇચ્છા નથી. એ સમયે પણ મનમાં પંક્તિઓ ઝણઝણી... હરિ તેરે હોને કી નિશાની મિલી....!
શ્રધ્ધાના દિવાને સંકોરતી આવી જ એક ઘટના અન્ય એક મુસાફરી દરમિયાન બની જ્યારે નાના નાના અંતરિયાળ ગામોમાંથી ટાઢ, તડકો કે વરસાદમાં પણ બાળકોને ભણવા જતાં જોયાં. એક વખત એક નાના ગામે બસ ઊભી રહી ત્યારે બીજા કે ત્રીજા ધોરણોમાં ભણતી ચાર વિદ્યાર્થિનીઓ બસમાં પ્રવેશી. એમાની એક બાળા મારી બાજુની ખાલી જગ્યામાં આવીને બેસી ગઈ. એની સાથે જે વાતો થઈ એનો એક અંશ આ પ્રમાણે છે.
“ક્યાં સુધી ભણવું છે તારે?“
“જીવીએ ત્યાં લગી”
“ભણીને શું બનીશ?”
“પોલીસમાં મોટા સાહેબ..!”
“પછી શું કરીશ?”
“આ જે બસવાળા અમારા જેવી પાસ કઢાવી ભણવા જાતી હોય એવી છોકરીયું હાટું બસ રોકતા નથી ને ઈને સીધા કરવા સે ! ભગવાને ઈને દીકરીયું નઈ દીધી હોય?”
મનમાં એક વિચાર ઝબકી ગયો કે ઇતિહાસની તમામ ક્રાંતિઓના મૂળમાં આવો જ આક્રોશ સમાયો હશે ને? એ બાળકીની આંખોની ચમક જોઈ ફરી પંક્તિઓ ઝણઝણી ... હરિ તેરે હોને કી નિશાની મિલી....!
એકવાર મારી બાજુમાં એક વૃધ્ધ મહિલાએ સ્થાન લીધું. જિંદગીના લગભગ સાતેક દાયકા તો જોઈ ચૂક્યા જ હશે એવું લાગતું હતું. પહેરવેશ પરથી સાવ સાધારણ આર્થિક સ્થિતિના હશે એવું કળી શકાતું હતું. સામાનમાં ભરતકામ કરેલી એક થેલી સિવાય કશું ન હતું. બસ એક જગ્યા પર રોકાઈ ત્યાં એક અર્ધ પાગલ જેવો લાગતો એક માણસ ભીખ માંગવા બસમાં આવ્યો. તેને જોઈને પેલા માજીએ પોતાની મુઠ્ઠીમાં રહેલા કપડાના ટુકડામાથી સાચવેલી દસ-દસની બે નોટ પેલાના હાથમાં પકડાવી અને બોલ્યા પણ ખરા: “આમાથી કાંક ખાવાનું ખાઈ છાયો ગોતીને સૂઈ જાજે હોં” મારાથી રહેવાયું નહીં ને પૂછી લીધું.
“માડી બધા પૈસા દઈ દીધા?“ “દીકરા, એનું ને આપણું મગજ સરખું નથ્ય પણ પેટ તો સરખું જ છે ને? હું તો રોડના પાટીયેથી હાલીને ય પુગી જૈશ પણ આવાને મરવા થોડો દેવાય?”
હરિ તેરે હોને કી નિશાની મિલી....!
-પ્રણવ ત્રિવેદી
Comments