એક અનુવાદ



એક રાત્રે, એક મહિલા હવાઈ અડડા પર
પોતાની ફલાઈટની,
રાહમાં વિતાવી રહી હતી સમય,
સાથમાં હતો થોડોક સામાન
અને ઝાઝો કંટાળો. .
ફેંદયા થોડા પુસ્તકો,
નજીકની ‘બૂક - શોપ’ માંથી .
લીધું એકાદ પુસ્તકને લીઘી થોડી શીંગ . .
ગોતી સારી બેઠક
અને મન પોરવ્યું મનગમતાં વાંચનમાં.

રસભર વાંચન ચાલતું રહ્યું ને એકેક બબ્બે દાણા ખવાતા રહ્યા,
સમય વીતતો રહ્યો . . .
અચાનક જ તેને ખ્યાલ આવ્યો કે
બાજુમાં બેસેલી કોઈક વ્યક્તિ
પણ વચ્ચે પડેલી શીંગમાંથી
એક - બે , એક - બે દાણા
આરોગી રહી છે બિલકુલ સ્વભાવિકપણે . .

ટાળવા અનાવશ્યક કજિયો,
અનદેખ્યું કર્યું તેણે . .
સરતા સમયની સાથે ખૂટતી રહી શીંગ ,
ગુસ્સો તો ઘણો આવ્યો
પેલા શીંગ - ચોર પર
કે ખેંચી લઉં બત્રીસી આ બેશરમની
અને ફોડી નાખું આંખ,
પણ કીધું મનને કે જહેર સ્થળે
થોડો તો તું સંયમ રાખ !

સમય જતા વધ્યા માત્ર બે જ દાણા . . .
નાલાયકી તો જુઓ પેલા અજાણ્યા માણસની . .
હળવા હાસ્ય સાથે બે પૈકી એક દાણો
હથેળીમાં રાખી લંબાવ્યો હાથ ને બીજો દાણો
મૂકયો પોતાના મોંમા !

"કેવો જડ છે આ માણસ જે આટલી શીંગ ખાઈ
લીધા પછી પણ
આભારની લાગણી પણ
પ્રગટ કરી શકતો નથી .”
અચાનક જ પોતાના વિમાનની
સંભળાઈ જાહેરાત
પુસ્તક કરી બંઘ તે દૌડી . . .
‘હાશ છૂટ્યા ’ ની લાગણી સાથે . .

એક નજર પણ પાછળ નાખવાની ન્હોતી ઈચ્છા
પેલા શીંગ - ચોર તરફ . .

થાક , કંટાળો અને દબાવી રાખેલા ગુસ્સાથી
ત્રસ્ત તે ફસડાઈ પડી પોતાની બેઠક પર.
વિમાન થયું તૈયાર ઊડવા માટે,
ગોઠવી તેણે પોતાનો સામાન,
તૈયારી કરી અધૂરું વાંચન આગળ ધપાવવાની,

"આ શું ? મેં ખરીદી શીંગ તો પડી છે
અકબંધ મારા પર્સમાં ''
આંખો તેની ફાટી ગઈ આશ્ચર્યથી .
‘તો શું મેં જે ખાઘી તે શીંગ
પેલા માણસની હતી ? '
એ માણસની જેને મનોમન જાતજાતનાં
વિશેષણોથી નવાજ્યો હતો.
જે તમામ ખરેખર તો
પોતાને લાગું પડતાં હતાં .

અફસોસ , હવે સમય નથી માફીયે માંગવાનો
કારણ કે
વિમાન રન - વે પર દોડી રહ્યું હતું . . . .

( મૂળ અંગ્રેજી કાવ્યનો ગુજરાતી અનુવાદ ) .

________________________________________________

આવો , એક ક્ષણ માટે વિચારીએ કે આપણે બીજા માટે વાપરેલા શબ્દોમાંથી કેટલા આપણને લાગુ પડે છે.

કદાચ શબ્દોના સદ્ઉપયોગનો કોઈ રાજમાર્ગ મળી આવે . .

ગ્રીન લીફ (પ્રણવ ત્રિવેદી)

Comments

Krtrivedi said…
Nice one
PRANAV said…
Nice
PRANAV said…
Nice
Anonymous said…
Nice