પાંત્રીસ વર્ષ પહેલાનો વાર્તા લેખન પ્રયોગ
નથુકાકા- એક ન જાહેર કરાયેલા મહાપુરુષ
તમે અમારા ખોબા જેવડાં ગામની નાની બજારમાં નીકળો અને “..એમાં ના નહીં...“ એવો અમારા નથુકાકાનો લહેકો સાંભળો નહિ તો બધુ નકામું ! આ ગામનો એક વર્ગ નિશ્ચિતપણે એવું માણતો કે આ ગામમાં આવનાર દરેકે એકવાર નથુકાકાને તો મળવું જ જોઇએ.
ગામના નાના મોટા સૌને એ ઓળખે. માથા પર અને સૂતરફેણી જેવી ભરાવદાર મૂછોમાં ધોળા વાળ જોઈ કોઈ પણ વ્યક્તિ નથુકાકાની ઉમર સાઠેક વર્ષની આંકે જ પણ સાચો આંકડો તો એને ખબર નહીં. એક વખત કોઇકે પૂછેલું પણ ખરું કે હેં નથુકાકા, તકમે કેટલી દિવાળી જોઈ? “દિવાળી કેટલી જોઈ ઇ તો યાદ નથ્ય પણ બેહતા વરહના દાડે પગે લાગવાનો એક પૈસો ગામના મુખી અમને આલતા ઇ વેળાથી દિવાળી જોતો આવ્યો છું..એમાં ના નહીં ! “ જો વાકયના અંતે “..એમાં ના નહીં...“ એવું લહેકાદાર પૂર્ણવિરામ આવે નહીં તો એ વાક્ય નથુકાકાનું નહીં.
આમ નથુકાકા ભલા આદમી. વ્યસનનું મુદ્દલ નામ નહીં. ગામ ના દરેક સામૂહિક કાર્યક્રમોમાં એમની હાજરી અનિવાર્ય. કોઈ કામની ના નહીં પાડવાની. વ્યવસાયમાં એક બળદ જોડેલા એક્કામાં નાનામોટા માલસામાનની હેરાફેરી કરવાની. પાછા કુટુંબમાં સાવ એકલા. લગનના બીજા જ દિવસે પત્ની ઓચિંતી જ પરલોક સીધાવી ગઈ. અત્યારે તો એમનું સ્વજન એક જ ..ખખડી ગયેલું એક્કા ગાડું અને એક બળદ. એકલતાની ભારોભાર પીડા તમે એની આંખોમાં જોઈ શકો. પણ સ્વભાવના પહેલેથી જ આનંદી એટલે પીડા ઢંકાયેલી રહે. ગામના છેવાડે નથુકાકાનું ઘર પણ ત્યાં તો રાત્રે ખાલી સુવા જ જવાનું. દિવસ દરમિયાન તો તેમની હાજરી નાની બજારમાં ભગત શેરીના નાકે જ હોય. નથુકાકાની જાતપાત વિષે પૂછવાનું ક્યારેય કોઈને સૂઝયું જ ન હતું ને એની કદાચ જરૂર પણ ના હતી. કારણકે નથુકાકાની જરૂર ગામના દરેક વર્ગ ને પડતી.
એક વખત મુસાભાઈની અનાજ દળવાની ઘંટીમાં મુસાભાઈના નાના છોકરાનો હાથ આવી ગયો. ગભરાઈ ગયેલા મુસાભાઈ નજીકના શહેરમાં આવેલી સરકારી ઇસ્પિતાલમાં છોકરાને લઈ જવા માટે દોડાદોડી કરતાં હતા. ગામનું એકમાત્ર વાહન એટ્લે ભીમા રબારીનો ટેમ્પો. પણ આજે એ ય દૂધની ફેરીમાં ગયો હતો. નથુકાકા એ સમયે ભાંકાની લારી એ ચા પીતા હતા. ખબર પડતાં જ ચાની રકાબી ફેંકીને એક્કો દોડાવ્યો મુસાભાઈની ઘંટીએ અને તેના દીકરાને લઈ તાબડતોબ શહેરમાં પંહોચાડ્યો. મુસાભાઈએ સજલ આંખે દસ રૂપિયાની નોટ આપી તો નથુકાકાએ આ પૈસા દવામાં વાપરવાની ભલામણ કરી પૈસાને હાથ જ ન અડાડ્યો. ને કીધુય ખરું કે “મુસાભાઈ, માનવતાના કામમાં પૈસા લઈ મારે ધોળાંમાં ધૂળ નથી નાખવી.હા, કોક ડી તમારો માલ લઈ જઈશ ત્યારે થાતાં હશે ઇ પૂરા પૈસા લઈ લઇશ એમાં ના નહીં.”
નથુકાકાનો આવો મીઠો અનુભવ ઘણાને થયેલો. કીને ત્યાં મરણ થયું હોય, કોઈ અચાનક બીમાર પડ્યું હોય, કોઈને ત્યાં સારો માઠો પ્રસંગ હોય કે કથા વાર્તા જેવો ધાર્મિક પ્રસંગ હોય, નથુકાકાની માનદ સેવા મળવાની જ . વળી કોઈ બદલાની આશા કોઇની પાસેથી નહીં રાખવાની. કદાચ કોઇની વાત કે વર્તન એમને ન ગમે તો એટલું જ બાબડે : “ઉપરવાળોય ક્યારેક ભૂલ કરી બેહે છે એમાં ના નહીં.“
આવા અમારા નથુકાકામાં એક જ અવગુણ. એને માથાના વાળ ઓળવાની ભારોભાર આળસ. એમના વાળને છેલ્લે કાંસકાનો સ્પર્શ ક્યારે થયો હશે એ વિષે ટીખળીઓ શરત પણ લગાવતા. ચાર ચ્હા મહિને ગામના હરતા ફરતા હેર કટીંગ સલૂન જેવા હકા હજામને રસ્તાની કોરે બેસાડી વાળ કતરાવી લે પણ વ્યવસ્થિત રીતે ઓળવાની તો જાણે બાધા જ ! રોજ સાંજે સંધ્યા ટાણે પોલીસ લાઇનની પાછળ રામજીમંદિરે આરતીમાં હાજરી આપવી એ નથુકાકાનો વણલખ્યો નિયમ. આરતી પૂરી થતાં જ બધા ને ‘જે નારાયણ ‘ કહી પૂજારી ગીરીબાપુના પગમાં પાડવામાં નથુકાકાને જીવનઈ ધન્યતા લાગતી.
એક સવારે જંગલેથી પાછા વળતાં મીઠા પટેલની નજર ખીમચંદ વાણીયાણી દુકાનના પાટીયે પડી. જોયું તો નથુકાકા શરીર લંબાવી સૂતા હતા. બાજુમાં તેનો એકમાત્ર સ્વજન સામો બળદ આંખો બંધ રાખી ઊભો હતો. પટેલે નજીક જય જોયું તો વિખરાયેલા વાળ અને ગુચ્છાદાર સફેદ મૂછો વાળા નથુકાકાનું શરીર અચેતન હતું. ગામમાં વાત ફેલાઈ ગઈ. તે દિવસે ગામમાં ન તો એકેય દુકાન ખૂલી કે ન સવારની આરતી ટાણે રામજી મંદિરમાં ઝાલર વાગી. બપોરે નીકળેલી નથુકાકાની અંતિમયાત્રામાં ગામના મુખીથી માંડી મકના મોચી સુધીના તમામ લોકોની હાજરી હતી. એ દિવસે માત્ર વાતાવરણમાં જ નહીં પણ સૌના મનમાં પણ એક જવાક્ય ઘૂમરાતું હતું કે નથુકાકા એ જેમ જીવી જાણ્યું એમ મરી પણ જાણ્યું.
લેખન: પ્રણવ ત્રિવેદી
Comments