માનવ શરીર :અનંત શક્યતાઓનો ભંડાર



મારા દાદીમા ભણ્યા હતા ઓછું પણ વિશાળ વાંચનના કારણે એમના વિચારો હમેશા ચિંતન પ્રેરિત હતા. એક વખત એમણે એવું કહેલું કે વૈજ્ઞાનિકોએ બનાવેલું કોઈ પણ યંત્ર જે સિધ્ધાંત પર કામ કરતું હોય એ સિદ્ધાંત કોઈ ને કોઈ રીતે માનવ શરીરમાં સ્થાપિત થયેલો હોય છે જ. એ વાક્ય પર હું વરસોથી વિચાર કરતો રહ્યો છુ. વાહન હોય કે કોમ્પ્યુટર, કારખાનાના યંત્રો હોય કે યુધ્ધમાં વપરાતા શસ્ત્રો હોય દરેક જગ્યા એ આ વાત મને અત્યાર સુધી સાચી લાગી છે. અત્યારે જે નેનો ટેક્નોલૉજી પર દુનિયા આગળ વધી રહી છે એની પણ માનવ મગજના અતિ સૂક્ષ્મ કોષો સાથે સરખામણી થઈ શકે છે. વાહનોના પૈડાં અને આપણાં પગ, કેમેરા અને આપણી આંખો, કોમ્પ્યુટર કે મોબાઈલ અને આપણું મગજ, યાંત્રિક સેન્સર્સ અને આપણી ત્વચા આવા તો અનેક ઉદાહરણો આપણી નજર સામે જ છે. સંદેશાવ્યવહારના કોઈ પણ સાધનો આપણા શરીરના આંતરીક સંદેશા વ્યવહારનું વિસ્તરણ માત્ર તો છે. પગમાં કાંટો વાગે ને તુરત જ મગજમાં સંદેશો પહોંચે અને તરત જ હાથ ત્યાં પહોંચી, આંગળીઓ દ્વારા એ કાંટાને ખેંચી લે એ એક જ પળમાં સંદેશાઓની આપલે કેટલી ઝડપે થઈ એ સમજ બહારનો વિષય છે. અત્યાર સુધી આપણે માનતા આવ્યા છીએ કે આ આંતરિક પ્રત્યાયન શરીરની અંદર રહેલું ચેતાતંત્ર કરે છે. વૈશ્વિક શરીરવિજ્ઞાન પણ આ બાબતને અનુમોદન આપી રહ્યું છે. 

હમણાં ઇન્ટરનેટ પર ખાંખાખોળા દરમિયાન આ બાબતે નવી જ જાણકારી આપતો એક લેખ નજરે ચડ્યો. પ્રાથમિક કક્ષા સુધી જ પંહોચેલા એ નવા સંશોધન મુજબ શરીરના અંગો વચ્ચેનો સંદેશા વ્યવહાર શરીર બહારથી થાય છે. આ સંશોધન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોની ધારણા પ્રમાણે આપણા શરીરની બહાર સતત એક વાયરલેસ નેટવર્ક અસ્તિત્વમાં હોય છે. જેને Body Area Network (BAN) એવું નામ આપવામાં આવ્યું છે. આ નેટવર્ક વિશ્વમાં અત્યારે કામ કરતા કોઈપણ માનવસર્જિત નેટવર્ક કરતાં અનેકગણું ઝડપી છે. શરીરના હલનચલનમાંથી પણ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને આ નેટવર્ક એ જ ઉર્જાના આધારે કામ કરે છે. મોટેભાગે આ નેટવર્કનો ઉપયોગ શરીર દ્વારા સ્વરક્ષણ માટે થતો હોય છે. એવું પણ બને કે દરેક પશુપક્ષી  કે સજીવમાત્રના શરીરમાં આવું નેટવર્ક અસ્તિત્વમાં હોય શકે છે. બાળક જ્યાં સુધી હલનચલન નથી કરતું ત્યાં સુધી આ નેટવર્ક પૂર્ણત: કાર્યરત થતું નથી અને વૃધ્ધાવસ્થામાં શારીરીક હલનચલન ઓછું થતાં આ નેટવર્ક નબળું પડે છે. આંખને કોઈ જોખમ દેખાય કે તરત જ આંખ આ શરીરની બહાર અસ્તિત્વ ધરાવતા નેટવર્ક મારફત એકસાથે શરીરના તમામ અંગોને આ માહિતી આપે છે અને શરીર ભય અનુભવવાની સાથે સાથે જ  સ્વરક્ષણના પ્રયાસો પણ હાથ ધરે છે. અલબત્ત, આ પ્રાથમિક તારણો છે અને ભવિષ્યમાં આ અંગે વધુ તથ્યો બહાર આવી શકે છે. 

કોઈ પણ નવી વાતને નકારવાથી તેમાં છુપાયેલી સંભાવનાઓ નષ્ટ થતી નથી તેમ જ  આપણી સમજશક્તિ પ્રમાણે એને ચકાસવામાં કોઈ નુકસાન નથી. માટે લેખ વાંચતાં જ તેના સમર્થનમા એક વિચાર આવ્યો. એવું પણ બને કે આપણાં યોગઋષિઓએ જેને સૂક્ષ્મ શરીર અથવા આભામંડળ કહ્યું છે એ જ આ નેટવર્ક (BAN) હોય.  કેટલાક ઈશ્વરીય અવતારના કિસ્સાઓમાં એવી વાતો વાંચવા મળે છે કે ભક્તને પંહોચેલી ઇજાની પીડા ભગવાને અનુભવી. જો આ વાત સાચી હોય તો એનું કારણ એ હોઈ શકે કે એ ભક્ત અને એ અવતારપુરુષના નેટવર્ક (BAN) વચ્ચે કોઈ અદ્રશ્ય શૃંખલા (ચેનલ) સર્જાતી હશે. આપણાં સૌનો અનુભવ છે કે કોઈક વ્યક્તિને મળતાવેંત જ આપના મનમાં એમના વિષે નકારાત્મક અથવા હકારાત્મક પ્રતિક્રિયા જન્મે છે એ પણ કદાચ બંનેના અદ્રશ્ય નેટવર્ક વચ્ચેના ટકરાવનું કે સાયુજ્યનું પરિણામ હોઇ શકે. શરીર નામક આ યંત્રને સમજવામાં બુધ્ધિની મર્યાદા આવી જાય એવું બને પણ એક વાત તો નક્કી કે ઈશ્વર સૌથી મોટો વૈજ્ઞાનિક છે અને જગતની કોઈ પણ શોધ કે આવિષ્કાર પર એમના જ હસ્તાક્ષર હોય છે જેમાં આપણા શરીરનો પણ સમાવેશ થઈ જાય છે

-પ્રણવ ત્રિવેદી

Comments