સમગ્ર પ્રકૃતિ ઉર્જાવાન છે. ક્યાંક ઉર્જા દ્રશ્યમાન છે તો ક્યાંક ઉર્જા અદ્રશ્ય છે. પ્રત્યેક સજીવ સતત ઉર્જા પ્રાપ્તિની મથામણમાં વ્યસ્ત રહે છે. માણસની દરેક પ્રવૃત્તિ કાં તો ખોરાકની શોધ માટે હોય છે કાં તો આનંદની શોધ માટે. જે પણ તત્ત્વ વડે જીવન અને ચેતના પોષાતી રહે એ ઉર્જા. એ અર્થમાં ખોરાક અને આનંદ, આ બંને ઉર્જા પ્રાપ્તિના જ સ્ત્રોત છે. ઉર્જા શબ્દ માટે એક સમાનાર્થી શબ્દ ઉષ્મા છે. આદિમાનવે સંસ્કૃતિના યાત્રાના આરંભે કોઈ ક્ષણે સમૂહમાંરહેવાનુ નક્કી કર્યું હશે ત્યારે તેને ઉર્જા એજ ઉષ્મા એવું સત્ય લાધ્યું હશે એમ બને.
ભૌતિક વિજ્ઞાનમાં અનેક ઉર્જા પ્રકારો છે પણ વૈયક્તિક સંદર્ભમાં ઉર્જાના પ્રકારો આ મુજબ હોય શકે. શારીરિક કે ભૌતિક ઉર્જા, માનસિક કે અદ્રશ્ય ઉર્જા, વૈચારિક ઉર્જા, આધ્યાત્મિક ઉર્જા, બૌદ્ધિક ઉર્જા, સામાજીક ઉર્જા વગેરે. આ દરેકનું ઉત્પત્તિ સ્થાન અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિની ઉર્જા જરૂરિયાત પણ અલગ અલગ હોય છે એક અર્થમાં જેમ ચહેરા સૌના અલગ હોય છે એમ ઉર્જા જરૂરિયાત પણ સૌની પોતાની હોય છે. બહુ વિચાર કરતા એવું લાગે કે શોખ એ જે તે વ્યક્તિની ઉર્જા જરૂરિયાત પ્રમાણે જ વિકસતા હશે. અને જાણે અજાણે દરેક સજીવ પોતાની ઉર્જા જરૂરિયાતનું મેનેજમેન્ટ કર્યા કરે છે. થાક, કંટાળો, વિષાદ, ઉદાસી કે નિરાશા એ અંતે તો ઉર્જા મેનેજમેન્ટની નિષ્ફળતા જ ગણાય. અથવા એ ઉર્જા પ્રાપ્તિ અને ઉર્જા જરૂરીયાત વચ્ચે નો તફાવત પણ હોઈ શકે. મનોવિજ્ઞાન આ બાબતનો અભ્યાસ કરી શકે. એ જ રીતે કોઈ રોગ પણ આવાં જ અસંતુલનનું પરિણામ હોય છે. વધુ આગળ વિચારીએ તો શ્રદ્ધા એ ધાર્મિક ઉર્જાનું , ધર્માંચારણમાંથી પ્રાપ્ત ઉર્જાનું સમતોલન છે અને અંધશ્રદ્ધા એ ધાર્મિક ઉર્જા પરનું અસમતોલ અવલંબન માત્ર છે. તણાવ,સ્ટ્રેસ, વિષાદ કે ડિપ્રેશન પણ એવી ઉર્જાની અછત જ છે જે આનંદજન્ય હોય છે.
આ સઘળી વાતોનો અર્થ એ જ કે ઉર્જા મેનેજમેન્ટ સ્વસ્થ અને સભર જીવન માટે શ્વાસ જેટલી જ જરૂરી બાબત છે. કમનસીબે આ બાબત આપણી કેળવણીનો હિસ્સો નથી અને એટલે જ વાતે વાતે થાકી જતાં, હારી જતાં, નિરાશ થઈ જતાં માણસોનો સમૂહ વધતો રહે છે.
પ્રશ્ન એ છે કે વ્યક્તિગત જીવનમાં ઉર્જા મેનેજમેન્ટ એટલે શું? સરળ રીતે એમ કહી શકાય કે ઉર્જાના સ્ત્રોતો ઓળખી તેનું જતન અને મહત્તમ ઉપયોગ તેમજ જ્યાં ઉર્જા વેડફાતી હોય એવાં વિચારો કે પ્રવૃતિઓથી અંતર. પણ આ વાત સાવ સહેલી નથી. આપણે ઉર્જાના અસલી અને નકલી સ્ત્રોત વચ્ચેનો ભેદ પરખવો પડે. સાથે સાથે આપણી ઉર્જા જરૂરીયાતને પણ ચકાસવી પડે. સૌથી મોટી વાત એ છે કે આ બંને જીવનભર બદલાતાં રહે છે. વળી આ બંને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિની પોતાની પ્રાથમિકતા પણ અલગ હોય છે. આધ્યાત્મિક ઉર્જા માટે મથનાર વ્યક્તિ શારીરિક ઉર્જાને અવગણી બેસે તેવાં ઉદાહરણો પણ છે. શોખ માટે એટલે કે માનસિક ઉર્જા માટે શરીરને અવગણનાર લોકો પણ ઘણા છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટીએ ઉર્જા કદી નાશ પામતી નથી પણ માત્ર સ્વરૂપ બદલે છે. વાત ગહન છે પણ સમજવા જેવી છે. કોઈને પર્વતારોહણનો શોખ હોય તો એ પ્રવૃત્તિમાં શરીર ઉર્જા વપરાશે પણ આનંદજન્ય ઉર્જા વધશે. એક અર્થમાં આ ઉર્જાનું રૂપાંતર જ થયું ને?
મહત્વની અને આપણાં કાબુમાં હોય એવી બે જ ચીજ છે. એક એ કે જે વાતચીત, પ્રવૃત્તિ, વિચાર કે ઘટનામાં ઉર્જા વેડફાતી હોય એનાથી દૂર રહેવું અને બીજું, જેમાંથી આનંદ મળતો હોય એ વાત, વિચાર કે પ્રવૃત્તિમાં સાતત્ય કેળવવું. વિશ્વની ઉર્જા બાબતે ચિંતા કરવાની સાથે ઊર્જાના વિશ્વ માટે વિચારવું જ રહ્યું.
Comments