બદલા પદ્ધતિ

 બદલા પદ્ધતિ 

માનવીએ સભ્ય સમાજની રચના કરી એના શરૂઆતના વર્ષોમાં ચલણી નાણું અસ્તિત્વમાં નહોતું આવ્યું. લોકોના રોજ-બરોજના વ્યવહારો બદલા પદ્ધતિથી ચાલતા રહેતાં. જે બાર્ટર સિસ્ટમથી પણ જાણીતી છે એ પ્રથા અસ્તિત્વમાં હતી. સમય જતા માનવીએ ચલણની શોધ કરી વાણિજ્ય જગતમાં ક્રાંતિ કરી. ઘણી વખત વિચાર આવે કે આજે જે સુખ કે સુવિધા આપણે માણી રહ્યા છીએ એમાં જન્મ પાછળ માણસજાતે કેટલી પ્રસવ પીડા વેઠી હશે ?

થોડા આંકડા દબાવી ફટ દઈને પ્રિયજન સાથે સંવાદ,વાતચીત કરી શકાય છે એ એક ઘટનાના મૂળમાં કેટલી વ્યથાઓ અને ચિંતાઓ ખાતર તરીકે ઠલવાઈ હશે ? ક્યારેક પેટ્રોલ પંપ ઉપર એવો પણ વિચાર આવે કે વાહનની ટાંકીમાં ઠલવાતું આ પ્રવાહી કેટલા વર્ષો સુધી જમીનના પેટાળમાં વલોવાયું હશે ? થોડા લાગણીશીલ બની વિચારીએ તો એમ પણ થાય કે એક વાર્તા કે કવિતા, એક ચિત્ર કે કલાકૃતિ કેટલી બધી માનસિક પ્રક્રિયાનો પરિપાક હશે 

પણ વાત આપણે તો કરવી છે બદલા પદ્ધતિની.એક પ્રશ્ન મનમાં ઘૂમરાયા કરે છે.  શું બદલા પદ્ધતિ નાબૂદ થઈ ગઈ છે ? નિરીક્ષણ કરીએ તો એવું લાગે છે કે પ્રકૃતિએ તો તે હજુ ચાલુ રાખી છે. બદલા પદ્ધતિ કુદરતના કણકણમાં વ્યાપ્ત છે. માટી વૃક્ષને પોષે છે તો વૃક્ષ મૂળ વડે માટીનું ધોવાણ અટકાવે છે. હવા પુષ્પોની પરાગરજની વાહક બની ફૂલોને ફળવાનો સંદેશ આપે છે અને પુષ્પો સરસ રૂપ રંગ અને સુગંધ થકી હવાને સૌંદર્ય બક્ષે છે. ડાળીઓ પંખીને માળો બાંધવાના વળાંકો આપે છે તો પક્ષી ટહુકા વડે, ચાલી નહીં શકનારા વૃક્ષોની એકલતા દૂર કરી દે છે ! વૃક્ષ સૂકા પર્ણો ધરતીને આપે છે તો ધરતી એનું એકરસ ખાતર કરી પાછું આપે છે ! દરેક વૃક્ષ ધરતીના ગુરુત્વાકર્ષણ નામના ઘરેણાને ઉંચે સુધી લઈ જઈ આકાશને બતાવે છે અને ઉપહાસ પણ કરે છે કે આવું કઈ છે તારી પાસે ? અને આકાશનો ખાલીપો જોઈ ધરતીનો જીવ બળે અને એમાંથી જ સર્જાય છે વાદળો ! પરસ્પરના સાયુજ્યથી ચાલતી આ પ્રકૃતિ લીલા કશા જ કોલાહલ વગર નિરંતર ચાલ્યા કરે છે અને એ પણ સદીઓ સુધી. આ વિચાર જ માનવીને અહંકાર મુક્ત કરવા માટે પૂરતો છે. વીજળીના થાંભલાને વીંટળાઈને વિકાસ પામેલ લીલીછમ વેલ થાંભલાને પણ વૃક્ષપણાનો અહેસાસ કરાવે છે. એ કદાચ બદલા પદ્ધતિનું ચરમ બિંદુ છે. 

પ્રકૃતિ પોતાની બાર્ટર સિસ્ટમ થકી જ પર્યાવરણ સંતુલન જાળવે છે અને સમતા એ જ યોગ છે એ મહાન ગીતા સંદેશને અમલમાં મૂકે છે. ક્યાંક એક ડાળી તૂટે છે તો ક્યાંક એક નવી કૂંપળ ફૂટે છે. સુકા પર્ણોના ખખડાટ માં કાળના પગલાંની એક અદ્રશ્ય છાપ હોય છે અને સાથે સાથે ધરતી ફાડીને પ્રગટેલા નવાંકુરને આવકાર પણ હોય છે.

અહીં ખરી રહેલા પાન અને પ્રગટી રહેલા નવા નવા અંકુરો વચ્ચે જનરેશન ગેપની ચર્ચા નથી પણ સહજભાવે સર્જાયેલું સમજણ વિશ્વ છે. કણનું મણમાં અને મણનું કણમાં સહજતાથી થતું રૂપાંતર છે. સાથે સાથે આપ્યા વગર લઈશ નહિં અને લીધા વગર આપીશ નહીં એવું વણલખ્યું વ્યાપાર વિશ્વ પણ કુદરત પાસે છે. 

કડવાશ છે પણ ઔષધીય કડવાશ છે અને અભિમાન મુક્ત મીઠાશ પણ છે. સાચે જ, સાંભળી શકીએ તો વન જંગલ અને વગડો પણ બોલે છે. અરે બોલે છે એટલું જ નહીં પણ સૌમ્ય સ્વરે કેટલાય ગીતો ગાય છે. જુઓ ક્યાંક સંભળાય છે.. લેના  હૈ તો કુછ દેના શીખો દુનિયાવાલો ....!

Comments

Tejal said…
👏👏
બદલાય પદ્ધતિનું વ્યાપક દર્શન પહેલીવાર માણ્યું. આંખ સામે દ્રશ્ય આ ભજવાયા કરે પણ મનને વિસ્મય થાય ત્યારે તેમાં રહેલું દર્શન પ્રાપ્તિ બને.
બદલાય પદ્ધતિનું વ્યાપક દર્શન પહેલીવાર માણ્યું. આંખ સામે દ્રશ્ય આ ભજવાયા કરે પણ મનને વિસ્મય થાય ત્યારે તેમાં રહેલું દર્શન પ્રાપ્તિ બને.