સર્જકનું મનોજગત

 સર્જકનું મનોજગત

એક વાત તો સર્વસ્વીકૃત છે કે કોઈ પણ સર્જક કે કલાકાર પોતાની કૃતિના સર્જનની પ્રક્રિયા દરમિયાન ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. કશુંક અવ્યક્ત હોય તેને વ્યક્ત સ્વરૂપ આપવું એ જ તો ઈશ્વરી કૃત્ય કહેવાય ને ? શબ્દ એ સર્જનનું માધ્યમ છે અને શબ્દ જ્યારે તેના કર્તાની નાભીમાંથી બહાર આવે છે ત્યારે બ્રહ્માંડના નાદ સાથે તેનું એક્ય સધાય છે. 

કવિ હંમેશા ઝંખના અને પ્રાપ્તિ વચ્ચે આંદોલિત થતો રહ્યો છે એક એવી ઝંખના જ કદી તૃપ્ત થવાની નથી તેની વેદના કવિના શ્વાસ સાથે વણાઈ જાય છે. કવિને એક એવા નિર્ભેળ સંબંધની ઝંખના હોય છે કે જેમાં લયબધ્ધ સ્પંદનોની સજાવટ હોય, સમાન વૈચારિક કક્ષાએ વિહરતું મૈત્રી જગત હોય અને પારસ્પરિક સમજણની સુમેળભરી સુરાવલીઓ વહેતી હોય .

કોઈ મને સમજે એવી અપેક્ષામાંથી પ્રગટતી વ્યથા અને વ્યાકુળતા પણ ક્યારેક કવિ પાસે કાવ્ય લખાવે છે. તો અપાર ભીડમાંથી ચોરી લીધેલું ચપટીક એકાંત પણ કવિને એટલું જ વહાલું હોય છે. કોઈ કવિતા કાગળ પર શબ્દદેહ ધારણ કરે તે પૂર્વેની કવિની મથામણ મેં જોઈ છે અને અનુભવી પણ છે. જીવનની પ્રત્યેક ઘટનાઓને સંવેદનશીલતાના ત્રાજવે તોલવાની કવિને આદત હોય છે. ધારદાર સંવેદનોને કારણે પ્રગટ થતી પીડા પણ કવિને પોતીકી લાગતી હોય છે. કવિ પોતાના મનનો પ્રદેશે શબરી સ્વરૂપે કોઇની પ્રતિક્ષા કરતો રહે છે. પણ એની ટોપલીમાં બોરના બદલે એણે સાચવી હોય છે થોડી વેદના, થોડી સંવેદના અને થોડાક સ્પંદનો.... અને એમ જ પ્રતીક્ષા પૂર્વક કવિ તાલ મિલાવતો રહે છે વિશ્વના કોઈ અનામ સાજિંદા સાથે ...

પ્રણવ ત્રિવેદી

Comments