ઉત્સવ એટલે થાક ઉતારવા ની ઘડી
ઉત્સવ એટલે થાક ઉતારવા ની ઘડી
માનવ સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી ત્યારથી ઉત્સવ એ સમાજ વ્યવસ્થાનું મહત્વનું અંગ રહ્યા છે. સમગ્ર સમાજ વ્યવસ્થા જ્યારે સંપૂર્ણપણે કૃષિ આધારિત હતી. ત્યારે ખેતીના તનતોડ કામમાંથી નવરા થઇ સૌની સાથે આનંદની પળો વીતાવવાની વૃત્તિમાથી તહેવારોનો જન્મ થયો હશે અને એ માટે સમય પણ એવો પસંદ થયો કે જે તે ભૌગોલિક વિસ્તાર અને ખેતીના સમયપત્રક પ્રમાણે ખેતી આધારિત પ્રજા પાસે કંઈક આવક પણ પહોંચી હોય. એ સમયે તહેવારો આજની જેમ રજાના કેલેન્ડરના કે પ્રવાસ આયોજકોના ઓશિયાળા ન હતા. સૌ સાથે મળીને આનંદ પૂર્વક દિવસો પસાર કરે થોડી ધાર્મિક પ્રવૃત્તિ પણ થાય અને સામાજિક તાણાવાણાના મજબૂત બને એ માટે તહેવારોની ઉજવણીનો વિચાર આવ્યો હશે એ પ્રદાનને પણ ચક્રની શોધ જેટલું જ મહાન ગણાવું જોઈએ. વિશ્વના જે ભાગમાં મોસમ અનિશ્ચિત છે એ પ્રદેશોમાં તહેવારોની ઉજવણી મોસમની અનુકૂળતા પ્રમાણે થઈ ત્યારે આપણા ભૂ-ભાગમાં મોસમ સમઘાત હોવાની કારણે મોસમના બદલાવની પ્રમાણે નહીં પણ ધર્મ સાથે જોડીને તહેવારો ઉજવાતા રહ્યા છે. જોકે ઘણા તહેવારોને ઋતુ સાથે સંબંધ છે જ. જેમકે આપણે શરદ પૂનમ શરદ ઋતુના અનુસંધાને અને વસંત પંચમી વસંત ઋતુ મુજબ ઉજવીએ છીએ અને આ તમામ તહેવારોમાં દિવાળીના તહેવારનો એક વિશેષ પરિવાર ગુચ્છ તરીકે સ્થાન રહ્યું છે.
રાવણ સાથેના યુદ્ધમાં શ્રીરામનો વિજય અને અયોધ્યામાં આગમનની ઘટનાને એ સમયે અયોધ્યાના પ્રજાજનો દ્વારા ઉત્સવ તરીકે ઉજવાયું અને પોતાના પ્રિય રાજાના પુનરાગમન સમયે સૌ પ્રજાજનોએ પોતાના ઘરો પર સુશોભન કર્યા દીપ પ્રગટાવ્યાં અને ઉત્સવ મનાવ્યો. એ પરંપરામાં જ આજે પણ આપણે દિવાળી ઉજવી રહ્યા છીએ. આ થઈ પુરાણોની વાત. આપણા પરંપરાગત તહેવારોમાં દિવાળીનું આગવું મહત્વ છે. પહેલાના સમયમાં ધંધા-રોજગારમાં નવા વર્ષની શરૂઆત દિવાળી સમયે થતી અને વિતેલાં વર્ષમાં કેટલું કમાયા તેનું સરવૈયું માંડવાનો એ તહેવાર હતો. હવે તો આપણે વિક્રમ સંવત અનુસરીએ છીએ. વેપારી વર્ગ પણ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન આ દિવસમાં કરતો હતો પરંતુ હવે બદલાયેલા સમયમાં લેપટોપ અને કમ્પ્યૂટરના જમાનામાં એ પરંપરા પણ ક્ષીણ થતી જાય છે. એક પ્રતીકાત્મક પૂજા સાથે એ રસમ નિભાવી લેવાય છે પણ આજના સમયમાં આપણા માટે દિવાળી છે શું? નોકરિયાતો માટે બે-ચાર રજા લઇ એલટીસી લઈ ફરવા નીકળવાનો સમય, બાળકો માટે શાળાની કેદમાંથી પેરોલ પર છૂટવાનો આનંદ, સામાન્ય આર્થિક હાલતમાં જીવતા માણસો માટે બે છેડા ભેગા કરવાની ચિંતા થોડા દિવસ માટે ભૂલી જવાનો આનંદ, સંતાનો ઘરે આવે તો વૃદ્ધ માતા-પિતા માટે થોડા દિવસોમાં જિંદગીનો કલરવ જીવંત થયાનો આનંદ, વેપારીઓ માટે લોકોના આનંદને ધંધામાં પરિવર્તન કરવાનો આનંદ, શું છે આ દિવાળી? શું છે આ તહેવાર? શા માટે છે આ તહેવાર?
એક સનાતન સત્ય એ છે કે માણસ હંમેશા આનંદની શોધમાં હોય છે. ઓશો કહે છે તેમ આનંદની ઝંખના જ માણસને સક્રિય રાખે છે. જે કાર્ય કે પ્રવૃત્તિ માનવીને આનંદ આપે છે એ જ કામ કે પ્રવૃત્તિમાંથી એને ઊર્જા પણ મળે છે. કોઈને વાહન ચલાવવાનો શોખ હોય તો સેંકડો કિલોમીટર ડ્રાઇવિંગ કર્યા પછી પણ એ થાકશે નહીં. રમતના શોખીનોને કલાકો રમ્યા પછી પણ ઉર્જાનો અનુભવ થાય છે. અહીં આપણા હાસ્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ યાદ આવે છે. એમણે સરસ વાત કરેલી કે બાળક રમતું હોય અને વારંવાર બોલાવો તો પણ એ જમવા માટે નહીં આવે એનું કારણ એ છે કે એ સમયે બાળક માટે ખોરાક એ આનંદ નથી પણ આનંદ એ ખોરાક છે. માણસની બીજી એક ઝંખના છે સમૂહ વચ્ચે રહેવાની. સદીઓથી માણસ એક સામાજીક પ્રાણી તરીકે જ વિકસ્યો છે એટલે સમાજ એની પ્રાથમિક જરૂરત છે. થોડા ઊંડા ઊતરીને વિચારીએ. સમાજમાં રહેવું અને આનંદની પ્રાપ્તિ માટેની મથામણ આ બંને ઝંખનાનો સરવાળો એટલે તહેવારો એવું નથી લાગતું? વહેતા સમયમાં અને રોજિંદી પ્રવૃત્તિઓમાં આ બંને ઝંખનાઓ બાબતે માણસ સતત અધૂરપ અનુભવે છે અને એટલા માટે જ તહેવારોની પરંપરા દ્વારા અધૂરપને દુર કરવા માંગે છે
તહેવારો નિમિત્તે અનેક લોકોને મળીએ અને જિંદગીની તેજ રફતારમાં થોડો વિશ્રામ કરી લઈએ જેથી હવે પછીની સફરમાં રાહ જોઈ રહેલા પડકારો ઝીલવાની ઊર્જા મળે એ જ તો છે તહેવારોનું તાત્પર્ય. બદલાઈ રહેલા સમય સાથે આનંદ પ્રાપ્તિના સાધનો પણ બદલાયા છે. આખું વર્ષ જે મેળાની રાહ જોતા એ મેળા આજે મોલ સ્વરૂપે બારે મહિના હાજરાહજૂર જ. મોબાઇલ અને ટેલિવિઝનને કારણે સમાજ સાથેનું જોડાણ તદ્દન નજીવું થઈ ગયું છે. બચત કે ખર્ચ વિશેના ખ્યાલોની સાથે સાથે વસ્તુઓ માટેની પ્રાથમિકતા પણ બદલાઇ છે. કોઈ વેપારી વર્ગને કે ખેતી આધારિત લોકોને વરસમાં એક વાર કે બે વાર જ પૈસા હાથમાં આવે છે એવું પણ નથી. સમાજના તાણાવાણાનું સ્વરૂપ બદલાયું છે અને માણસ કંઇક અંશે સ્વકેન્દ્રી થયો છે. ઉચ્ચ સમાજ અને નિમ્ન વર્ગો એવા પુરાણા વિભાગોની જગ્યાએ ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ, પછાત વર્ગ, ગરીબ વર્ગ એવાં અનેક પેટા પ્રકારો સાથે સામુહિક વ્યવસ્થા બની છે. સમૂહને બદલે માણસ અજાણી જગ્યાએ કે અજાણ્યા લોકો વચ્ચે જવાનું પસંદ કરતો થયો છે. સુવિધાજનક વાહન વ્યવહારને કારણે નહીં જોયેલા પ્રદેશો જોવા માટે લોકો તત્પર બન્યાં છે. આ સંદર્ભે દિવાળીનો તહેવાર પોતાની ચમક બદલાતી અનુભવે તે સ્વાભાવિક છે. એક સમય હતો જ્યારે અમે દિવાળીમાં મામાના ઘરે કે દાદાના ઘરે કે વતનમાં ગયા હતા એમ કહેવાનો પણ આનંદ હતો અને એ આનંદ બીજી દિવાળી સુધી ચાલતો. જ્યારે હવે અમે દિવાળીની રજામાં યુરોપ, યુએસ, સિંગાપોર કે હોંગકોંગ જેવાં વિવિધ દેશોની સફર જઈએ છીએ એમ કહેવામાં માણસને પોતાના સ્ટેટસનો અનુભવ થાય છે.
મરીઝની ગઝલનો એક શેર છે એ મુજબ “સુખ જ્યાં મળે જ્યારે મળે, બધાના વિચાર દે” એવી વૃત્તિ સમય સાથે નામશેષ થઈ રહી છે. આનંદ ખાતર આનંદ નહીં પણ બીજા કરતાં વધુ આનંદની હરીફાઈવૃત્તિએ એક અલગ પ્રકારની સંવેદનહીનતાને જન્મ આપ્યો છે. મોંઘા ફટાકડાઓના ધડાકાઓમાં દેશના કોઇ ખૂણે ફટાકડાના કારખાનામાં દાઝી રહેલાં હાથોનો માસુમ ચિત્કાર સંભળાતો નથી. સુખને સૌની સાથે વહેંચવાની બદલે એકલા એકલા બધું માણી લેવાની માનસિકતાને ખાળી નહીં શકાય તો એ દિવસ દૂર નથી જ્યારે અરીસા સામે ઊભા રહીને આપણે આપણા પ્રતિબિંબને નવા વર્ષની મુબારકબાદી આપતા હોઈશું અને એ સમયે હવામાં પેલું ગીત વાગતુ હશે “એક વો ભી દિવાલી થી... એક યે ભી દિવાલી હૈ..!”
પ્રણવ ત્રિવેદી
Comments