સાંજનું સ્વરૂપ
માણસ સંસ્કૃતિની પગથારે ચાલતો થયો ત્યારથી ચોવીસ કલાકના ચોકઠાનો ઓશિયાળો બની ગયો. માણસના બે પગ ઘડિયાળના બે કાંટાના ગુલામ બન્યા. માણસ હંમેશા દોડતો થઈ ગયો અને સમયને હંફાવવાના પ્રયત્નોમાં પોતે હાંફતો રહ્યો, પણ આપણે તો વાત કરવી છે આ ચોવીસ કલાકમાંથી સૌથી વધુ વૈવિધ્ય ધરાવતી સાંજ વિશે.
સવાર, બપોર, સાંજ, સંધ્યા, રાત, મધરાત, ઉષાકાળ વગેરેમાંથી સૌથી વધુ વૈવિધ્ય સમૃદ્ધિ જો કોઈની પાસે હોય તો તે છે સાંજ. કવિઓનો પણ માનીતો સમય છે આ સાંજ. ‘અણગમતું આયખું લઈ લો ને નાથ, મને મનગમતી સાંજ એક આપો…’, કે ‘ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા..’ કે ‘જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી…. કે ‘તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ….’
કેટકેટલાં રંગરૂપ છે આ સાંજના. પ્રેમીઓને મેળાપનો આ ઉત્તમ સમય મનાય તો નોકરિયાતો માટે અને પેલા પંખીઓ માટે પણ સાંજ એટલે માળામાં પાછા ફરવાની વેળા. વેપારીઓ માટે ‘ઘરાકીનો સમય’ ! પ્રબુદ્ધો માટે આ ચિંતનનો સમય અને બાળકો માટે બાળપણને સોળે કળાએ ખિલવા દેવાનો સમય ! કદાચ શ્રદ્ધાંજલિ માટે પણ આ સમય શ્રેષ્ઠ ગણાતો હશે તેથી જ તો સાદડી કે બેસણું કે શોકસભા પણ મોટેભાગે સાંજે જ હોય છે !
સાંજ એટલે દિવસનો વન પ્રવેશ ! સવારે સમયસર પોતાની આકાશી ઑફિસમાં હાજર થયેલાં સુરજ માટે પણ દિવસ દરમિયાનની પૃથ્વી પરની ગતિવિધિનો અહેવાલ બનાવવાનો સમય ! સાંજના સમયે કોઈ વૃક્ષને, ધારી ધારીને જોજો. પોતાના અનેક હાથ પ્રસારીને પુરા વડીલભાવથી પંખીઓને આવકારવા ઉત્સુક થયેલું દેખાશે. વાદળોએ વરસાવેલાં આકાશી હેત પછીના સંતૃપ્તિસભર ભાવો પણ સાંજે જ મેઘધનુષ થઈને પ્રગટતા હોય છે.
સાંજ સોહામણી લાગે છે કે ગમગીન, ઉદાસ લાગે કે રંગીન તેનો આધાર પુરો દિવસ કેવી રીતે વિત્યો છે તેના પર છે. કદાચ નયનરમ્ય સંધ્યા પણ પશ્ચિમાકાશે ત્યારે જ પ્રગટતી હશે જ્યારે સૂર્યનો આખો દિવસ સુખાનુભૂતિમાં વિત્યો હોય ! આ જ વાત આપણને પણ એટલી જ લાગુ પડે છે. આખોયે દિવસ પ્રસન્નતાપૂર્વક જીવવાના સફળ પ્રયત્નો જ સાંજને માણવાલાયક બનાવશે. વનપ્રવેશની સાંજ સમી વેળાએ જીંદગીને મબલખમાણી હશે તો જ જીવન-સંધ્યા વળગણવિહોણા કેસરી રંગથી સલુણી થઈને મહોરી ઉઠશે.
સૌને સ્વસ્થ સવાર અને સંતૃપ્ત સાંજ માટે અઢળક શુભકામનાઓ….
Comments