મળવા જેવા માણસ
મળવા જેવા માણસ : શ્રી ભગવાનજીભાઇ જેસલપૂરા
ગુજરાતની મધ્યમાં આવેલાં વિરમગામ તાલુકાનું વડગાસ ગામ.ભારતના અનેક ગામડાં જેવું જ. જાતિ વૈવિધ્ય,થોડી દુકાનો, વરસાદ આધારિત ખેતી સામાન્ય અને ભોળા ગ્રામજનો, નાના પ્રશ્નો અને સમાધાનની પંચાયત વ્યવસ્થા બધું જ અન્ય ગામડાંઓ જેવું જ.
વડગાસમાં ૧૯૫૩માં એક સામાન્ય પરિવારમાં જન્મ લઈ જીવનની અનેક ચડતી પડતી જોઈ ચુકેલા શ્રી ભગવાનજીભાઈએ સમગ્ર કારકિર્દી દરમિયાન વિવિધ પ્રાથમિક શાળાઓમાં આચાર્યપદ શોભાવ્યું છે. જુની એસએસસીની પરિક્ષા પછી પિતાની છત્રછાયાની ગેરહાજરીમાં સીએન વિદ્યાલય, અમદાવાદમાં પીટીસીનો અભ્યાસક્રમ કરનાર શ્રી ભગવાનજીભાઇએ જીવણગઢ નામના નાનકડાં ગામની પ્રાથમિક શાળામાં કારકિર્દીના પ્રારંભે લગભગ પંદર વર્ષ સુધી આચાર્ય પદે કાર્ય કર્યું. આજે જ્યારે શિક્ષણજગતમાં પ્રવેશી ગયેલાં વ્યાપારીકરણ વચ્ચે આચાર્ય 'લાચાર્ય' સાબિત થઈ રહ્યા છે ત્યારે નિષ્ઠા અને સંકલ્પના બળે 'શિક્ષક કભી સામાન્ય નહી હોતા ' એ વિધાનને ચરિતાર્થ કરનાર શ્રી ભગવાનજીભાઇ ગાંધી મુલ્યોમાં અપ્રતિમ શ્રધ્ધા ધરાવે છે. એ પછી બીજા નાના ગામ નાની મજેઠીમાં દસ વર્ષ અને ૧૯૯૮થી પોતાની જન્મભુમિ વડગાસને જ કર્મભુમિ બનાવનાર આ વ્યક્તિએ દરેક જગ્યાએ એક સંકલ્પ સાથે કામ કર્યું છે. જીવણગઢ જ્યારે નોકરી શરૂ કરી ત્યારે મનોમન એમણે એક સંકલ્પ કરેલો કે આ નાનકડાં ગામના ઓછામાં ઓછા પાંચ બાળકો સરકારી નોકરી પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે. તેમની પ્રેરણા અને માર્ગદર્શન થકી પાંચ કરતાં વધુ બાળકોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત પણ કર્યું અને વિવિધ પદો પર સરકારી નોકરીમાં નિમણૂક પણ પ્રાપ્ત કરી જોકે નિરાભિમાની શ્રી ભગવાનજીભાઇ તો એનો યશ એ લોકોની મહેનતને અને ઇશ્વરકૃપાને આપે છે.
સામાન્ય રીતે દુર્જનોની સક્રિયતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતાએ સમાજમાં વધુ સમસ્યાઓ ઉભી કરી છે. વડગાસમાં પણ સરકારી શાળા પર રાબેતા મુજબ સરકારી તંત્ર બેધ્યાન રહ્યું અને શાળા પરિસર અનેક અનિચ્છનિય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનવા લાગ્યું.પણ વડગાસમાં જ જન્મી શિક્ષણના ઉમદા વ્યવસાયને પાંત્રીસ વર્ષથી અવતાર કૃત્યની માફક જીવનમાં વણી લેનાર શ્રી ભગવાનજીભાઇ મનજીભાઇ જેસલપુરા ના દ્રઢનિશ્ચયના પરિણામે વડગાસના પ્રજાજનો અને અનેક ગુજરાતી શિક્ષણ ચિંતિતો માટે ચમત્કાર સર્જાયો. લબ્ધ પ્રતિષ્ઠિત ગુજરાતી સામયિક 'ચિત્રલેખા' એ શ્રી ભગવાનજીભાઈના સક્ષમ અને સંનિષ્ઠ નેતૃત્વ તળે સમગ્ર શિક્ષકગણે વડગાસની પ્રાથમિક શાળામાં આવેલાં અદભુત પરિવર્તનની નોંધ પણ લીધી. આજે આ શાળામાં પુસ્તકાલય, ચોખ્ખુંચણાક અને રમતગમતના પ્રાથમિક સાધનોવાળું મેદાન, બાળકોએ કેળવેલી બચતની ટેવ માટે પ્રોત્સાહક બનતી બાળકોથી જ ચાલતી બેંક સમકક્ષ વ્યવસ્થા અને સૌથી વધારે તો આ શાળા મારી છે અને મારા જીવન ઘડતરમાં એનો અનન્ય ફાળો છે એવી દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીની ના ચહેરા પરની ચમક એ ગામડાંમાં વસતા ભારતનું સ્વપ્નીલ પ્રતિક સાબિત થયાં છે.આ બધું કંઇ રાતોરાત તો શક્ય નહી જ બન્યું હોય એ સહેજે સમજી શકાય એવી વાત છે. સ્થાપિત હિતો સામે, કુંભકર્ણ સ્વરૂપી સરકારી તંત્ર સામે, શિક્ષણ ક્ષેત્રે સેવાના નામે મેવા પ્રાપ્ત કરવા પ્રવેશેલા તત્ત્વો સામે અને એવા તો અનેક અવરોધો સામે માત્ર પોતાની શુભનિષ્ઠાના બળે ટકી રહેનાર આ વ્યક્તિમાં ડો. રાધાકૃષ્ણજી એ જોયેલાં આદર્શ શિક્ષકના તમામ લક્ષણોની હાજરી જ એમના પ્રત્યે આદરથી વંદનભાવ પ્રગટાવે છે.
ગાંધી વિચારો અને ગાંધી વસ્ત્ર (ખાદી)ને જીવનમાં અપનાવનાર શ્રી ભગવાનજીભાઇ સંકલ્પ, નિષ્ઠા અને ફરજને પૂજાનો દરજ્જો આપનાર નખશિખ સજ્જન વ્યકતિત્ત્વના માલિક છે. પરિવારમાં જીવનસંગીની, વહાલના દરિયા જેવી સાસરે વળાવેલી બબ્બે પુત્રીઓ,બીએસએનએલમાં ફરજ બજાવતા પુત્ર સાથે નિવૃત્તિ માટે તૈયારી કરી રહેલાં શ્રી ભગવાનજીભાઈ માટે નિવૃત્તિ એ નવરાશનો નહી પણ મનગમતી સેવાકિય પ્રવૃત્તિનો સંદેશ લઈને જ આવશે એ નિશંક છે.
-પ્રણવ ત્રિવેદી
Comments