સંવાદિતા વિષે એક સંવાદ

 


સંવાદિતા વિષે એક સંવાદ 

હમણાં એક મુસાફરી કરતી વેળાએ મન વિચારે ચડ્યું. અમે જે વાહનમાં હતા તેમાં એક બીજાથી અજાણ્યા એવા આઠેક મુસાફરો હતા. તેમાંથી છ પાસે મોબાઇલ ફોન હતા. વારાફરતી કોઈ કોઈ ફોનમાં રીંગ વાગતી રહેતી અને ફોન પર વાતો થતી રહેતી. જ્યારે એક પણ વ્યક્તિના ફોનમાં રીંગ ન વાગે ત્યારે વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું હોય તેવું લાગતું. ટેક્નોલોજીની આ તે કેવી કમાલ કે સાવ પાસે બેઠેલા એક ચૈતન્યસભર અસ્તિત્વ સાથે સંવાદ સ્થાપવો મુશ્કેલ અને દૂરના કોઈની સાથે હાથ વગો સંપર્ક !!

બદલાતા સમયની આ તાસીર છે. આજથી થોડા જ વર્ષો પહેલા એક ઘરનો પ્રસંગ આખી શેરીનો પ્રસંગ બનતો અને એક ઘરની પીડા  પર સૌને આંસુ સારતા જોયાને કઈ સદીઓ નથી વીતી ગઈ. માણસનો તેના આસપાસના વિશ્વ સાથે જીવંત સંપર્ક રહેતો. બે-ચાર દિવસ બહાર જઈ આવ્યા પછી આસપાસના બધાને મળી લેવાની આપણને તાલાવેલી લાગતી. માણસ બીજા માણસ સાથે કે આસપાસના નાનકડા વિશ્વ સાથે કોઈ જ કારણ વગર જ જોડાયેલો રહેતો. આજના સમયમાં પ્રવૃત્તિઓનો વ્યાપ વધવાની સાથેસાથે ટીવી અને ફોન જેવા ઉપકરણોને કારણે કોઈ જ દેખીતા કારણ વગર આપણે વ્યસ્ત રહેવા લાગ્યા છીએ.

માણસ જો માત્ર અન્યથી અલગ રહેવા લાગે તો બહુ વાંધો નથી પણ કમનસીબે માણસ પોતાનાથી જ અળગો થતો જાય છે અને એ ઘટના ચિંતા ઉપજાવે છે. આપણે આપણી જાત સાથે સંવાદિતા જાળવી શકતા નથી. તેનાથી જ વિષાદ કે પ્રછન્ન વ્યક્તિત્વની સમસ્યા સર્જાય છે. પહાડ પણ તૂટી પડે એવી ક્ષણો એ અડગ રહી શકેલા માનવીઓની માનસીકતાનો અભ્યાસ કરીએ તો આ વાત સમજવી મુશ્કેલ નથી. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતી વેળાએ જે મનોબળની જરૂર પડે છે. અને સમસ્યાના સમાધાન માટે જે સ્થિર મનની જરૂર પડે છે તે માત્રને માત્ર મન સાથે દોસ્તી પૂર્વક સાધેલી સંવાદિતાથી જ શક્ય બને. ન કરવા જેવું કોઇ કામ કરવું પડે કે કરવા જેવું કોઈ કામ ન કરી શકીએ ત્યારે મનમાં જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન થાય છે એ આપણી અંદર રહેલા આપણા મૂળ સ્વરૂપનો જવાબ છે આ જવાબની સતત અવગણના કરવાથી આપણા આપણી જાત સાથે જ અબોલા શરૂ થાય છે. એટલે કે બીઇંગ અને બીકમિંગ વચ્ચે અબોલા શરૂ થાય છે જે અંતમાં પીડાને જન્મ આપે છે. જીવનમાં સઘળું વહેંચતા રહેવું એ આપણી મૂળભૂત વૃત્તિ છે. આનંદ હોય કે પીડા આપણા જીવનમાં એની વહેચણી કરવાની ઈચ્છા હંમેશા રહે જ છે. પછી એ કોઈ અન્ય સાથે હોય કે પોતાની જાત સાથે હોય. જે માણસ આનંદ પીડા વહેંચવા ખાતર પણ બીજા સાથે જોડાયેલો રહેતો નથી તે માણસ માટે જીવન વિકાસ એક સ્વપ્ન માત્ર બની જાય છે. 

સૌને સંવાદ સભર જીવનયાત્રા માટે શુભકામનાઓ ...

Comments