કરૂણરસનો શૃંગાર

 


ફેન્સી ડ્રેસ

ચાળીસ વર્ષ પછી અમે શાળાના મિત્રો મળ્યા,
ફેન્સી ડ્રેસ પાર્ટીમાં.
કોઈ મિયાં ફુસકી બનેલો,કોઈ તભા ભટ્ટ
નટુ હેડમાસ્તર,સુજાતા સિન્ડ્રેલા.
હું બનેલો ખૂંધિયો રાક્ષસ.
ઝાઝો મેક અપ નહોતો કરવો પડ્યો જોકે.
"યાદ છે પેલો બાથરૂમ ? પહેલે માળ?
દીવાલ પર લીટી દોરેલી ને લખેલું :
તમારો ફુવારો અહીં સુધી પહોંચે તો બંબાવાળા બનો "
"અને નટુ ! માસ્તરે કેવો તતડાવેલો:ચોપડી કોરી કેમ ?
તો કહે: સર, તમે પાટિયા પર લખ્યું, મેં ચોપડીમાં લખ્યું.
પછી તમે પાટિયું ભુંસી નાંખ્યું -----"

નટુ કોકાકોલાની બાટલી દાંતથી ખોલતો
આજે હસવા જાય તો ડેંચર બહાર આવે છે.
દુષ્યંત આંક અને પલાખાં કડકડાટ બોલતો
હવે પોતાનું નામ પણ યાદ નથી.
સુજાતા સ્મિત કરે ને શરણાઈઓ ગૂંજતી
હજી કુંવારી જ છે.
હર્ષ તો હાઇજમ્પ ચેમ્પિયન !
નવમે માળેથી કૂદ્યો.
મેનકા બ્લાઉસ પર પતંગિયાનો બ્રોચ પહેરતી
હવે એને એક જ સ્તન છે.

બાર વાગ્યા સુધી ચાલી અમારી ફેન્સી ડ્રેસ પાર્ટી
થોડી પળો સુધી
અમે બાળપણ પહેરીને
મરણને છેતર્યું

-ઉદયન ઠક્કર

વધતી ઉમ્મર, ઢળતા ખભા, વિલંબિત લયમાં ચાલતા પગ, ચહેરા પર વિતી ગયેલા સમયના ચાસ જેવી કરચલીઓ.. વધતી વય એટલે જીવન સફરનો એક એવો પડાવ જ્યાં છલોછલ સ્મરણમંજૂષા અને ક્ષમતાલક્ષી મર્યાદા સમાંતર રીતે વહેતા હોય., જ્યાં આનંદની ક્ષણો વિષાદની આંગળી પકડી ચાલતી રહે, “તમે” કહેનારા વધતાં જાય અને ‘તું’ કહી બોલાવનારા ઓછા થતાં જાય, સંબંધોનું વિશાળ વર્તુળ ધીરે ધીરે સમેટાતું જાય એવી વયે જૂના મિત્રોનું ફરી મળવું અને સમયના પ્રવાહમાં સૌના અસ્તિત્વ પર લાગેલા ઘસારા વિષે વાત કરવી એટ્લે જાણે કાળા ચશ્મા પહેરી આંખો ભીની કરવી.

કવિશ્રી ઉદયન ઠક્કરની આ કવિતા વૃધ્ધોની નહી પણ વૃધ્ધત્વની યુવાન કવિતા છે. ચાર પાંચ દાયકા પછી મળેલાં અનેક પાત્રો જે એક સમયે આનંદના ભાગીદાર હતા તેમની સાથે વણાયેલી મજાકો અને વિશેષતાઓનું કરૂણ ઘટનાઓમાં થયેલું પરીવર્તન વાચકને એક ધબકારો ચુકાવી દે છે. એમાં નિયતિનું ક્રૂર હાસ્ય પણ છે અને માનવ સહજ લાચારી પણ છે. હાઇ જંપમાં ચેમ્પિયન વ્યક્તિ નવમા માળેથી ધુબાકો દઈ દે અને કડકડાટ પલાખાં બોલનારને પોતાનું નામ પણ યાદ ન રહે એ આપણે ક્યારેય નથી જાણતા એવા નસીબના ખેલ સિવાય શું કહેવાય? જેના સ્મિતથી શરણાઈઓ ગુંજાતી એ પાત્રના જીવનમાં શરણાઈનો સૂર ગુંજે જ નહી એવા તમામ વિરોધાભાસ સાથે વાચક-ભાવકને ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ પ્રયોજાતા બ્લેક હ્યુમરનો પરિચય થાય છે.

કવિતાના પ્રથમ ચરણમાં બાલયાવસ્થાના સહજ તોફાન મસ્તી, કવિતાના પ્રવાહમાં ક્યારે કરૂણ રસમાં પલટાઈ જાય છે એનાથી ભાવક અજાણ રહે અને અચાનક જ એકાદ શબ્દ પર સ્મૃતિ વિષાદનું તાંડવ રચાય જાય છે. અને જ્યાં શ્વાસ પણ સાથે આવવાની ના પાડી દે એવા પડાવનો-મૃત્યુનો ઉલ્લેખ. પણ કવિતાની આ ચરમ સીમા પર વિષાદ મુક્ત જીવનની જડીબુટ્ટી પણ છુપાયેલી છે. બાળપણ પહેરીને મૃત્યને છેતરતા રહેવાનો જીવનમંત્ર અનાયાસે જ આપણને ઘેરી વળે છે. અને એ મંત્ર પછી વાચક ને એક સન્નાટામાં, વિચાર વમળમાં  છોડી દે છે. સાચી કવિતા વાચકના મનની ઘટમાળમાં ખલેલ પંહોચાડવા સક્ષમ હોય છે અને આ કવિતા જ સાચી કવિતા છે.

(વિવેચન ગુસ્તાખી : પ્રણવ ત્રિવેદી)

Comments