લાગણીની વાત
જીંદગીના કોઇક પડાવ પર નિરાંતે પાછલાં વર્ષો સાથે સંતાકુકડી રમવા મળે ત્યારે આપણા જીવનમાં આવેલી આનંદની ક્ષણો સાથે સાથે પીડા કે વ્યથાના કલાકો આવ્યા હતા તેનું અવલોકન કરવાથી ભલે પળભર માટે પણ ઋષિની કક્ષાની અનૂભુતિ થાય છે. આપણી કોઇ પણ પ્રવૃત્તિના બે જ ચાલકબળ હોય છે. કાં આપણે બુધ્ધિના આધારે કોઇ નિર્ણય લીધો હોય છે કાં હ્રદયના અવાજ પ્રમાણે. બુધ્ધિના આધારે લીધેલાં નિર્ણયો સફળ થાય કે નિષ્ફળ, તર્કના સહારે તેને વાજબી ઠેરવવા બુધ્ધિ તરત જ તૈયાર થઈ જાય છે. પણ જો હ્રદયના અવાજને અનુસર્યા હોઇએ અને સફળતા ન મળી હોય ત્યારે હ્રદય પાસે માત્ર બે જ સાથીદારો હોય છે: નિશ્વાસ અને અશ્રુ. આપણે કાયમ સાંભળતા આવ્યા છીએ કે સરસ્વતિ અને લક્ષ્મી સાથે રહેતાં નથી. ક્યારેક એવું લાગે છે કે લક્ષ્મીનું નિવાસસ્થાન બુધ્ધિ અને સરસ્વતિનું નિવાસસ્થાન લાગણી હોવું જોઇએ. કારણકે લાગણીના અવાજને અનુસરનારા મોટેભાગે સર્જનશીલ કલાકારો હોય છે. બુધ્ધિના આધારે જીવતા લોકો માટે 'પ' પૈસાનો 'પ' અને 'સ' સંપતિનો 'સ' હોય છે જ્યારે લાગણીથી જીવનારા લોકો માટે 'પ' પ્રેમનો અને 'સ' સંવેદનાનો હોય છે. આનો અર્થ એ નથી...