લાગણીની વાત
જીંદગીના કોઇક પડાવ પર નિરાંતે પાછલાં વર્ષો સાથે સંતાકુકડી રમવા મળે ત્યારે આપણા જીવનમાં આવેલી આનંદની ક્ષણો સાથે સાથે પીડા કે વ્યથાના કલાકો આવ્યા હતા તેનું અવલોકન કરવાથી ભલે પળભર માટે પણ ઋષિની કક્ષાની અનૂભુતિ થાય છે.
આપણી કોઇ પણ પ્રવૃત્તિના બે જ ચાલકબળ હોય છે. કાં આપણે બુધ્ધિના આધારે કોઇ નિર્ણય લીધો હોય છે કાં હ્રદયના અવાજ પ્રમાણે. બુધ્ધિના આધારે લીધેલાં નિર્ણયો સફળ થાય કે નિષ્ફળ, તર્કના સહારે તેને વાજબી ઠેરવવા બુધ્ધિ તરત જ તૈયાર થઈ જાય છે. પણ જો હ્રદયના અવાજને અનુસર્યા હોઇએ અને સફળતા ન મળી હોય ત્યારે હ્રદય પાસે માત્ર બે જ સાથીદારો હોય છે: નિશ્વાસ અને અશ્રુ. આપણે કાયમ સાંભળતા આવ્યા છીએ કે સરસ્વતિ અને લક્ષ્મી સાથે રહેતાં નથી. ક્યારેક એવું લાગે છે કે લક્ષ્મીનું નિવાસસ્થાન બુધ્ધિ અને સરસ્વતિનું નિવાસસ્થાન લાગણી હોવું જોઇએ. કારણકે લાગણીના અવાજને અનુસરનારા મોટેભાગે સર્જનશીલ કલાકારો હોય છે. બુધ્ધિના આધારે જીવતા લોકો માટે 'પ' પૈસાનો 'પ' અને 'સ' સંપતિનો 'સ' હોય છે જ્યારે લાગણીથી જીવનારા લોકો માટે 'પ' પ્રેમનો અને 'સ' સંવેદનાનો હોય છે. આનો અર્થ એ નથી કે આપણે ત્યાં આ બે પ્રકારના જ લોકો હોય છે. આ બન્ને તત્વનું વિવિધ સંયોજન આપણી આસપાસ જરૂર જોવા મળશે.
વિખ્યાત ચિંતક શ્રી ખલિલ જિબ્રાન લખે છે કે કવિતા એ તો ભિષણ વેદનાનું બાળક છે. લાગણીપ્રધાન માણસો ફેફસામાં નિસાસાઓ અને આંખોમાં અશ્રુઓનું સરોવર છુપાવી બેઠા હોય છે. ક્યારેક તેની સાવ નજીકની વ્યક્તિ પણ એનાથી અજાણ રહી જાય છે અને ક્યારેક સમજણની સમાન વેવલેન્થ પર વિહરતા કોઇ મન સાથે મૈત્રીનું મેઘધનુષ રચાઇ જાય તો તે મિત્ર દૂર રહીને પણ સાંભળી શકે છે આ એકાકી આકાશનું સંગીત....પણ આ સાયુજ્ય જો અપેક્ષિત ઉંચાઇ પ્રાપ્ત ન કરી શકે તો દર્દ બેવડાઇ જાય છે અને લાગણીભર્યા હૈયા માટે જીવવું દોહ્યલું થઈ જાય છે. જે લાગણીઓ પોષક હોય તે જ નાશક બની જાય એવું બને. કલાપિ આ કક્ષામાં આવતો સર્જક હતો એટલે તો એમણે લખ્યુ હશે કે 'જે પોષતું તે મારતું...' જેને પ્રતિઘોષ ન મળ્યો હોય તેવી વાંઝણી લાગણીઓ લઈને ફરતો આવો કોઇ માણસ પહેલી નજરે તો સામાન્ય જ લાગતો હોય છે. પણ એની આંખોમાં ઘુઘવતો હોય છે એકલવાયા હોવાનો એક સમુદ્ર. આજુબાજુ ક્યાંય આવાં નાના રણ દેખાઇ આવે તો તેના માટે લીલોછમ ટાપુ બનવાનું પુણ્ય કાર્ય કરવાં જેવું ખરૂં, પણ કાયમ માટે. અન્યથા આવા લાગણીશીલ વ્યક્તિઓની ઝોળીમાં બે-ચાર દર્દોનો ઉમેરો થઈ જશે.
અઢળક સાધનો, સુખો અને સગવડો વચ્ચે આવા કોઇ લાગણી જીવીને જાળવી લેવા એ ઇશ્વરી કૃત્યથી જરા પણ કમ નથી.
Comments
હજુ લખતાં રહો. આ કલમમાં તાકાત છે.